ભાસ્કર વિશેષ:રાણીબાગમાં ઈઝરાઈલથી ઝેબ્રાની જોડી મગાવાઈ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ અને ઈંદોરના પ્રાણીસંગ્રહાલયમાંથી સિંહની જોડી મળશે

મુંબઈગરાઓ સાથે દેશ-વિદેશના પર્યટકો રાણીબાગમાં સિંહ જોઈ શકે એ માટેનો સંકલ્પ પૂરો કરવામાં એક પછી એક વિધ્ન આવી રહ્યા છે. સિંહની જોડીના બદલે આપવા માટે ઝેબ્રાની જોડી મળ્યા બાદ આ પ્રક્રિયા માટે જરૂરી કેન્દ્રિય પ્રાણીસંગ્રહાલય પ્રાધિકરણની પરવાનગી મહાપાલિકાને હજી મળી નથી. આ પરવાનગી મળ્યા બાદ જ આગળની પ્રક્રિયા પૂરી થતા જ મુંબઈગરા અને પર્યટકોને સિંહદર્શન થવાનો માર્ગ ખુલ્લો થશે. ભાયખલા ખાતેના રાણીબાગના નૂતનીકરણનો પ્રકલ્પ મહાપાલિકાએ શરૂ કર્યો છે. આ પ્રકલ્પ અંતર્ગત દેશ-વિદેશના વિવિધ વન્યપ્રાણીઓ રાણીબાગમાં લાવવામાં આવશે.

એના જ એક ભાગ તરીકે જૂનાગઢ અને ઈંદોરના પ્રાણીસંગ્રહાલયમાંથી સિંહની એક એક જોડી રાણીબાગમાં લાવવાની યોજના છે. આ યોજના અનુસાર મહાપાલિકાએ જૂનાગઢ અને ઈંદોરના પ્રાણીસંગ્રહાલય સાથે સંપર્ક સાધીને સિંહની જોડી મેળવવાના પ્રયત્ન શરૂ કર્યા છે. આ બાબતે બંને પ્રાણીસંગ્રહાલય સાથે વાત થઈ છે અને સિંહની જોડીના બદલે બંનેને ઝેબ્રાની જોડી આપવી પડશે. રાણીબાગમાં ઝેબ્રા ન હોવાથી મહાપાલિકાએ બીજા ઠેકાણેથી ઝેબ્રા મેળવીને બંને પ્રાણીસંગ્રહાલયને આપવા પડશે.

આ બાબત ધ્યાનમાં લેતા મહાપાલિકાએ ઝેબ્રાની બે જોડીઓ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. દેશ અને વિદેશના પ્રાણીસંગ્રહાલયો પર નજર દોડાવવામાં આવી. હવે ઈઝરાઈલમાં ઝેબ્રાની બે જોડી ઉપલબ્ધ છે અને એ મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ઝેબ્રા આપીને મહાપાલિકા સિંહની જોડી મેળવી શકશે એવી માહિતી મહાપાલિકાના અધિકારીઓએ આપી હતી.

પરવાનગી મળતા જ તરત અદલાબદલી
ઝેબ્રાની જોડી આપીને સિંહની જોડી મેળવવાની પ્રક્રિયા માટે કેન્દ્રિય પ્રાણીસંગ્રહાલય પ્રાધિકરણની પરવાનગીની જરૂર છે. આ પરવાનગી મેળવવા માટે રાણીબાગ પ્રશાસને કેન્દ્રિય પ્રાણીસંગ્રહાલય પ્રાધિકરણને પાંચ મહિના પહેલાં પત્ર મોકલ્યો છે. જોકે હજી એનો જવાબ કે પરવાનગી પત્ર મહાપાલિકાને મળ્યો નથી. પ્રાધિકરણ પાસેથી પરવાનગી મળતા જ તરત ઈઝરાઈલથી ઝેબ્રાની જોડી લાવીને એ જૂનાગઢ અને ઈંદોરના પ્રાણીસંગ્રહાલયને આપવામાં આવશે. એ પછી બંને ઠેકાણેથી સિંહની જોડી રાણીબાગમાં લાવી શકાશે એમ અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...