ફરિયાદ:જાવેદ અખ્તર સામે ફરી નવી ફરિયાદ દાખલ કરાઈ

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વકીલ દ્વારા મુલુંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) વિરુદ્ધ કથિત ટિપ્પણી માટે સોમવારે ગીતકાર જાવેદ અખ્તર સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. શહેરના એક વકીલ સંતોષ દુબે દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદને આધારે મુલુંડ પોલીસ સ્ટેશનમાં અદખલપાત્ર ગુનો (એનસી) દાખલ કરવામાં આવી છે.

મુલુંડના સિનિયર પીઆઈ અવિનાશ ભિસેએ જણાવ્યું કે અખ્તર સામે કલમ ૫૦૦ (બદનક્ષી) માટે અદખલપાત્ર ગુનો દાખલ કર્યો છે. આવા ગુનામાં પોલીસ વોરન્ટ વિના આરોપીની ધરપકડ નહીં કરી શકે અને કોર્ટની પરવાનગી વિના તપાસ પણ નહીં શરૂ કરી શકે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આરએસએસ વિરુદ્ધ ખોટી અને બદનામીકારક ટિપ્પણી કરવા માટે અખ્તરને વકીલે ગયા મહિને કાનૂની નોટિસ આપી હતી અને તેમના વિધાન માટે માફી માગવા જણાવ્યું હતું.

૭૬ વર્ષીય અખ્તરે તાજેતરની એક મુલાકાતમાં તાલિબાન અને હિંદુ ઉગ્રવાદીઓ વચ્ચે સમાંતર રેખા દોરી હતી. દુબેએ નોટિસમાં દાવો કર્યો હતો કે આવાં નિવેદન કરીને અખ્તરે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૯ (બદનક્ષી) અને ૫૦૦ (બદનક્ષી માટે સજા) હેઠળ ગુનો કર્યો છે.મેં અખ્તરને કાનૂની નોટિસ મોકલી હતી અને તેમની ટિપ્પણી બદલ માફી માગવા માટે પૂછ્યું હતું, પરંતુ તેમણે માફી માગી નહોતી. હવે તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...