તપાસ:મંત્રાલયના કેન્ટીન ક્ષેત્રની બાજુમાં શરાબની બોટલોનો ઢગલો મળ્યો

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તપાસ પછી જ પ્રવેશ અપાતો હોવા છતાં બોટલો કઈ રીતે અંદર પહોંચી

રાજ્યનો કારભાર જ્યાંથી ચલાવવામાં આવે છે તે મંત્રાલયમાં એક આંચકાજનક ઘટના સામે આવી છે. મંત્રાલયના કેન્ટીન ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં દારૂની બોટલોનો ઢગલો મળી આવ્યો છે. મંત્રાલયમાં એક્રેડિટેડ ઓફિસરોની કેન્ટીનની નીચેની બાજુમાં એક રૂમ છે, જ્યાં આ બોટલો મળી આવી છે.મંત્રાલયની કેન્ટીનની બાજુમાં જ બોટલો ઢગલો મળી આવતાં આશ્ચર્ય ફેલાયું છે. આ માહિતી બહાર આવતાં જ સ્વચ્છતા કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા હતા અને સાફસફાઈ શરૂ કરી હતી.મંત્રાલયમાં રાજ્યના ખૂણાખાંચરામાંથી લોકો પોતાની સમસ્યાઓ લઈને આવે છે.

મંત્રાલયમાં આસાનીથી પ્રવેશ મળતો નથી. સઘન તપાસ પછી જ અંદર જવા દેવાય છે. આથી કોઈ સોઈ પણ અંદર લઈ નહીં જઈ શકે. તો પછી મંત્રાલયના કેન્ટીન ક્ષેત્રમાં શરાબની બોટલો કઈ રીતે પહોંચી એવો પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે. બે દિવસ પૂર્વે ગટારી અમાવસ્યા હતી. તે નિમિત્તે પાર્ટી તો નથી થઈને એવો પ્રશ્ન કરવામાં આવી રહ્યો છે. જોકે આ અંગે તપાસ થશે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી.અગાઉ માજી ગૃહમંત્રી અનિલ દેશમુખના કાર્યાલયની બહાર બેસવા માટેની જગ્યામાં ખાલી બાટલીઓ મળી આવી હતી.

બોટલો પહોંચી જ કઈ રીતેઃ ભાજપનો હલ્લાબોલ : દરમિયાન વિધાન પરિષદના વિપક્ષી નેતા પ્રવીણ દરેકરે જણાવ્યું હતું કે આ અત્યંત શરમજનક ઘટના છે. એક બાજુ મંત્રાલયમાં સામાન્ય લોકોને પ્રવેશ મેળવવાનું મુશ્કેલ છે, અનેકને ન્યાય મળતો નથી. આવા સંજોગોમાં દારૂની બોટલો મંત્રાલયમાં કઈ રીતે પહોંચી શકે છે, તે કોણ લાવ્યું અને શા માટે લાવ્યું તેની સંપૂર્ણ તપાસ કરીને સંબંધિતો સામે કાર્યવાહી કરવી જોઈએ.

આ પ્રકરણ પરથી સરકારની માનસિકતા, સરકારનો કારભાર કોને માટે, શા માટે ચાલી રહ્યો છે તે દેખાય છે. આ સરકાર ચોક્કસ કોના માટે કામ કરે છે. દારૂ વિક્રેતાઓ માટે કરે છે, ડાન્સ બારહ માટે કે રેસ્ટોરાંવાળાઓ માટે કામ કરે છે કે સામાન્ય નાગરિકો માટે કરે છે તેની જનતાને જાણ થવી જોઈએ. મહારાષ્ટ્રની પરંપરામાં કલંક લગાવનારી આ ઘટના સામે આવી છે. તેની ઊંડાણથી તપાસ થવી જોઈએ, એવી માગણી તેમણે કરી છે.

અન્ય સમાચારો પણ છે...