કોરોના રસીકરણ:સોસાયટીઓની સરખામણીએ ઝૂપડપટ્ટીઓમાં 57 % રસીકરણ

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સેરો સર્વેમાં હાઉસિંગ સોસાયટીઓ અને ઝૂપડપટ્ટીઓ વચ્ચે રસીકરણનો મોટો તફાવત પ્રકાશમાં આવ્યો

મુંબઈમાં પહેલા ડોઝનું રસીકરણ 97 ટકા થયું છે છતાં મહાપાલિકાએ તાજેતરમાં કરેલા સેરો સર્વેક્ષણ અનુસાર ઝૂપડપટ્ટીઓમાં રસીકરણનું પ્રમાણ 57 ટકા છે. એની સરખામણીએ હાઉસિંગ સોસાયટીઓમાં 74 ટકા રસીકરણ થયું છે. હાઉસિંગ સોસાયટીઓ અને ઝૂપડપટ્ટીઓમાં થયેલા રસીકરણમાં મોટો તફાવત હોવાનું સ્પષ્ટ થયું છે.

મહાપાલિકાએ કરેલા પાંચમા સેરો સર્વેક્ષણ અનુસાર મુંબઈમાં 87 ટકા નાગરિકોમાં એન્ટિબોડીઝ મળ્યા. એમાં ઝૂપડપટ્ટીઓમાં 87 ટકા અને હાઉસિંગ સોસાયટીઓમાં 86 ટકા નાગરિકો કોરોનાગ્રસ્ત થયાનું જણાયું. સર્વેક્ષણમાં સહભાગી થયેલા 8674 નાગરિકોમાંથી 5660 નાગરિકોનું એટલે કે 65 ટકાનું રસીકરણ થયું હતું. બીજા 35 ટકા નાગરિકોનું રસીકરણ ન થયું હોવાનું જણાયું હતું. એમાં ઝૂપડપટ્ટી અને હાઉસિંગ સોસાયટીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ઝૂપડપટ્ટીઓની સરખામણીએ હાઉસિંગ સોસાયટીઓમાં રસીકરણ વધારે પ્રમાણમાં થયાનું આ સર્વેક્ષણમાં ધ્યાનમાં આવ્યું છે. રસીકરણ થયેલા 5660 નાગરિકોમાંથી 2651 નાગરિક ઝૂપડપટ્ટીના અને 3009 નાગરિકો હાઉસિંગ સોસાયટીઓના હતા. ઝૂપડપટ્ટીઓમાં 57 ટકા નાગરિકોનું રસીકરણ થયું હતું અને હાઉસિંગ સોસાયટીઓમાં આ પ્રમાણ 74 ટકા છે. ઝૂપડપટ્ટીઓમાં એન્ટિબોડીઝનું પ્રમાણ હાઉસિંગ સોસાયટીઓની સરખામણીએ વધારે છે છતાં આ ભાગોમાં રસીકરણ સરખામણીએ ઘણું ઓછું થયું છે.

મુંબઈની ઝૂપડપટ્ટીઓમાં કેટલાક ભાગોમાં રસીકરણ ચોક્કસ ઓછું થયું છે. ખાસ તો આ ભાગોમાં એન્ટિબોડીઝનું પ્રમાણ વધારે છે. પણ ભવિષ્યની દષ્ટિએ એન્ટિબોડીઝ વધારે પ્રમાણમાં હોય તો પણ રસીકરણ થવું જરૂરી છે. તેથી આગામી થોડા સમયમાં ઝૂપડપટ્ટીના જે ભાગોમાં રસીકરણ થયું નથી ત્યાં ભાર મૂકવો જરૂરી છે એમ કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય ડો. શશાંક જોશીએ જણાવ્યું હતું.

દિવાળી પછી ફરી ઝડપથી રસીકરણ કરાશે
સેરો માટે લીધેલા નમૂના લગભગ ત્રણ મહિના પહેલાંના છે. એ પછી મહાપાલિકાએ ઝૂપડપટ્ટીઓમાં મોટા પ્રમાણમાં રસીકરણ કરવાની શરૂઆત કરી. મુખ્યત્વે આ ભાગોમાં રસીકરણ શિબિર આયોજિત કરીને ઘર નજીક આ સુવિધા ઉપલબ્ધ કરી આપી છે. ગીચ વસતિવાળા ભાગમાં મોબાઈલ રસીકરણ વાહન સેવા પણ શરૂ કરવામાં આવી છે.

ઉપરાંત સામાજિક જવાબદારી તરીકે મળેલ રસીઓમાંથી મોટા ભાગની રસીનો સ્ટોક ઝૂપડપટ્ટીના રસીકરણ માટે વાપરવામાં આવ્યો છે. આ ભાગોમાં રસીકરણ પૂરું કરવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. અત્યારે દિવાળીમાં રસીકરણ ઓછું થાય એવી શક્યતા છે. પણ દિવાળી પછી ફરીથી રસીકરણ ઝડપથી કરવામાં આવશે એમ મહાપાલિકાના અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.