તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:સિપ્લાને નામે કોરોનાના દર્દીઓને ઠગતી બિહારીઓની ગેન્ગ પકડાઈ

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રીજી લહેરમાં છેતરપિંડી કરવાની પણ ટોળકીએ તૈયારી કરી હતી
  • અનેક રાજ્યોમાં દર્દીઓ સાથે લાખ્ખોની છેતરપિંડી
  • બોગસ દસ્તાવેજો દ્વારા 32 બેન્ક ખાતાં ખોલાવ્યા

સિપ્લા કંપનીના નામનો દુરુપયોગ કરીને દેશભરમાં કોરોનાના દર્દીઓ અને તેમને સંબંધીઓ સાથે લાખ્ખોની છેતરપિંડી કરનારી બિહારી ગેન્ગને બીકેસી સાઈબર ક્રાઈમ સેલ દ્વારા ઝડપી લેવામાં આવી છે. આરોપીઓએ બીજી લહેરમાં આ રીતે ધૂમ કમાણી કરી હતી અને ત્રીજી લહેર માટે પણ તૈયારી કરી રાખી હતી. જોકે તે પૂર્વે જ મુંબઈ પોલીસે બિહારના અત્યંત ખતરનાક ઠેકાણા પરથી મુખ્ય આરોપીને પણ ઝડપી લીધો છે.

કાંદિવલી પૂર્વે લોખંડવાલાની સૂર્યકિરણ બિલ્ડિંગમાં રહેતા ડો. બાસો ચવ્હાણ દ્વારા તેમને રેમડેસિવિર ઈન્જેકશન મેળવી આપવાને નામે છેતરવામાં આવ્યા હોવાની સાઈબર ક્રાઈમ સેલ – બીકેસીમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દેશભરમાં સોશિયલ મિડિયા પર સિપ્લા કંપનીના ડીલર હોવાનું કહીને આરોપીઓએ આ રીતે જ એડવાન્સ પૈસા લઈને છેતરપિંડી કરી હતી. ખુદ સિપ્લા કંપનીએ પણ તેમની પાસે આવી અનેક ફરિયાદો આવી હોવાની જાણ કરી હતી.

આથી સાઈબર સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તેમાં ટ્વીટર અને સોશિયલ મિડિયા પર આરોપીઓએ અલગ અલગ ફેક અકાઉન્ટ્સ ખોલીને તેના દ્વારા મોબાઈલ મનંબર અને બેન્ક અકાઉન્ટ્સ સિપ્લા કંપનીને નામે પ્રસારિત કરી દીધા હતા, જેથી લોકો વિશ્વાસ રાખીને રેમડેસિવિર, ટોસિલિઝુમેબ દવાઓ, ઓક્સિજન બેડ, બ્લડ પ્લાઝમા, એમ્બ્યુલન્સ વગેરે માટે એડવાન્સ પૈસા ચૂકવી દેતા હતા.

આ પછી આરોપીઓ નોટ- રીચેબલ થઈ જતા હતા.આરોપીઓ પશ્ચિમ બંગાળમાંથી સિમકાર્ડસ મેળવતા હતા. મુંબઈ સાથે દિલ્હી, પુણે, જયપુર, હૈદરાબાદ ખાતે મોટા પાયા પર આરોપીઓએ છેતરપિંડી કરી છે. આરોપીઓએ નકલી પેનકાર્ડ, આધારકાર્ડનો ઉપયોગ કરીને વિવિધ બેન્કોમાં 32 ખાતાં સિપ્લા કંપનીનાં હોવાનું બતાવ્યું હતું. કોવિડની બીજી લહેરમાં તેમણે અનેક લોકો પાસેથી રૂ. 60 લાખથી વધુ ભેગા કર્યા હતા.

બિહારમાં જઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
બિહારના નાલંદામાં આરોપીઓ હોવાનું જણાતાં પીઆઈ પ્રકાશ મજગર, એપીઆઈ અલકા જાધવ સહિતની ટીમ બિહાર પોંહીચી હતી. સાઈબર હબ તરીકે પ્રસિદ્ધ કત્રીસરાય, બિહારશરીફ અને વારસલીગંજ જેવા નકસલગ્રસ્ત વિસ્તારોમાં કામ કરતા હતા. આ મુજબ બિહારશરીફ ખાતે એક કોલ સેન્ટર પકડી પાડ્યું હતું. આ પછી મુખ્ય આરોપીને વારસલીગંજથીઝડપી લેવાયો હતો. એક સગીર સહિત છ જણની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી 18 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે.

આરોપીઓ શિક્ષિત
આરોપીઓ ઉચ્ચ શિક્ષિત છે. અગાઉ તેઓ બજાજ ફાઈનાન્સને નામે લોન આપવાને બહાને છેતરપિંડી કરતા હતા. જોકે લોકડાઉનને લીધે લોનની માગણી ઓછી થતાં આરોપીઓએ કોવિડના દર્દીઓને છેતરવાનો પ્લાન બનાવ્યો હતો, જેમાં તેમને સફળતા મળી હતી. તેમણે ત્રીજી લહેર માટે પણ યોજના બનાવી રાખી હતી એવું તપાસમાં બહાર આવ્યું છે.

એક આરોપી સગીર
આરોપીઓમાં ધનંજય પંડિત (20), શરવણ પાસવાન (29), ધર્મજયકુમાર પ્રસાદ (29), નીતિશકુમાર પ્રસાદ (27), સુમંત કુમાર પ્રસાદ (26) અને એક સગીર બાળકનો સમાવેશ થાય છે. માજીદપુરનો સંતોષ કુમાર, મિરબિગાનો સૂરજ કુમાર, સૂરજ કુમાર ઉર્ફે ગોલુ એમ ત્રણ જણની શોધ ચલાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...