તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:83 ક્રુનો ભોગ લેનાર બાર્જ દુર્ઘટનાના દોઢ મહિના પછી 3 વ્યક્તિની ધરપકડ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેક્નિકલ મેનેજર પાપા શિપિંગ કંપનીના ત્રણ અધિકારીને કસ્ટડી

મુંબઇના યેલો ગેટ પોલીસે શુક્રવારે મોડી સાંજે બોમ્બે હાઈના હીરા તેલ ક્ષેત્રમાં બાર્જ પાપા -305 (પી -305) ડૂબી જવાના સંબંધમાં ત્રણ જણની ધરપકડ કરી હતી. આ દુર્ઘટનામાં 83 ક્રુનો ભોગ લેવાયો હતો. 71ના મૃતદેહ ઓળખવામાં આવ્યા છે, જ્યારે ચારની ઓળખ હજુ સુધી નથી, જ્યારે બાર્જ પરના 8 કર્મચારી હજુ લાપતા છે. આ બાર્જ પરથી 261 ક્રુ સભ્યોને ભારતીય નૌકાદળ, તટરક્ષક દળે તોફાની સમુદ્રમાં સાહસિક કામગીરી કરીને બચાવી લીધા હતા.

લગભગ દોઢ મહિના પછી આ કેસમાં પ્રથમ જ ધરપકડ કરાયેલા ત્રણ અધિકારીમાં નીતિનકુમાર સિંહ પી -305ની શિપિંગ કંપનીના ડાયરેક્ટર છે, તેમના ટેક્નિકલ સુપરિન્ટેન્ડેન્ટ અખિલેશ્વર તિવારી અને મેનેજર પ્રસાદ રાણેનો સમાવેશ થાય છે. શનિવારે તેમને સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં 8મી જુલાઇ સુધી પોલીસ કસ્ટડી અપાઈ હતી. દુર્ઘટના બાદ યેલો ગેટ પોલીસે ૨૦ મેના રોજ બાર્જના કેપ્ટન રાકેશ બલ્લવ અને અન્ય લોકો સામે સદોષ મનુષ્યવધનો ગુનો નોંધ્યો હતો. જોકે બલ્લવનું પણ દુર્ઘટનામાં મોત થયું હતું.

પોર્ટ ઝોનના ડીસીપી ગણેશ શિંદેએ ધરપકડની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે આ મામલે આગળની તપાસ ચાલુ છે. આ ગુનો બાર્જના સિનિયર એન્જિનિયર મુસ્તફિઝુર રહમાન શેખની ફરિયાદ પર નોંધવામાં આવ્યો હતો, જે બાર્જ પર હતો અને બચી ગયો હતો. શેખે ફરિયાદમાં આરોપ કર્યો હતો કે તાઉતે ચક્રવાતની ચેતવણી હોવા છતાં તેઓ બાર્જને સુરક્ષિત જગ્યાએ લઈ જવાની તરફેણમાં ન હોવાથી આ દુર્ઘટના માટે બાર્જ માસ્ટર સહિતના લોકો જવાબદાર છે. તેઓએ ખોટી ગણતરી કરી અને વિચાર્યું કે 200 મીટર દૂર લઈ જવાનું પૂરતું હશે, જ્યારે ત્યાંનાં અન્ય જહાજો સુરક્ષિત સ્થળોએ જતા હતા. પોલીસે કુલ 63 જણનાં નિવેદન નોંધ્યાં હતાં.

વરાપ્રદાના કેસમાં હજુ કોઈ કાર્યવાહી નહીં
વાવાઝોડા દરમિયાન પોલીસે ટગબોટ વરાપ્રદાના કેસમાં પણ આ જ રીતે ગુનો નોંધ્યો હતો. પાલઘર સમુદ્રકાંઠા નજીક ટગબોટ ડૂબી જતાં 11 ક્રુએ જીવ ગુમાવ્યો હતો. જોકે પોલીસે આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી.

કંપનીની શું ભૂમિકા હતી
પાપા-305 બાર્જ એ ડરમાસ્ટ એન્ટરપ્રાઈઝીસ કંપની, સશેલ્સની માલિકીની હોઈ તે એફકોન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની, અંધેરીએ ઓએનજીસી ખાતે કામ માટે ભાડા કરારથી લીધી હતી. એફકોન્સ કંપનીએ વિવિધ કંપનીઓ સાથે કરાર કરીને સંબંધિત કર્મચારીઓની રહેવાની વ્યવસ્થા પાપા-305 બાર્જ પર કરી હતી. પાપા-305 બાર્જની ટેક્નિકલ મેનેજર પાપા શિપિંગ કંપની હતી.

ડીએનએ ટેસ્ટથી મૃતદેહ ઓળખાયા
લાપતા કર્મચારીઓને મહારાષ્ટ્ર, હોવા, દમણ, વલસાડ ખાતે સમુદ્રકિનારે શોધ ચલાવવામાં આવી હતી. આ પછી પ્રાપ્ત 42 મૃતદેહની ઓળખ કરવું મુશ્કેલ બન્યું હોવાથી તેમના સંબંધીઓના લોહીના નમૂના તબક્કાવાર લેવામાં આવ્યા હતા. ડીએનએ તપાસ માટે સાંતાક્રુઝ કાલીનાની ફોરેન્સિલ લેબમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાંનો અહેવાલ આવ્યા પછી સંબંધિતોને મૃતદેહ સોંપવામાં આવ્યા હતા. ગોવા, દમણ અને વલસાડ ખાતે મળી આવેલા અજ્ઞાત મૃતદેહો બાબતે પુણે અને સુરતની ફોરેન્સિક લેબમાં પત્રવ્યવહાર કરવામાં આવી રહ્યો છે, એમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...