તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘મિશન માતૃભાષા’:નાસિકની શાળામાં દેશવિદેશના 600 બાળક શીખ્યા ગુજરાતી

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ‘મિશન માતૃભાષા’નો ગુજરાતના બાળકોએ પણ લાભ લીધો હતો

નાસિકની એકમાત્ર ગુજરાતી શાળા શ્રી પંચવટી એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત શ્રી ગોદાવરીબાઈ પ્રાથમિક શાળા અને શ્રી આર. પી. વિદ્યાલય દ્વારા ‘મિશન માતૃભાષા’ની શરૂઆત કરવામાં આવી છે. આ મિશન અંતર્ગત ખાસ કરીને અંગ્રેજી માધ્યમના બાળકો ગુજરાતી વાંચતાં- લખતાં શીખે અને સાહિત્યમાં રસ લેતા થાય તે માટે ૧૫ દિવસનો માતૃભાષા શીખવવાનો ઓનલાઈન નિ:શુલ્ક ઉપક્રમ કરાયો હતો.

અકોલા, અમરાવતી, નાંદેડ, જલગાવ, મુંબઈ, પૂના, ઇન્દોર, વારાણસી, બેંગલોર, હૈદરાબાદ, વડોદરા, પાટણ, સુરત, અંજાર કચ્છ, નાગપુર, સોલાપુર, ગડચિરોલી, વલસાડ, જબલપુર (મ.પ), અમદાવાદ, બારડોલી, રાજકોટ, ગાંધીધામ, સંગમનેર, બીડ, રાયપુર, ન્યૂ જર્સી, દુબઇ, ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિત દેશવિદેશના અનેક ખૂણેથી બાળકો સહભાગી થાય હતા. ઉંમર પ્રમાણે તેમને ગુજરાતી ભાષા શીખવવામાં આવી હતી. આ વર્ગો ૧૭ મેથી ૩૧ મે દરમિયાન ઓનલાઈન લેવાયા હતા. આ વર્ગો માટે ૯૬૪ બાળકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને ૬૦૦થી વધુ બાળકો વર્ગોમાં નિયમિતપણે જોડાયા હતા.

બાળકોના વર્ગો વયજૂથ પ્રમાણે લેવાયા હતા. જેમાં ૪-૬ વર્ષના બાળકોનો 3 બેચ, ૭-૧૨ વર્ષના બાળકોના સૌથી વધુ ૬ બેચ, તો ૧૨-૧૭ વર્ષના 3 અને ૧૭થી વધુ વયના બાળકોના ૨ બેચ હતા. દરેક બેચમાં લગભગ ૪૦ બાળકો જોડતા હતા. અંગેજી માધ્યમ છોડી ગુજરાતમાં : અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અંગ્રેજી માધ્યમ છોડી ૨૭ બાળકોએ નાસિકની આ એકમાત્ર ગુજરાતી શાળામાં પ્રવેશ લીધો હતો. માતૃભાષા શીખવવાના આ પ્રકલ્પ બાદ જ વધુ બે વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમ છોડી અને આ ગુજરાતી શાળામાં આવ્યા છે. શાળાની કામગીરી ખરેખર સરાહનીય છે અને બીજી શાળાઓને પ્રેરણા પૂરી પાડનારી છે.

આજના સમયમાં અંગ્રેજી માધ્યમનો મોહ ભંગ થાય અને માતૃભાષાના માધ્યમની શાળાઓ પણ કોઈ પણ વિદેશી ભાષાની શાળાઓની સમકક્ષ અથવા તો એનાથી પણ વધુ સારી છે એ સમાજના ઉચ્ચ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ સુધી પહોંચાડવા અને વાલીઓને આ હકીકત પર વિશ્વાસ આવે તેવો આ સુંદર ઉપક્રમ જો બધી શાળાઓ કરે તો આપણી માતૃભાષાની શાળાઓ ફરીથી ધમધમતી થાય, એમ મુંબઈ ગુજરાતી સંગઠનના ભાવેશભાઈ મહેતાએ જણાવ્યું હતું.

ઓનલાઈન ગરબા પણ યોજાયા
માતૃભાષા શીખવવા સાથે રવિવારે ઓનલાઈન ગરબા પણ કરાયા હતા. બાળકો સાથે તેમના વાલીઓ અને ઘરના વડીલો પણ પોતપોતાના ઘરે ગરબા રમતા અને ગરબા ગાતા દેખાયા હતા. બાળકો વિદેશી ભાષાનું માધ્યમ છોડી અને માતૃભાષાના માધ્યમ તરફ વળે અને વિદેશી માધ્યમના બાળકો પણ માતૃભાષા ગુજરાતી શીખે તે આ ઉપક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો.

આ સંદર્ભે વાત કરતાં પ્રકલ્પ કો-ઓર્ડીનેટર પ્રતિભાબેને નજણાવ્યું કે “અમારો આ ઉપક્રમ સફળ રહ્યો છે. માતૃભાષાની શાળાઓ સતત ધમધમતી રહે, આપણી ભાષા સમૃદ્ધ થાય તે અમારા ‘મિશન માતૃભાષાનો હેતુ છે.” શાળા આવનાર સમયમાં પણ વિવિધ અનોખા ઉપક્રમ કરવાની તૈયારી કરી રહી છે. જેથી બાળકો માતૃભાષા થકી સંસ્કૃતિ સાથે જોડાય.

અન્ય સમાચારો પણ છે...