અકસ્માત:કાર અકસ્માતમાં ૨૩ વર્ષીય લેઉવા પટેલ યુવાનનું મૃત્યુ

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈથી સુરત જતા કારનું ટાયર ફાટ્યું, અવયવદાન દ્વારા 7 જણને નવજીવન

ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થવાનું છે, આ કહેવતને સાર્થક કરતી ઘટનામાં મુંબઇથી મિત્રો સાથે કારમાં સુરત તરફ જઇ રહેલી કારનું ટાયર ફાટતા બનેલા અકસ્માતમાં લેઉવા પટેલ સમાજના (૨૩) પ્રયાગ હંસરાજભાઈ ઘોણીયા બ્રેન ડેડ જાહેર થયા હતા. એ પછી તેમના પરિવારે સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. અનેકને નવજીવન આપતા સુરતના ડોનેટ લાઈફના માધ્યમથી પ્રયાગના કુટુંબીઓએ પોતાના વ્હાલસોયા દીકરાના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કર્યું હતું.

ગુજરાતના કરડવા ગામમાં રહેતા અને ઓનલાઈન સાડી વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલો પ્રયાગ ઘોણીયા ૭ નવેમ્બરે મુંબઈથી પોતાના મિત્રો સાથે મોટરકારમાં સુરત જઈ રહ્યો હતો ત્યારે મુંબઇ- અમદાવાદ નેશનલ હાઇવે પર ચારોટી પાસે ટાયર ફાટતા મોટરકાર ડીવાઈડર સાથે અથડાઈ હતી.

આ દુર્ઘટનામાં પ્રયાગને માથા અને કરોડરજ્જુમાં ઈજાઓ થવાથી કાસામાં આવેલ સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વાપીની હરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એ પછી વધુ સારવાર માટે સુરતની યુનિટી હોસ્પીટલમાં દાખલ કરીને ન્યુરોસર્જન ડૉ.ધવલ પટેલની દેખરેખ હેઠળ સારવાર શરુ કરવામાં આવી હતી. પરંતુ બ્રેઈન હેમરેજને કારણે મગજમાં સોજો અને લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું તેમજ કરોડરજ્જુના મણકામાં ફ્રેકચર થયું હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ પ્રયાગની તબિયત વધુ ગંભીર થતા એમઆરઆઇ કરાવતા મગજમાં લકવાની અસર જણાઇ હતી. સોમવાર ૧૫ નવેમ્બરે યુનિટી હોસ્પિટલના ડોકટરોએ પ્રયાગને બ્રેનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી પ્રયાગના પરિવારજનોને અવયવદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.

અન્ય સમાચારો પણ છે...