સંજય રાઉત વિરુદ્ધ કિરીટ સોમૈયા વિવાદ હવે કોર્ટમાં પહોંચ્યો છે. સોમૈયાનાં પત્ની મેધાએ શિવરી કોર્ટમાં રાઉત વિરુદ્ધ રૂ. 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. શૌચાલય ગોટાળાનો આરોપ કરીને રાઉતે મારી સતામણી અને બદનામી કરી હોવાનો આરોપ મેધાએ કર્યો છે. સોમૈયાએ આ પ્રકરણે મુલુંડ પોલીસમાં ફરિયાદ કરી હોઈ રાઉતને નોટિસ પણ મોકલવામાં આવી છે.
રાઉતે અમારી પર ખોટા આરોપ કર્યા છે. આ સંબંધે કોર્ટે 26મી મેના રોજ સુનાવણી રાખી છે. ઉદ્ધવ ઠાકરેને પાઠ ભણાવવા માટે અમે આ અરજી દાખલ કરી છે. ઠાકરે સરકાર દ્વારા અમને ડરાવવાનો પ્રયાસ ચાલુ છે, એવો આરોપ સોમૈયાએ કર્યો હતો.છેલ્લા થોડા દિવસથી રાઉત સોમૈયાનાં પત્ની મેધા વિરુદ્ધ શૌચાલય ગોટાળાના અલગ અલગ આરોપ કરી રહ્યા છે.
મેધાએ રૂ. 100 કરોડનો ગોટાળો કર્યો છે એવો દાવો રાઉતે કર્યો છે. આ બાબતે પોતાની પાસે અમુક દસ્તાવેજો હોવાનું પણ જણાવ્યું છે. આવા આરોપને કારણે મેધાની માનહાનિ અને આબરૂ નુકસાની થઈ હોવાનો દાવો સોમૈયાએ કર્યો છે. ગયા અઠવાડિયે તેમણે મુલુંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે આઠ દિવસ વીતી જવા છતાં રાઉત વિરુદ્ધ ગુનો દાખલ નહીં કરાતાં હવે સીધી કોર્ટમાં અરજી કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.