મલ્ટીપ્લેક્સનો વાયરો દેશમાં ફૂંકાઈ રહ્યો હોવાથી એક સમયે ફિલ્મ વ્યવસાયનો ભવ્ય ઈતિહાસ ખંભે ઉંચકનાર સિંગલ સ્ક્રીન થિયટરોને જાણે ગ્રહણ લાગ્યું છે. એમાં કોરોનાને કારણે માંડ માંડ ચાલતા થિયેટરોને મોટો ફટકો પડ્યો. સરકારે હવે પ્રતિબંધો થોડા હળવા કર્યા છે છતાં છેલ્લા પંદર મહિનાથી રાજ્યના 470 સિંગલ સ્ક્રીન થિયેટરો બંધ છે. આવક શૂન્ય અને ખર્ચ ચાલુ હોવાની સૂડીમાં સપડાયેલ રાજ્યના 250 થિયેટરો, તથા મુંબઈ અને ઉપનગરોમાં 85 ટકા સિંગલ સ્ક્રીન થિયેટરો બંધ પડવાના આરે છે.
સિંગલ સ્ક્રીન થિયેટરોની સંખ્યા છેલ્લા થોડા વર્ષોમાં ઓછી થઈ રહી છે. રાજ્યના સિંગલ સ્ક્રીન થિયટરો પણ ગયા વર્ષના માર્ચ મહિનાથી બંધ છે. જોકે આ સમયગાળામાં પ્રોપર્ટી ટેક્સ, વીજળીનો વપરાશ ન હોવા છતાં લાખો રૂપિયાના વીજ બિલ, વ્યવસાય માટે જરૂરી 8 થી 10 લાયસંસ અને એના માટે ભરવી પડતી ફી, કર્મચારીઓનો પગાર, થિયેટરોના મેઈનટેનન્સ માટેનો ખર્ચ વગેરેનો ભાર થિયેટર માલિકો વેંઢારી શકતા નથી. ફરીથી સિંગલ સ્ક્રીન થિયેટર શરૂ કરવા હશે તો રૂપિયાનો મેળ કરવો પડશે. એ હવે શક્ય ન હોવાથી અનેક જણ પોતાના થિયેટરો હંમેશા માટે બંધ કરી દેવાનો નિર્ણય લીધો છેે.
સરકારી નિયમોનો ફટકો
રાજ્ય સરકારે થિયેટરોની જગ્યામાં બીજું કંઈ પણ ઊભું કરી શકાશે નહીં એવો નિયમ બનાવ્યો છે. અત્યારની પરિસ્થિતિ અનુસાર થિયેટરનો વ્યવસાય બચાવવા માટે આર્થિક મદદ અથવા સવલતનો વિચાર કરો કે પછી અમને માલમતા વેચવાની પરવાનગી આપો. આ બાબતે અનેક વખત પત્ર લખીને સરકારને વિનંતી કરી છતાં સરકારે દુર્લક્ષ કર્યું એમ મહાલક્ષ્મી ખાતેના ન્યૂ શિરીન થિયેટરના માલિક વિરાફ વાચ્છાએ જણાવ્યું હતું.
ઓટીટીની સ્પર્ધા
કોરોનાને લીધે ઘરની બહાર જઈને ફિલ્મ જોવાનો માર્ગ બંધ છે. એના બદલે ઘરમાં જ વિવિધ ઓટીટી પ્લેટફોર્મનો વિકલ્પ દર્શકો સમક્ષ છે. તેથી થિયેટરોએ હવે આ નવા વિકલ્પ સાથે સ્પર્ધા કરવી પડી રહી છે. પહેલાં જ મુશ્કેલીમાં મૂકાયેલા થિયેટર માલિકોને સરકારે વીજ બિલ કે પ્રોપર્ટી ટેક્સમાં સવલત આપી નથી એમ થિયેટર માલિકો પોતાની વ્યથા જણાવે છે.
મુંબઈમાં અનેક થિયેટરો બંધ થશે
દક્ષિણ મુંબઈમાં અત્યારે રિગલ, સ્ટ્રેન્ડ, ઈરોસ, લિબર્ટી, સેંટ્રલ પ્લાઝા, એડવર્ડ, મોતી, નાઝ જેવા થિયેટરો સંપૂર્ણપણે બંધ છે. દાદરમાં ભારતમાતા અને પ્લાઝા છોડીને બાકીના સિંગલ સ્ક્રીન થિયેટરો ફરીથી શરૂ થઈ શકશે નહીં. જુહુ ખાતેનું ચંદન થિયેટર, કુર્લાનું આકાશ, ભારત, કલ્પના થિયેટરો, અંધેરી, બાન્દરા, ચેંબુર, ઘાટકોપર, મુલુંડ ખાતેના ઘણા સિંગલ સ્ક્રીન થિયેટરો બંધ રહેશે એવી માહિતી શરદ જોશીએ આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.