નાળાસફાઈના કામ શરૂ:મુંબઈમાં ચોમાસા પહેલા નાળાસફાઈના 45 ટકા કામ પૂરા

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોણા ચાર લાખ મેટ્રિક ટન કાદવ કાઢવામાં આવ્યો

મુંબઈમાં આ વર્ષે મોડેથી એટલે કે 5 એપ્રિલના નાળાસફાઈના કામ શરૂ થયા છે. ચોમાસાને એક મહિનો બાકી છે ત્યારે મોટા નાળા, નાના નાળા અને મીઠી નદી મળીને 45 ટકા કામ પૂરા થયા છે. ચોમાસા પહેલાં 9 લાખ 7 હજાર 160 મેટ્રિક ટન કાદવ કાઢવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે જેમાંથી અત્યાર સુધી 3 લાખ 73 હજાર 932 મેટ્રિક ટન કાદવ કાઢવામાં આવ્યો છે.

મુંબઈમાં ચોમાસા પહેલાં દર વર્ષે માર્ચ મહિનાથી નાળાસફાઈના કામની શરૂઆત કરવામાં આવે છે. જોકે આ વર્ષે નાળાસફાઈનું કામ મોડેથી શરૂ થયું. કમિશનરે 5 એપ્રિલથી નાળાસફાઈના કામનો વર્કઓર્ડર આપ્યા બાદ કામ ઝડપથી કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે નાળાસફાઈના કામ 15 મે સુધી પૂરું કરવાનો ઉદ્દેશ રાખીને કામ કરવામાં આવી રહ્યું છે. એ પછી જરૂરી ઠેકાણે વધારાના કામ કરવામાં આવશે. 31 મે પહેલાં 75 ટકા નાળાસફાઈ પૂરી કરવા માટે બે શિફ્ટમાં કામ શરૂ કરવામાં આવ્યું છે.

કામ ઝડપથી થાય એ માટે મશીનની સંખ્યા પણ વધારવામાં આવી છે. તેથી 31 મે પહેલાં નાળાસફાઈના કામ પૂરા થશે એવો વિશ્વાસ મહાપાલિકા પ્રશાસન તરફથી વ્યક્ત કરવામાં આવ્યો છે. નાળાસફાઈ પછી કાઢેલો કાદવ સમયસર હટાવો અને સાર્વજનિક બાંધકામ ખાતુ, મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણના અખત્યાર હેઠળના કામ ઝડપથી પૂરા કરવા એવો આદેશ પ્રશાસને કોન્ટ્રેક્ટરોને આપ્યો છે.

દર વર્ષે માર્ચના મધ્ય ભાગમાં શરૂ થતી નાળાસફાઈ આ વર્ષે પંદર દિવસ મોડી શરૂ થઈ. છતાં દિવસના 16 કલાક કામ, વધુ મશીનરી અને બે મહિનાનું કામ એક મહિનામાં કરવાનો ઉદ્દેશ રાખીને કામ કરવાનો આદેશ મહાપાલિકા કમિશનર અને પ્રશાસક ઈકબાલ સિંહે પહેલાં જ આપ્યો છે.

એ અનુસાર નાળાસફાઈના કામ દરજ્જાવાળા થવા માટે કામ પર ઉપાયુક્તના સમાવેશવાળી વિજિલન્સ ટીમની નિમણુક પણ કમિશનરે કરી છે. નાળાસફાઈ પછી કાઢવામાં આવેલો કાદવ ઉંચકવા પહેલાં અને નિર્ધારિત ઠેકાણે કાદવ નાખવા પહેલાં એમ બે વખત કાદવનું વજન કરવા સહિત બંને સમયે વીડિયો શૂટિંગ પણ કરવામાં આવે છે. અત્યાર સુધી નાળાસફાઈના કામ શહેરમાં 14 ટકા, પૂર્વ ઉપનગરોમાં 38 ટકા, પશ્ચિમ ઉપનગરોમાં 29 ટકા પૂરા થયા છે અને મીઠી નદીમાંથી કાદવ કાઢવાનું કામ 78 ટકા પૂરું થયું છે.

