મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે અને તેમના ત્રણ સહયોગીઓ વિરુદ્ધ થાણેમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. મંગળવારે સાંજે થાણેમાં રેલીમાં તેમણે તલવાર લહેરાવીને ઈદ સુધીમાં મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવાનું અલ્ટીમેટમ આપ્યું હતું.
આ અંગેનો વિડિયો સામે આવ્યા બાદ બુધવારે થાણેના નૌપાડા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ રાજ ઠાકરે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે જો લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો તેમના કાર્યકરો મસ્જિદની સામે લાઉડસ્પીકર લગાવીને હનુમાન ચાલીસા વગાડશે.
નોંધનીય છે કે મંગળવારે સાંજે થાણેમાં રાજ ઠાકરેની સભા હતી, જ્યાં તેમણે તલવાર લહેરાવી હતી. થાણે પોલીસ કમિશનર જયજિત સિંહે આ કેસમાં રાજ ઠાકરે વિરુદ્ધ કેસ નોંધ્યો હોવાની પુષ્ટિ કરી હતી. નૌપાડા પોલીસ સ્ટેશનમાં તલવાર લહેરાવવા બદલ ભારતીય આર્મ્સ એક્ટ 4, અને 25 હેઠળ રાજ ઠાકરે, મનસે નેતા અવિનાશ જાધવ અને રવિન્દ્ર મોરે વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે.
રાજ ઠાકરેએ કહ્યું હતું કે, હાલમાં મેં ફક્ત હનુમાન ચાલીસાની વાત કરી છે. તીરને વધુ ખેંચવા માટે મને મજબૂર કરશો નહીં. તમારા ઘરે તમારા માટે પ્રાર્થના કરો, બીજાને ખલેલ પહોંચાડશો નહીં. પાંચ-દસ-પંદર દિવસની વાત સમજી શકાય એવી છે, પરંતુ 365 દિવસ આવું ચાલશે નહીં.
આ પહેલાં 2 એપ્રિલે મુંબઈમાં યોજાયેલી મિટિંગમાં રાજે એવો પણ મુદ્દો ઉઠાવ્યો હતો કે જો મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો મનસે કાર્યકર્તાઓ મસ્જિદોની સામે હનુમાન ચાલીસા વગાડશે. આ પછી રાજ્યના ઘણા ભાગોમાંથી મનસેના કાર્યકર્તાઓની પોલીસે આમ કરવા બદલ ધરપકડ કરી હતી.
સુપ્રીમ કોર્ટેનો ચુકાદો યાદ કરાવ્યો
રાજ ઠાકરેએ કહ્યું કે, 18 જુલાઈ, 2005ના રોજ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આવાં ધાર્મિક કાર્યોને કારણે અન્ય લોકોને મુશ્કેલી ન પહોંચવી જોઈએ. જો સુપ્રીમ કોર્ટ આવું કહેતી હોય તો રાજ્ય સરકારને શું વાંધો છે? 3જી મેના રોજ ઈદ છે. આથી ત્રીજી તારીખનું અલ્ટિમેટમ આપી રહ્યો છું. મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવો. નહિતર દરેક જગ્યાએ હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. હું આમાંથી પાછળ હટવાનો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.