તપાસ:ઇડીના દરોડામાં પ્રતાપ સરનાઈકના ઘરેથી પાકિસ્તાની ક્રેડિટ કાર્ડ મળ્યું

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મની લોન્ડરિંગ કેસમાં સરનાઈકને ઈડીએ ફરીથી સોમવારે પૂછપરછ માટે બોલાવ્યા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા મની લોન્ડરિંગના મામલામાં શિવસેનાના નેતા પ્રતાપ સરનાઈકનાં ઘર અને ઓફિસો પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન તેમની પાસેથી પાકિસ્તાની ક્રેડિટ કાર્ડ મળી આવ્યું છે, જે મુંબઇમાં તેમના સરનામે નોંધાયેલું હતું. દરમિયાન સરનાઈકને ફરીથી સોમવારે ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યા છે.

શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઇક માટે આને કારણે મુશ્કેલી ઊભી થઈ છે, કારણ કે એક પાકિસ્તાની નાગરિકના નામ હેઠળ નોંધાયેલું ક્રેડિટ કાર્ડ શિવસેનાના ધારાસભ્યના ઘરમાંથી મળી આવ્યું છે. પ્રતાપ સરનાઈકના સરનામે આ પાકિસ્તાની ક્રેડિટ કાર્ડ નોંધાયેલું છે. સરનાઇકને ઇડીએ પૂછપરછ માટે બે વાર સમન્સ મોકલ્યું હતું પરંતુ તેઓ મુંબઈ બહાર ગયા હોવાથી 14 દિવસના ક્વોરન્ટાઇનના સમયનો હવાલો આપીને હાજર રહ્યા નહોતા. એ પછી ત્રીજી વાર સમન્સને હાજર થતાં ઇડીએ તેમની પૂછપરછ કરી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગયા મહિને સરનાઇકનાં ઘર અને ઓફિસોમાં દરોડા પાડ્યા હતા. મુંબઇ અને થાણેમાં 10 સ્થળોએ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તેમની સાથે સંકળાયેલા મની લોન્ડરિંગના મામલે આ દરોડા પાડવામાં આવ્યા હતા.

કંગનાએ તાકયું નિશાન
દરમિયાન કંગના રણોતે સરનાઈકને આડે હાથ લીધા છે. કંગનાને સરનાઈકની એ ધમકી યાદ આવી ગઈ જે તેને મુંબઈની તુલના પીઓકે સાથે કર્યા બાદ આપવામાં આવી હતી. કંગનાએ એક ટ્વિટમાં કહ્યું છે કે, સરનાઈકના ઘરેથી પાકિસ્તાનનું ક્રેડિટ કાર્ડ મળ્યું છે. એનો મતલબ છે કે, હું સાચી હતી અને મેં કહ્યું હતું કે મુંબઈ પીઓકે જેવું લાગી રહ્યું છે. ત્યારે શિવસેનાના આ નેતાએ મારું મોઢું તોડવાની ધમકી આપી હતી.

ભારતમાં કેટલાક લોકો તમારી માટે બધું જ મૂકી રહ્યા છે અને કેટલાક લોકો તમને બધું જ આપી રહ્યા છે. તમે કોની ઉપર વિશ્વાસ રાખો છો તેની પર તમારા ભવિષ્યનો આધાર છે. ક્યાંક ભારત પાકિસ્તાન નહીં બની જાય, સંભાળો યારો. કંગનાએ જ્યારે મુંબઈની તુલના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર સાથે કરી હતી ત્યારે સરનાઈકે તેને ધમકાવતાં કહ્યું હતું, જો તે મુંબઈ આવશે તો અમારી સેનાની મહિલા કાર્યકરો તેનું મોઢું તોડી નાખશે.

અન્ય સમાચારો પણ છે...