કાંદિવલી પોલીસે નકલી વેક્સિન કૌભાંડ પછી મહાપાલિકાનું આઈ-ડી કાર્ડ પહેરીને પોતાને અધિકારી હોવાનું કહીને પૈસા પડાવતા આરોપીની ધરપકડ કરી છે. આ બોગસ અધિકારી જ્યાં બાંધકામનું કામ ચાલી રહ્યું હોય એવી જગ્યાએ પહોંચી જતો અને મહાપાલિકા અધિકારી તરીકે બીક બતાવી ગેરકાયદે બાંધકામને નામે પૈસા લઈને ગાયબ થઈ જતો હતો. કાંદિવલી પોલીસે આ નકલી અધિકારીના કરતૂતનો પર્દાફાશ કર્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર કાંદિવલી-વેસ્ટમાં આવેલા ગુજરાતીઓની બહુમતી ધરાવતા નમન ટાવરમાં ૨૮ જુલાઈના એક ૬૫ વર્ષનો સિનિયર સિટીઝન પોતાના ફ્લૅટની અંદર બાંધકામ કરાવી રહ્યો હતો. તે સમયે બોગસ અધિકારી સાથે તેના સાગરીત સાથે ત્યાં પહોંચી ગયો અને આ કામ મહાપાલિકાની પરવાનગી વગર કરાઈ રહ્યું હોવાનું કહેવા લાગ્યો હતો. આ ગેરકાયદે બાંધકામ છે, એટલે એ રોકવું જ પડશે અથવા કાર્યવાહી કરીને કેસ કરવામાં આવશે. આના થોડા સમય પછી સિનિયર સિટીઝન સાથે તડજોડ કરીને કેસ નહીં નોંધાવવો હોય તો પૈસાની માગણી કરી અને ૧૫ હજાર રૂપિયા પડાવીને જતા રહ્યા હતા.
આ મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે ચારકોપના વિધાનસભ્યને આ વિશે જાણકારી મળી હતી, કારણ કે બોગસ અધિકારી જે ઈમારતમાં પહોંચ્યો હતો તે જ અધિકારીમાં વિધાનસભ્ય યોગેશ સાગર પણ રહે છે. પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાઈ અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કેસની તપાસ કરીને વિવિધ માહિતીના આધારે ચેમ્બુરમાં રહેતા ૩૯ વર્ષનો આરોપી અવિનાશ ગાયકવાડની ધરપકડ કરી હતી. જોકે આ કેસમાં તેનો સાગરીત સતીશ આંબટ ફરાર છે. તેની વિરુદ્વ મુંબઈનાં વિવિધ ચાર પોલીસ સ્ટેશનમાં પણ કેસ નોંધાયેલા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.