ધરપકડ:જીમેટ પરીક્ષાનાં પરિણામોમાં ચેડાં કરનારી ગેન્ગ IFSO દ્વારા ઝડપાઈ

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હેકર, સોલ્વર, ટ્રેનર, કોચિંગ ક્લાસના માલિક સહિત છ જણની ધરપકડ
  • 3 વર્ષમાં 500થી વધુ ઉમેદવારોને લાખ્ખો રૂપિયા લઈને પાસ કર્યા, એક લાખ આપતાં 800માંથી 780 ગુણ મેળવી આપ્યા

મહારાષ્ટ્રમાં મ્હાડા, આરોગ્ય વિભાગ અને શિક્ષક પાત્રતા પરીક્ષા (ટીઈટી) પેપર લીક ગોટાળો ગાજી રહ્યો છે ત્યારે દિલ્હી પોલીસના ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (આઈએફએસઓ) યુનિટ દ્વારા અત્યંત પ્રતિષ્ઠિત ઓનલાઈન પરીક્ષાઓ જીમેટ, જેઈઈ વગેરેનાં પરિણામોમાં હેક કરીને અને ચેડાં કરીને ઉમેદવારોને તગડા ગુણ સાથે પાસ કરાવનારા હેકરો, સોલ્વરો, ટ્રેનરો અને કોચિંગ ક્લાસના માલિકો સહિત છ જણની ધરપકડ કરી છે.

છેલ્લા દસ દિવસમાં દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને મુંબઈમાં વ્યાપક દરોડા પાડીને આ કાર્યવાહી કરવામાં આવી છે. આઈએફએસઓએ આ પ્રકરણે એ. ધુન્નુ, એસ. ધુન્ના, એચ શાહ, કે ગોયલ, એમ શર્મા, આર તેઓતિયાની ધરપકડ કરી છે. તેમની પાસેથી 15 લેપટોપ અને 9 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યાં છે. આરોપીઓએ છેલ્લાં ત્રણ વર્ષમાં 18 ઉમેદવારોને જીમેટ પરીક્ષા પાસ કરાવી આપી છે અને અન્ય પરીક્ષાઓમાં આશરે 500 ઉમેદવારોને પાસ કરાવ્યા છે, એમ આઈએફએસઓએ જણાવ્યું હતું.

વિભાગને માહિતી મળી હતી કે અમુક સિન્ડિકેટ દ્વારા વિવિધ સ્પર્ધા પરીક્ષાઓને અનધિકૃત રીતે પહોંચ મેળવવામાં આવે છે અને પ્રતિષ્ઠિત ઓનલાઈન પરીક્ષાઓમાં ઉમેદવારોને ઈચ્છિત ગુણો અપાવવા માટે તગડી રકમ લે છે. ખાસ કરીને આરોપીઓ જીમેટ, જેઈઈ, સિસ્કો- એસોસિયેટ, પ્રોફેશનલ, સ્પેશિયાલ્ટી, આઈબીએમ- ઓલ એક્ઝામ્સ કોમ્પટિયા- બધી પરીક્ષાઓ ઈસી કાઉન્સિલ- સીઈએચ, સીએચએફઆઈ અને સીસીઆઈએસઓ વગેરેની ઓનલાઈન પરીક્ષાઓને પહોંચ હોવાનો દાવો કરતા હતા.

જીમેટ પરીક્ષા શું છે
ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટ કોમ્પ્યુટર આધારિત પરીક્ષા છે, જે ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ ઓફ બિઝનેસ સ્કૂલ્સમાં પ્રવેશ માટે લેવાય છે. જીમેટની માલિકી એજન્સી ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ એડમિશન કાઉન્સિલ (જીમેક) છે, એમ ડીસીપીએ જણાવ્યું હતું.

વર્ષોથી ચાલે છે આ કૌભાંડ
વર્ષોથી આ કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે એવી માહિતી મળી છે. તેમાં આરોપીએ હજારો ઉમેદવારોને પાસ કરાવી દીધા છે. આ ગેન્ગનો સૂત્રધાર તેઓતિયા છે, જે ફરીદાબાદનો હોઈ સીબીઆઈ અને હરિયાણા પોલીસ દ્વારા વોન્ટેડ છે અને તેને માથે રૂ. 1 લાખનું ઈનામ હતું. ખાસ કરીને તેઓતિયા પરીક્ષાઓ આપવા માટે રશિયન હેકરો સાથે પણ સંપર્કમાં હતો. માહિમમાં રહેતા ધુન્ના ભાઈઓ ઉચ્ચ શિક્ષિત છે અને કેડલ રોડ પર ટ્રેનિંગ કોર્સ ચલાવતા હતા. શાહ કાંદિવલીનો રહેવાની છે અને ગુજરાતના ગાંધીનગરનો કાયમી રહેવાસી છે, એમ ડીસીપી કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું હતું.

આ રીતે ઓપરેશન કરાયું
આ માહિતીને આધારે એક ઈન્સ્પેક્ટરને ઉમેદવાર બનાવીને હેકરનો સંપર્ક કરવા કહેવાયું હતું. હેકરના કહેવા મુજબ બેન્કના ટોકન મની જમા કરાયા હતા. 26 ડિસેમ્બરે પરીક્ષાના દિવસે હેકરે ઉમેદવારને અલ્ટ્રાવ્યુઅર સોફ્ટવેર ડાઉનલોડ કરવા કહ્યું, જેથી ઉમેદવારના લેપટોપને રિમોટ પહોંચ મળી શકે. આ પછી ઉમેદવારના લેપટોપને સોલ્વર સાથે જોડવામાં આવ્યું હતું, જેણે આખી પરીક્ષા આપી હતી. ઉમેદવારને 800માંથી 780 ગુણ, એટલે કે, 97 પર્સન્ટાઈલ મળ્યા હતા, જેથી તે દુનિયામાં ગમે તે ટોચની એમબીએ કોલેજમાં પ્રવેશ લઈ શકતો હતો.

અન્ય સમાચારો પણ છે...