તપાસ:7 મહિના પછી મુંબઈ પહોંચેલા પરમવીરની 7 કલાક પૂછપરછ

મુંબઈ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરમવીર વિરુદ્ધ ખંડણી, ભ્રષ્ટાચાર, એટ્રોસિટી અંગે 5 FIR દાખલ છે

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહ સાત મહિના ગાયબ રહ્યા પછી ગુરુવારે મુંબઈ પહોંચ્યા હતા. પરમવીરને ચંડીગઢમાં શોધી કાઢવામાં આવ્યા પછી ગુરુવારે મુંબઈ આવ્યા હતા. આ પછી ગોરેગાવના કથિત ખંડણી કેસમાં તપાસમાં જોડાવા માટે કાંદિવલીમાં ક્રાઈમ બ્રાન્ચ યુનિટ 11ની ઓફિસે પહોંચ્યા હતા, જ્યાં મોડી રાત સુધી તેમની પૂછપરછ ચાલી હતી. પરમવીર વિરુદ્ધ પાંચ એફઆઇઆર, ત્રણ બિનજામીનપાત્ર વોરંટ અને એક નવી ફરિયાદ નોંધવામાં આવી છે.પૂછપરછ માટે એક ડીસીપી પણ ક્રાઈમ બ્રાન્ચમાં હાજર હતા.

સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢ્યા પછી પરમવીર પોલીસ સામે આવ્યા હતા. તેમણે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રમાં નથી, પરંતુ ચંડીગઢમાં છે અને આગામી દિવસોમાં મુંબઈ પહોંચીને તપાસમાં સામેલ થશે. તેમને કોર્ટે ધરપકડથી રાહત આપી છે. પરમવીરના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે મુંબઈમાં તેમના જીવને ખતરો છે. આથી તેઓ જાહેરમાં આવતા નથી. રાજ્યના ગૃહમંત્રી દિલીપ વલસે પાટીલે ભૂતપૂર્વ કમિશનર દ્વારા જાનના ખતરાની વાત કરવામાં આવે તેને હાસ્યાસ્પદ ગણાવવામાં આવ્યું છે.

મુંબઈની કોર્ટે ભાગેડુ જાહેર કર્યા
આ પહેલાં મુંબઈની કોર્ટે પરમવીરને ભાગેડુ જાહેર કર્યા હતા. ભાગેડુ જાહેર કરાયા બાદ મુંબઈ પોલીસે તેમને વોન્ટેડ આરોપી જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ નિયમો મુજબ જો તેઓ 30 દિવસની અંદર સામે નહીં આવે તો મુંબઈ પોલીસ તેમની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી કરવાની તજવીજમાં હતી, પરંતુ તે પૂર્વે જ પરમવીર સામે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...