​​​​​​​કોલ્હાપુરમાં વકીલનું કારસ્તાન:પોલ્ટ્રી ફાર્મની આડમાં ડ્રગ્સ બનાવવાનું કારખાનું પકડાયું

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈમાં 50 ગ્રામ ડ્રગ્સ સાથે પકડાયેલી મહિલાની પૂછપરછ કરતાં આખી ડ્રગ્સ ફેક્ટરી પકડાઈ
  • મુંબઈ પોલીસની મોટી કામગીરી

મુંબઈ પોલીસની એન્ટી નાર્કોટિક્સ સેલના બાંદરા યુનિટે મુંબઈમાં 50 ગ્રામ મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ સાથે એક મહિલાને પકડ્યા પછી તેની પૂછપરછ બાદ કોલ્હાપુરમાં ફાર્મ હાઉસમાં ડ્રગ્સ બનાવવાનું મોટું કારખાનું પકડી પાડ્યું છે. આ સંબંધે બે જણની ધરપકડ કરી છે, જ્યારે ભાગી ગયેલા ફાર્મ હાઉસના માલિકની શોધ આદરવામાં આવી છે.

13 નવેમ્બરે સવારે વિશ્વસનીય માહિતીને આધારે પોલીસે સાકીનાકા ખૈરાણી રોડ ખાતે એક મહિલા ક્રિસ્ટિયાના ઉર્ફે આયેશાને 50 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવી હતી. તેણે આ મહિલાએ મુંબઈ અને ઉપનગરો માટે તસ્કરોને ડ્રગ્સનો પુરવઠો કોલ્હાપુરના ચંદગડ ખાતે ઢોલગરવાડીમાં ડ્રગ્સની ફેક્ટરીમાંથી કરવામાં આવે છે એવી માહિતી આપી હતી.

આ પછી ચંદગડ પોલીસની મદદથી ફાર્મહાઉસ પર દરોડા પાડતાં ત્યાં નિખિલ રામચંદ્ર લોહાર (29) મળી આવ્યો હતો. તેણે ફાર્મ હાઉસનો માલિક એડવોકેટ રાજકુમાર રાજહંસ હોવાનું જણાવ્યું હતું. આ પછી પોલીસે ફાર્મહાઉસ પર દરોડા પાડતાં અહીં ડ્રગ્સ બનાવવા માટેનાં રસાયણો, કાચનાં ઉપકરણો, 122 ગ્રામ એમડી ડ્રગ્સ, 37.700 કિલો એમડી ડ્રગ્સ બનાવવાનો કાચો માલ મળી આવ્યાં હતાં.ઊલટતપાસમાં એવું બહાર આવ્યું કે આરોપીઓ પોલ્ટ્રી ફાર્મ અને ગોટ ફાર્મની આડમાં અહીં ડ્રગ્સની ફેક્ટરી ચલાવતા હતા. લોહાર અને રાજહંસ ભાગીદારીમાં ડ્રગ્સ બનાવતા હતા, જે પછ મુંબઈ અને મુંબઈ ઉપનગરોમાં ડ્રગ્સ તસ્કરોને વેચતા હતા એવું પૂછપરછમાં બહાર આવ્યું હતું.

ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર મિલિંદ ભારંબે, એડિશનલ પીસી વિરેશ પ્રભુ, ડીસીપી દત્તા નલાવડે, એસીપી કાળે, યુનિટના પ્રભારી પીઆઈ સંજય ચવ્હાણની આગેવાનીમાં લતા સુતાર, દહીફળે, વાહીદ પઠાણ, સિદ્ધરામ મ્હેત્રે, ફરીદ ખાન, સુરેશ ભોયે, પવળે, પાટીલ, દેસાઈ, બડે, આવ્હાડ, માંઢરે, રાણે, કાનડે, ચવ્હાણ, રાઠોડ સૌદાણે, કેન્દ્રે, પવાર, કાળે, ભુજબળે આ કામગીરી પાર પાડી હતી.

આરોપીઓ પાસેથી શું મળી આવ્યું
આરોપીમાં મહિલા પાસેથી રૂ. 5 લાખનું 50 ગ્રામ ડ્રગ્સ, ડ્રગ્સ ફેક્ટરીમાંથી રૂ. 12 લાખનું 120 ગ્રામ ડ્રગ, રૂ. 19.35 કરોડનો કાચો માલ, ડ્રગ્સ બનાવવાનાં યંત્રો અને રસાયણો મળી રૂ. 25 લાખનો માળ મળી રૂ. 2 કરોડ 35 લાખ 50 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

વકીલ સાથે મહિલાનો સંપર્ક
આરોપી વકીલ રાજહંસે ભૂતકાળમાં ક્રિસ્ટિયાનો ત્રણ વર્ષ પૂર્વે એક છેતરપિંડીનો કેસ લડ્યો હતો. આમાંથી તેમની ઓળખ થઈ હતી. રાજહંસે આ કેસમાંથી મહિલાને છોડાવ્યા પછી ડ્રગ્સને લેણદેણમાં વધુ પૈસા મળશે એમ કહીને તેને તસ્કરીમાં જોડી હતી. આ રીતે તેણે અનેકને તસ્કરીમાં જોડ્યા હોવાની શંકા છે, એમ ડીસીપી દત્તા નલાવડેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...