દરરોજ 11 હજાર ટન કાદવ
મુંબઈમાં અત્યારે દરરોજ લગભગ 11 હજાર ટન કાદવ કાઢવામાં આવે છે. આ કાદવ લઈ જવા માટે મોટા વાહનને ચોક્કસ સમયમાં જ પરવાનગી આપવામાં આવે છે. તેથી હવે ત્રણ શિફ્ટમાં કામ શરૂ કરવામાં આવશે. કાદવ લઈ જવાનું કામ ત્રીજી શિફ્ટમાં કરવામાં આવશે એવી માહિતી ઉપપ્રમુખ એન્જિનિયર વિભાસ આચરેકરે આપી હતી. આ વર્ષે કામ મોડેથી ચાલુ થયા અને કોન્ટ્રેક્ટરને બે તબક્કામાં કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યા હતા. એમાં પહેલાં 50 ટકા કામના કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યા અને એ પૂરા થયા પછી બાકીના 50 ટકા કામના આપવામાં આવ્યા એમ આચરેકરે સ્પષ્ટ કર્યું હતું.

પાણી નહીં ભરાયની ખાતરી આપી ન શકાય
મુંબઈમાં દર વર્ષે 160 થી 200 ઈંચ વરસાદ પડે છે. જોકે એમાં 30 થી 35 ટકા વરસાદ બેત્રણ દિવસમાં એક સાથે પડે છે. તેથી મુંબઈમાં પાણી ભરાશે નહીં એની ખાતરી આપી શકાતી નથી એવો મત ઉપાયુક્ત ઉલ્હાસ મહાલેએ વ્યક્ત કર્યો હતો. જો કે 31 મે સુધી કાદવ કાઢવાનો અમારો ઉદ્દેશ ચોક્કસ પૂરો કરશું. કાદવ કાઢવાથી વરસાદના પાણીનો નિકાલ ઝડપથી કરવાની નાળાઓની ક્ષમતા વધશે એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

મધ્ય અને પશ્ચિમ રેલવેની હદમાં 50 ટકા નાળાસફાઈ થયાનો દાવો
મધ્ય અને પશ્ચિમ રેલવેની હદમાં નાળાસફાઈના 50 ટકા કામ પૂરા થયા છે. નાળાસફાઈનો બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. નિયોજિત સમય અનુસાર કામ થઈ રહ્યું હોવાથી મે મહિનાના અંત સુધી નાળાસફાઈનું સંપૂર્ણ કામ પૂરું થશે એવો દાવો રેલવે પ્રશાસન કરી રહ્યું છે. મધ્ય રેલવેની હાર્બર લાઈનમાં કુલ 118 કિલોમીટર લાંબા નાળા છે. એમાંથી 59 કિલોમીટર સુધી નાળાસફાઈ પૂરી થઈ છે. 83 કલ્વર્ટમાંથી 38ની સફાઈ પૂરી થઈ છે.

બાકીની નાળાસફાઈ અને કલ્વર્ટની સફાઈના કામ ચાલુ છે જે મે મહિનાના અંત સુધી પૂરા કરવામાં આવશે. વડાલા રોડ પરિસરમાં 900 મિમીની પાઈપલાઈન નાખવાનું કામ ચાલુ છે. ચુનાભઠ્ઠી રેલવે સ્ટેશન પરિસરમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવા માટે નવું નાળું તૈયાર કરવામાં આવી રહ્યું છે. એનું જોડાણ મહાપાલિકાના નાળા સાથે કરવામાં આવશે એવી માહિતી રેલવે અધિકારીએ આપી હતી.

પશ્ચિમ રેલવેમાં ગ્રાન્ટ રોડ, લોઅર પરેલ, પ્રભાદેવી, દાદર, માટુંગા રોડ, માહિમ, બાન્દરા, નાલાસોપારા, બોઈસર, વિરાર, પાલઘર, દહાણુ રોડ રેલવે સ્ટેશનમાં ચોમાસામાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાની શક્યતા રહે છે. આ સંવેદનશીલ ઠેકાણાઓ સહિત લગભગ બધા રેલવે સ્ટેશનની નાળાસફાઈ થોડી ઘણી પૂરી થઈ છે. આ સ્ટેશન પરિસરના સંબંધિત સ્થાનિક પ્રશાસન સાથે બેઠક લઈને યોગ્ય ઉપાયયોજના કરવાની સૂચના કરવામાં આવી છે એમ અધિકારીએ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...