તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ કૌભાંડ:કાંદિવલીની સોસાયટીમાં બોગસ રસીકરણ કૌભાંડમાં 5ની ધરપકડ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માસ્ટરમાઈન્ડ દસમું નાપાસ, જે 17 વર્ષથી મેડિકલ ફિલ્ડમાં છે, આર્થિક વ્યવહાર કરનારા આરોપી પાસેથી 9 લાખ જપ્ત
  • અન્ય અનેક સોસાયટીઓમાં પણ રસીકરણ શિબિરો યોજી હતી

કાંદિવસીની હિરાનંદાની હેરિટેજ સોસાયટીમાં બોગસ રસીકરણ શિબિર યોજવા પ્રકરણે આખરે શુક્રવારે પોલીસે વિધિસર એફઆઈઆર દાખલ કરીને મધ્ય પ્રદેશમાં એક સહિત પાંચ જણની ધરપકડ કરી છે. મધ્ય પ્રદેશથી પકડાયેલો આરોપીએ સતનાથી રસીનો પુરવઠો કર્યો હતો, જ્યારે આ કૌભાંડ બહાર આવ્યા પછી હકાલપટ્ટી કરવામાં આવેલા અંધેરી કોકિલાબેન હોસ્પિટલના માર્કેટિંગ રિપ્રેઝેન્ટેટિવ રાજેશ પાંડે ફરાર છે. આ શિબિર પાછળનો માસ્ટરમાઈન્ડ મહેન્દ્ર સિંહ 10મું નાપાસ છે.

આરોપીઓની તપાસમાં કાંદિવલીની સોસાયટી સાથે મેચબોક્સ પ્રોડક્શનના 150 કર્મચારી, ટિપ્સ ઈન્ડસ્ટ્રીઝના 350થી વધુ કર્મચારીઓને પણ આ જ ટોળકીએ બોગસ રસીકરણ શિબિર યોજીને છેતર્યા છે. આ રીતે કુલ 9 સોસાયટીઓ સાથે આરોપીઓએ છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.

આરોપીઓ અને તેમની ભૂમિકા : આરોપીમાં મહેન્દ્ર સિંહ (39) આર્થિક વ્યવહાર કરતો હતો, જેની પાસેથી પોલીસે રૂ. 9 લાખ જપ્ત કર્યા છે. સંજય ગુપ્તા (29) ઈવેન્ટ મેનેજ કરતો હતો. ચંદન સિંહ (32), નીતિન વસંત મોંડે (32) હોસ્પિટલના એપ પરથી ડેટા ચોરી કરીને સર્ટિફિકેટ બનાવવાનું કામ કરતા હતા, જ્યારે મધ્ય પ્રદેશથી ઝડપાયેલો કરીમ અકબર અલી (21) સતનાથી રસી લઈને આવતો હતો. તે દિવસે શું થયું હતું ? - દરમિયાન મેચબોક્સ પ્રોડકશન હાઉસ કંપનીના 150 કર્મચારીઓને આ રીતે જ રસી આપવામાં આવી હતી.

ઉપરાંત ટિપ્સ ઈન્ડસ્ટ્રીઝના 365 કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. આ સામે ડોઝ દીઠ રૂ. 1200 લીધા હતા, પરંતુ હજુ સુધી કોઈને સર્ટિફિકેટ મળ્યું નથી, જેને લઈ તેઓ પણ છેતરાયા હોવાની ભાવના છે. નોંધનીય છે કે 30 મેએ 390 રહેવાસીઓએ સોસાયટીમાં શિબિરમાં રસી લીધી હતી. પ્રત્યેકી રૂ. 1260 લેખે સોસાયટીએ રૂ. 4.91 લાખ ચૂકવ્યા હતા, જે પાંડેના જણાવ્યા પ્રમાણે મેડિકલ એસોસિયેશનના મહેન્દ્ર સિંહને ચૂકવ્યા હતા. રસીકરણ સર્ટિફિકેટ 10 દિવસ પછી આવ્યું હતું, જેમાં અલગ અલગ હોસ્પિટલનાં નામ અને તારીખો હતી.

આથી ગડબડની શંકા જતાં ધ હિરાનંદાની હેરિટેજ રેસિડેન્ટ્સ વેલફેર એસોસિયેશન દ્વારા કાંદિવલી પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કોવિશિલ્ડની જગ્યાએ ગ્લુકોઝનું પાણી આપ્યું હોવાની પણ શંકા છે.

ફોટો અને સેલ્ફી પણ ખેંચવા દીધી નહીં
આરોપીઓએ શિબિર સમયે રસી લેતી વખતે સેલ્ફી કે ફોટો પાડવાની પણ મનાઈ કરી હતી, એમ એક રહેવાસીએ જણાવ્યું હતું. આરોપીઓએ એસ એન્ડ પી નામે ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની બનાવી હતી અને તે કંપનીના બેન્ક અકાઉન્ટમાં રસી સામે સંપૂર્ણ રકમ લઈ લીધી હતી. આ બેન્ક અકાઉન્ટ સંજય ગુપ્તા ઓપરેટ કરતો હતો. આરોપીઓએ જીએસટી નંબર પણ મેળવી રાખ્યો છે.

સીલ તૂટેલી વેક્સિન, નકલી સર્ટિફિકેટ
ઉત્તર મુંબઈના એડિશનલ પોલીસ કમિશનર દિલીપ સાવંતે જણાવ્યું હતું કે આ રસીકરણ ઝુંબેશનું આયોજન મહાપાલિકાની પરવાનગી વિના કરાયું હતું. નકલી રસી મધ્ય પ્રદેશથી લાવવામાં આવી હતી. રસીની શીશીનાં સીલ પહેલેથી જ તૂટેલાં હતાં. સર્ટિફિકેટ નકલી હતા અને હોસ્પિટલની આઈડી ચોરીને તૈયાર કરાયાં હતાં.

માસ્ટરમાઈન્ડ દસમું નાપાસ છે
આ પ્રકરણનો સૂત્રધાર મહેન્દ્ર સિંહ 10મું નાપાસ છે. તે 17 વર્ષથી મેડિકલ ફિલ્ડમાં કામ કરતો હતો. રસી અપાતી હતી ત્યારે ત્યાં કોઈ પાત્ર ડોક્ટર નહોતા. આરોપીઓને મુંબઈની કોર્ટમાં હાજર કરાતાં 25 જૂન સુધી રિમાંડ પર રાખવાનો આદેશ આપ્યો છે. હજુ કેટલાક જણ રડાર પર છે.

અન્ય સમાચારો પણ છે...