નિર્ણય:દાદરના તિલક પુલને નવેસરથી બાંધવા 69 ઝાડ હટાવી દેવાશે

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નાગરિકો 13 ઓગસ્ટ સુધી ઉદ્યાન અધિક્ષકને વાંધો હોય મોકલી શકશે

દાદર પૂર્વ અને પશ્ચિમને જોડતા બ્રિટિશકાલીન તિલક પુલને નવેસરથી બાંધવામાં આવશે. આ કામ માટે 69 ઝાડ હટાવવા પડશે જેમાં 47 ઝાડ કાપવા પડશે અને 22 ઝાડ પુનર્રોપણ કરવામાં આવશે. મહારાષ્ટ્ર રેલ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેંટ કોર્પોરેશને વૃક્ષ પ્રાધિકરણ પાસે આ બાબતનો પ્રસ્તાવ મોકલ્યો છે. તિલક પુલની નવી રચના કેબલ સ્ટે સ્વરૂપની હશે. આ પુલનું કામ ત્રણ વર્ષમાં પૂરું કરવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.

અંધેરીના ગોખલે પુલની દુર્ઘટના પછી રેલવે માર્ગ પરથી જતા તમામ પુલોનું આઈઆઈટી દ્વારા સ્ટ્રકચરલ ઓડિટ કરવામાં આવ્યું હતું. એમાં કેટલાક પુલોનું રિપેરીંગ અને કેટલાક પુલોને નવેસરથી બાંધવાની સૂચના કરવામાં આવી હતી. એ અનુસાર રેલવે પરના 11 પુલોને નવેસરથી બાંધવાનું કામ શરૂ કરવામાં આવશે.

મહારાષ્ટ્ર રેલ ઈન્ફ્રાસ્ટકચર ડેવલપમેંટ કોર્પોરેશન પ્રાધિકરણ મારફત આ પુલોને નવેસરથી બાંધવામાં આવશે. એમાં મુખ્યત્ત્વે રેલવે પરના 6 પુલોનું કામ કરવામાં આવશે. એના અંતર્ગત તિલક પુલનું બાંધકામ કરવામાં આવશે. નવેસરથી બાંધવાના કામ માટે આડે આવતા 69 ઝાડ હટાવવા પડશે. આ પ્રસ્તાવ એમઆરઆઈડીસી મારફત વૃક્ષ પ્રાધિકરણને મોકલવામાં આવ્યો છે. આ પુલોના ઠેકાણે કુલ 94 ઝાડ છે જેમાંથી 22 ઝાડનું પુનર્રોપણ કરવા બાબતે સૂચવવામાં આવ્યું છે.

વાંધો હોય તો 13 ઓગસ્ટ સુધી મોકલવો
દરમિયાન મહાપાલિકાના ઉદ્યાન વિભાગે ઝાડ કાઢવા સંદર્ભે નાગરિકોને કોઈ વાંધો હોય તો એ મગાવ્યા છે. નાગરિકોએ 13 ઓગસ્ટ સુધી ઉદ્યાન અધિક્ષકને ઈમેઈલ મોકલવો એવી હાકલ કરવામાં આવી છે. નાગરિકોના વાંધા પર સુનાવણી પાર પડ્યા પછી નિરીક્ષણ કરીને પ્રસ્તાવ વૃક્ષ પ્રાધિકરણ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...