ભાસ્કર વિશેષ:સ્થૂળતા માટે જાગૃતિ લાવવા ડિજિટલ મંચ સ્થપાશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લેપ્રો ઓબેસો સેન્ટરના ઉપક્રમને આરોગ્ય મંત્રી રાજેશ ટોપેનું પીઠબળ

ડાયાબીટીસ અને સ્થૂળતા જેવાં કારણોને લીધે મોટા ભાગના કોરોનાગ્રસ્ત દર્દીઓનાં મૃત્યુ થયાનું સામે આવ્યું છે. સ્થૂળતા અને ડાયાબીટીસનો અત્યંત નજીકનો સંબંધ હોઈ આ દર્દીઓની સંખ્યા વધી રહી છે. જોકે તે છતાં હજુ મોટા ભાગના લોકોને આ બીમારી વિશે ઝાઝી માહિતી નથી. આને લઈ રાજ્યના ખૂણેખાંચરે લોકોમાં આ બીમારી વિશે પૂરતી માહિતી અને જાગૃતિ લાવવા માટે હવે ડિજિટલ મંચ થકી લેપ્રો ઓબેસો સેન્ટર દ્વારા સરકારની સહાયથી ઉપક્રમનો અમલ કરવામાં આવશે.

સેન્ટર દ્વારા મુંબઈમાં ન્યુટિબોલીઝમ આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આરોગ્ય મંત્રી રાજેશ ટોપે, એન્વાયર્નમેન્ટલ ફોરમ ઓફ ઈન્ડિયાના સ્થાપક સુનેત્રા પવાર મુખ્ય મહેમાન હતા. ઉપરાંત લેપ્રોસ્કોપિક બેરિયાટ્રિક સર્જન ડો. શશાંક શાહ, ડો. પૂનમ શાહ અને સેન્ટરના પ્રમુખ આહાર નિષ્ણાત અને પરિષદના આયોજક રાધિકા શાહ હાજર હતાં. તેમાં ઈન્ડિયા ડાયાબીટીસ એસોસિયેશન અને ઈન્ડિયન ઓબેસિટી સોસાયટીએ પણ આગેવાની લીધી હતી.

રાજેશ ટોપેએ આ સમયે જણાવ્યું કે કોરોનાથી થતાં મૃત્યુમાં ડાયાબીટીસ અને સ્થૂળતા ધરાવતા દર્દીઓની સંખ્યા સૌથી વધુ હતી. હાલમાં દરેક દસ દર્દીમાં 3-4 દર્દી ડાયાબીટીસગ્રસ્ત અને સ્થૂળ દેખાયા છે. તેનું પ્રમાણ વધી રહ્યું છે. આથી આ બે બીમારી વિશે જાગૃતિ વધારવાની જરૂર છે. કોરોનાને લીધે હવે બધી આરોગ્યની બાબતો ગંભીર બની છે. આથી આ પરિષદ અત્યંત યોગ્ય સમયે લેવામાં આવી છે. લેપ્રો ઓબેસો સેન્ટરના આ ઉપક્રમને સરકારનું પીઠબળ છે.

સ્થૂળતા સાથે વિવિધ બીમારી
ટોપેએ એમ પણ જણાવ્યું કે વિવિધ બીમારીઓને સ્થૂળતા આમંત્રણ આપે છે. આ માટે વધેલું વજન ઓછું કરવું સમયની જરૂર છે. જોકે આહાર નિષ્ણાત પાસે સલાહ લેવાનું સામાન્ય લોકોને પરવડતું નથી. આવા સંજોગોમાં આ બે બીમારી વિશે સરકારની ઓનલાઈન વેબસાઈટ પર માહિતી ઉપલબ્ધ કરવામાં આવતાં બધાને માહિતી ઉપલબ્ધ થશે.

આ માટે સર્વ આરોગ્ય વિભાગના કર્મચારીઓને કામે લગાવીશું. ડો. શશાંક શાહે જણાવ્યું કે સ્થૂળતા અને ડાયાબીટીસ વચ્ચે સંબંધ છે અને આ દર્દીઓમા રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી કોરોના લાગુ થવાનું જોખમ તેમને વધુ છે.

અન્ય સમાચારો પણ છે...