વસઈ (પશ્ચિમ) ખાતે એકલી રહેતી હતી 45 વર્ષીય સંગીતા રેબેલોની તેના પુરુષ મિત્ર દ્વારા સોમવારે બપોરે તેના ઘરમાં ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તે મહિલાનો મિત્ર હતો. ગુનાનો હેતુ હજુ જાણી શકાયો નથી. મહિલા વસઈના ન્યૂ એવરશાઇન ગાર્ડનમાં રહેતી હતી જયારે તેનો પતિ વિદેશમાં નોકરી કરે છે.
સોમવારે આરોપી અન્ય એક મહિલા સાથે સંગીતાના ઘરે આવ્યો હતો. સંગીતા અને તેની વચ્ચે કોઈક બાબતે ઝઘડો થયો હતો, જેના પછી આરોપી રસોડામાં ગયો અને છરી લાવીને સંગીતાના ગરદન પર ઘા કર્યો હતો. અન્ય મહિલા આ દ્રશ્ય જોઇને ચીસો પાડવા લાગી એ દરમિયાન આરોપી ભાગી ગયો હતો. મહિલાની ચીસો સાંભળીને પાડોશીઓ દોડી આવ્યા હતા.
પાડોશીઓએ પોલીસને જણાવ્યું કે અન્ય મહિલાની ચીસો સાંભળીને તેઓ ફ્લેટ પર દોડી આવ્યા હતા. તેઓએ કહ્યું કે તેઓએ સંગીતાને લોહીના ખાબોચિયામાં પડેલી જોઈ. બપોરે 1 વાગ્યાની આસપાસ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહ કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
આ પ્રકરણમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે.પોલીસે જણાવ્યું કે તે આરોપી સંગીતાના ઘરે અવારનવાર આવતો હતો. હત્યા થઈ ત્યારે ફ્લેટમાં હાજર મહિલાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુનામાં વપરાયેલી છરી જપ્ત કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.