ભાસ્કર વિશેષ:કોસ્ટલ રોડના બે થાંભલા વચ્ચે 60 મીટર અંતર યોગ્ય

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોળી નાગરિકો દ્વારા કરવામા આવેલી 180થી 200 મીટરના અંતરની અરજી ફગાવી દે‌વાઈ

કોસ્ટલ રોડ પ્રકલ્પ અંતર્ગત ઊભા કરવામાં આવનારા બે થાંભલાઓ વચ્ચે 60 મીટર અંતર એટલે કે 200 ફૂટ જેટલું અંતર યોગ્ય હોવાનું રાષ્ટ્રીય સમુદ્રી વિજ્ઞાન સંસ્થાએ (નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી) જણાવ્યું છે. માછીમારોની બોટ સુરક્ષિત રીતે બહાર નીકળી શકે એ માટે બે થાંભલા વચ્ચેનું અંતર 180 થી 200 મીટર હોવું જોઈએ એવી માગણી કોળી નાગરિકોએ કરી હતી. જો કે એનઆઈઓએ આપેલા અહેવાલના કારણે આ માગણી હવે ફગાવી દેવામાં આવી છે.

કોસ્ટલ રોડ પ્રકલ્પનું કામ અત્યાર સુધી 53 ટકા પૂરું થયું છે અને આ રોડ ડિસેમ્બર 2023માં શરૂ થવો અપેક્ષિત છે.પ્રિન્સેસ સ્ટ્રીટથી બાન્દરા વરલી સીલિન્કના દક્ષિણ છેડા સુધી મહાપાલિકાના કોસ્ટલ રોડ પ્રકલ્પનું બાંધકામ ચાલુ છે. આ રોડ અંતર્ગત 34 મીટર પહોળો અને 2 હજાર 100 મીટર લાંબો પુલ બાંધવામાં આવી રહ્યો છે. એના માટે વરલીના સમુદ્રમાં થાંભલા ઊભા કરવા પડશે. છેલ્લા થોડા દિવસથી બે થાંભલા વચ્ચેનું અંતર બાબતે વિવાદ ચાલુ છે.

મહાપાલિકાની રૂપરેખા અનુસાર બે થાંભલા વચ્ચેનું અંતર 60 મીટર રાખવામાં આવશે. વરલી ખાતેની ક્લિવલેન્ડ જેટ્ટીથી માછીમારોની બોટની અવરજવર થાય છે. એની સામેના બે થાંભલા વચ્ચેનું અંતર 200 મીટર રાખવું એવી માગણી વરલી કોલીવાડા નાખવા મત્સ્ય વ્યવસાય સહકારી સંસ્થા તરફથી કરવામાં આવી હતી. તેથી મહાપાલિકાએ આ બાબતે અભ્યાસ માટે એનઆઈઓની નિયુક્તી કરી હતી. સંસ્થાએ આ બાબતનો અહેવાલ કોસ્ટલ રોડ પ્રકલ્પ કાર્યાલયમાં રજૂ કર્યો છે. પ્રકલ્પ અંતર્ગત ઊભા કરવામાં આવનારા બે થાંભલા વચ્ચે 60 મીટર અંતર એટલે કે 200 ફૂટ અંતર યોગ્ય છે એવો ચુકાદો એનઆઈઓએ આપ્યો છે એવી માહિતી આ પ્રકલ્પના ચીફ એન્જિનિયર ચંક્રધર કાંડલકરે આપી હતી.

બોટને 20 વર્ષ માટે વીમાનું કવચ : આ પ્રકલ્પ અંતર્ગત બાંધવામાં આવનારા થાંભલાઓ પર અત્યાધુનિક ટેકનોલોજી પર આધારિ કવચ અર્થાત ફેડર લગાડવામાં આવશે. તેથી જળ પરિવહન માર્ગથી અવરજવર કરતી બોટને નુકસાન નહીં થાય. તેમ જ થાંભલા પર બોટ અથડાતા અકસ્માત થઈ શકે એ દષ્ટિએ વીમાનું કવચ પણ લેવામાં આવ્યું છે. આ વીમા કવચ 20 વર્ષ માટે છે. આપ્તકાલીન પરિસ્થિતિમાં તરત મદદ ઉપલબ્ધ કરવા માટે જળ પરિવહન માર્ગને સીધા નિયંત્રણ કક્ષ સાથે જોડાયેલા અત્યાધુનિક સીસી ટીવી કેમેરા લગાડવામાં આવશે.

વિવાદ પ્રશ્ને બેઠક અને અહેવાલ
6 જાન્યુઆરીના મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે અને મુંબઈ ઉપનગર જિલ્લાના પાલકમંત્રી અસલમ શેખ સહિત અન્ય મંત્રીઓ, મહાપાલિકા કમિશનર, અન્ય અધિકારીઓ તથા વરલી ખાતેના માછીમાર સંસ્થાના પ્રતિનિધીઓની બેઠક થઈ હતી. આ બેઠકમાં બે થાંભલા વચ્ચેનું અંતર 200 મીટર યોગ્ય હોવાનું સાબિત કરવા માટે નામાંકિત સંસ્થાનો અહેવાલ રજૂ કરવામાં આવશે એમ નક્કી કરવામાં આવ્યું હતું. એ અનુસાર 28 ફેબ્રુઆરીના અહેવાલ મહાપાલિકાને રજૂ કરવામાં આવ્યો હતો.

આ અહેવાલ રત્નાગિરી ખાતેની આરટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ (ગોગટે જોગળેકર કોલેજ)નો હતો. ડો. સુરેન્દ્ર દેસાઈ ત્યાં ભૂગોળ અને ગ્રામીણ વિકાસ વિભાગના પ્રમુખ છે. આ અહેવાલમાં એનઆઈઓએ કોસ્ટલ રોડ પ્રકલ્પ માટે જુલાઈ 2017માં તૈયાર કરેલ જુદી જુદી બાબતના અભ્યાસના અહેવાલનો સંદર્ભ લીધો હોવાનો ઉલ્લેખ કરીને ડો. દેસાઈએ ઉંચી લહેરોને ધ્યાનમાં રાખતા બોટની સુરક્ષિત અવરજવર માટે બે થાંભલા વચ્ચે લઘુતમ અંતર 160 મીટર જરૂરી હોવાનું નોંધ્યું છે. આ અહેવાલને એનઆઈઓનો મત જાણવા મોકલવામાં આવ્યો હતો. એ મુજબ 29માર્ચના એનઆઈઓનો અહેવાલ મહાપાલિકાને રજૂ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...