નિર્ણય:700 મે. ટનથી વધુ ઓક્સિજનની રોજ જરૂર પડે તો સંપૂર્ણ લોકડાઉન

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્રમાં મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધતા ઓછી હોવાથી નિર્ણય

રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઓસરી ગઈ છે, પરંતુ સંપૂર્ણ ખતમ થઈ નથી અને આગામી સમયમાં ત્રીજી લહેરનું જોખમ છે. બીજી બાજુ વેપાર જગત તરફથી વારંવાર માગણીને લઈને રાજ્ય સરકારે 15મી ઓગસ્ટથી ઘણી બધી છૂટછાટો આપી દીધી છે. રાજ્ય લગભગ અનલોક થઈ ગયું છે, પરંતુ આ સાથે એક મોટી શરત રાજ્ય સરકારે રાખી છે.

જો કોરોનાના દર્દીઓના ઉપચાર માટે રોજ 700 મેટ્રિક ટન અથવા તેથી વધુ ઓક્સિજનની જરૂર પડશે તો રાજ્યમાં તુરંત સંપૂર્ણ લોકડાઉન ઘોષિત કરવામાં આવશે, એમ આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે.મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધતા રાજ્યમાં મર્યાદિત છે. આથી રાજ્યમાં દર્દીઓની સંખ્યા વધે અને કોવિડના દર્દીઓના ઉપચાર માટે રોજ 700 મેટ્રિક ટનથી વધુ ઓક્સિજનની જરૂર પડે તો આખા રાજ્યમાં તુરંત સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવશે, એમ આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે.

બોગસ સર્ટિફિકેટ બતાવતાં રૂ. 500નો દંડ : દરમિયાન 15 ઓગસ્ટથી લોકલ ટ્રેનમાં બે ડોઝ લીધેલા બધાને પ્રવાસની છૂટ અપાશે. રેલવે પાસ લેવા માટે બોગસ સર્ટિફિકેટ બતાવવામાં આવે તો રૂ. 500નો દંડ કરાશે. ઉપરાંત ભારતીય ફોજદારી સંહિતાની કલમ 1860 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. હોટેલો અને બારને 50 ટકા ક્ષમતા સાથે રાત્રે 10 સુધી ખુલ્લા રાખવાની પરવાનગી આપી છે. છેલ્લો ઓર્ડર રાત્રે 9 વાગ્યે કરવાનો રહેશે. પાર્સલ સેવા 24 કલાક ચાલુ રાખી શકાશે. જોકે હોટેલના મેનેજર સહિત સર્વ સંબંધિતોના પણ બે ડોઝ પૂરા થયેલા જરૂરી છે.

એસી બંધ રાખવાનું રહેશે. શોપિંગ મોલ્સની બાબતમાં પણ આવા જ નિયમો રખાયા છે, જયાં પણ બે ડોઝ લીધા હોય તેમને જ પ્રવેશ મળશે. જિમ, યોગ સેન્ટર, સલૂન, સ્પા પણ 50 ટકા ક્ષમતા સાથે રાત્રે 10 સુધી ખુલ્લા રાખી શકાશે.અન્ય રાજ્યમાંથી આવનાર માટે નિયમ : મહારાષ્ટ્રમાં અન્ય રાજ્યમાંથી આવનારા નાગરિકોએ જો બંને રસી લીધી હોય તો તેમને પ્રવેશ કરવા માટે આરટીપીસીઆર રિપોર્ટની જરૂર નથી, પરંતુ અન્ય પ્રવાસીઓ માટે 72 કલાક પૂર્વે આરટીપીસીઆર તપાસ નેગેટિવ અથવા 14 દિવસ ક્વોરન્ટાઈન આવશ્યક રહેશે.

રાજ્યમાં રોજ ફક્ત 1300 મે.ટન ઉત્પાદન
રાજ્યમાં ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા મર્યાદિત હોઈ રોજ ફક્ત 1300 મેટ્રિક ટન ઓક્સિજન ઉત્પાદન કરવામાં આવે છે. બીજી લહેરમાં દર્દીઓની સંખ્યા મોટે પાયે વધી અને ઓક્સિજનની જરૂર વધુ પડી ત્યારે આશરે 500 મેટ્રિક ટન ઓક્સિજન ભારે જહેમતથી અન્ય રાજ્યમાંથી લાવવો પડ્યો હતો. આથી જ રોજ 700 મેટ્રિક ટન ઓક્સિજનની કોવિડના દર્દીઓ માટે જરૂર પડે તો (આશરે 30,000 દર્દી) રાજ્યમાં ફરી લોકડાઉન સિવાય કોઈ છૂટકો નથી, એમ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ બાબતે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...