વિરાર રેલવે સ્ટેશન ખાતે એલીવેટર પર એકલા પ્રવાસીને આંતરીને ચાર ચોરટાઓએ તેને ઢોરમાર માર્યા પછી લૂંટ ચલાવી હોવાની આંચકાજનક ઘટના બહાર આવી છે. 15 મેના રાત્રે અઢી વાગ્યે આ ઘટના બની હતી.
ચોરટા પ્રવાસીની મારઝૂડ કરતા હોય તે સર્વ ઘટના સ્ટેશનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. દિવસરાત રેલવે સ્ટેશન પર પોલીસનો પહેરો હોવા છતાં એકલા પ્રવાસીને આંતરીને ચાર જણે બેરહેમીથી મારઝૂડ કરીને લૂંટ કઈ રીતે ચલાવી એવો પ્રશ્ન કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને રાતના સમયે ઘરે પાછા જતા પ્રવાસીઓની સુરક્ષાના પ્રશ્ન ફરી એક વાર ચર્ચાને ચકડોળે ચઢ્યો છે.
પશ્ચિમ રેલવેના અંતિમ સ્ટેશન વિરારમાં રાત્રે અઢી વાગ્યા સુધી લોકલની અવરજવર ચાલુ રહે છે. મધરાત્રે દેખીતી રીતે જ પ્રવાસીઓની ભીડ ઓછી હોય છે. આ તકનો લાભ લઈને ચાર ચોરટાએ એલીવેટર પર એક પ્રવાસી આંતરીને તેની મારઝૂડ કરી હતી. આ પછી તેના ગળામાંથી સોનાની ચેઈન, મોબાઈલ ફોન લૂંટીને ચોરટા ફરાર થઈ ગયા હતા. 15 મેના રાત્રે 2.30 વાગ્યે આ ઘટના બની હતી. સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.