એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા સત્તાધારીઓના મંત્રીઓ અને નેતાઓ પર મની લોન્ડરિંગ સહિતના પ્રકરણોમાં તપાસ શરૂ કરવામાં આવ્યા પછી શિવસેનાના સાંસદ સંજય રાઉતે નોંધાવેલી ફરિયાદને આધારે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહના નિકટવર્તી મનાતા વેપારી જિતેન્દ્ર નવલાની વિરુદ્ધ એસઆઈટી (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ)ની તપાસ ચાલી રહી છે ત્યારે હવે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.એસીબીએ ગુરુવારે જણાવ્યું કે નવલાની અને અન્યોએ ખાનગી કંપનીઓ પાસેથી, ઈડીના અધિકારીના નામનો ઉપયોગ કરીને કામ કરવાની સામે 2015થી 2021 દરમિયાન રૂ. 58,96,46,108 જેટલી મોટી રકમો સ્વીકારી છે.
આ રકમ પોતાને નામે અને તેની માલિકીની અને નિયંત્રણ હેઠળની કાગળ પર બતાવવામાં આવેલી કંપનીઓના માધ્યમથી અસંરક્ષિત લોન અને કન્સલ્ટન્સી ફીના રૂપમાં મેળવી હતી. નવલાની સામે પ્રથમ દ્રષ્ટિથી આ ફરિયાદમાં તથ્ય જણાતાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે, એમ એસીબીના અધિકારીએ જણાવ્યું હતું.
નોંધનીય છે કે રાઉતે નવલાની ઈડી માટે વસૂલી એજન્ટી છે એવો આરોપ કરતી ફરિયાદ કરી, જેને આધારે મુંબઈ પોલીસની એસઆઈટી દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે ધરપકડની બીકે નવલાનીએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી. 27 એપ્રિલે જસ્ટિસ પી બી વરાળે અને એસ એમ મોદકની ખંડપીઠે સર્વ પ્રતિવાદીઓને 20 જૂન સુધી જવાબ નોંધાવવા માટે જણાવ્યું છે.ઉપરાંત કોર્ટે એસઆઈટીને તપાસ પૂર્ણ થતાં જ પ્રાથમિક અહેવાલ સુપરત કરવા નિર્દેશ આપ્યા હતા.
રાઉતે શું ફરિયાદ કરી હતી
રાઉતે 28મી ફેબ્રુઆરીએ ફરિયાદ નોંધાવી કે ઈડી દ્વારા તપાસ કરવામાં આવતી હતી કે વિવિધ બિલ્ડરો અને કોર્પોરેટ્સ પાસેથી નવલાની કાગળ પરની સાત કંપનીઓને નામે રૂ. 59 કરોડની ખંડણીની રકમ જમા કરાવી હતી. નવલાની વકીલ આબાદ પોંડાએ દલીલ કરી હતી કે નવલાનીના ખાતામાં બતાવવામાં આવેલી બધી લેણદેણ કાયદેસર છે. નવલાની વતી અરજીમાં જણાવાયું છે કે પરમવીર સિંહ અને સત્તાધારી પક્ષ વચ્ચે રાજકીય સંબંધિત બાબતમાં નામ ઘસડવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.