તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુપોષણની સ્થિતિ ચિંતાજનક:પાલઘર જિલ્લામાં કુપોષણથી 2 મહિનામાં 40 બાળકોના મૃત્યુ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 માતાઓના મૃત્યુથી આરોગ્ય વિભાગ ચિંતામાં

કોરોનાના સમયમાં પાલઘર જિલ્લાના કુપોષણગ્રસ્ત ભાગમાં આંગણવાડીઓ, ગ્રામ બાલ વિકાસ કેન્દ્રો, આરોગ્ય વ્યવસ્થા વગેરે પર પ્રશાસને જોઈએ એવો ભાર મૂક્યો ન હોવાથી પાલઘર જિલ્લામાં ફરીથી કુપોષણની સ્થિતિ ચિંતાજનક છે. કુપોષણ સહિત બાળમૃત્યુ અને માતામૃત્યુ જિલ્લામાં થઈ રહ્યા છે. જિલ્લામાં આર્થિક વર્ષની શરૂઆતમાં એપ્રિલ, મે બે મહિનામાં 5 માતામૃત્યુની નોંધ થઈ હતી. 40 બાળમૃત્યુની નોંધ પણ કરવામાં આવી હતી. ગયા વર્ષના આ જ બે મહિનાની સરખામણીએ 2 માતામૃત્યુનો વધારો થયો હોવાથી આરોગ્ય વિભાગ ચિંતામાં છે.

પાલઘર જિલ્લાના ગ્રામીણ ભાગોમાં જવ્હાર, મોખાડા, દહાણુ, તલાસરી અને વાડામાં કુપોષણ સાથે બાળમૃત્યુનું પ્રમાણ નોંધનીય છે. ગયા વર્ષે પાલઘર જિલ્લામાં 296 બાળમૃત્યુ અને 12 માતામૃત્યુની નોંધ થઈ હતી. આ આર્થિક વર્ષની શરૂઆતમાં 5 માતામૃત્યુ અને 40 બાળમૃત્યુની નોંધ થવાથી જિલ્લામાં ફરીથી કુપોષણે માથુ ઉંચક્યુ છે. માતામૃત્યુનું પ્રમાણ વધી રહ્યું હોવાથી જિલ્લા માટે ચિંતાની બાબત છે. કોરોનાના સમયમાં જિલ્લા પરિષદ મારફત ગર્ભવતી માતા અને બાળકોની ઘરે જઈને મુલાકાત લઈને પૌષ્ટિક આહાર આપવામાં આવ્યા પછી કુપોષણનો આંકડો ઓછો થાય છે કે નહીં એ સંશોધનનો વિષય છે એમ જણાવવામાં આવે છે.

પાલઘર જિલ્લામાં ઓછા વજનવાળા શિશુઓના મૃત્યુનું પ્રમાણ ઘણું છે. એ સાથે શ્વાસ ગુંગળાવાથી વગેરે કારણોથી પણ અનેક બાળકોના મૃત્યુ થયા છે. નાની વયમાં લગ્ન કરવા, ગર્ભવતી હોવાના સમયમાં આરોગ્યની જનજાગૃતિ ન હોવાથી માતામૃત્યયુ થતા હોવાનું દેખાય છે.

કરોડોના ખર્ચ છતાં કુપોષણ ઓછું થતું નથી
થાણે જિલ્લાથી પાલઘર જિલ્લાનું સ્વતંત્ર વિભાજન થયાના છ વર્ષ પછી પણ કુપોષણની સમસ્યા યથાવત છે. પ્રશાસનનું કરોડો રૂપિયાનું ભંડોળ કુપોષણ નાબૂદી માટે ખર્ચ થાય છે તો પછી કુપોષણ ઓછું કેમ થતું નથી એવો પ્રશ્ન વિવિધ સ્તરેથી થઈ રહ્યો છે. જિલ્લામાં માતામૃત્યુ અને બાળમૃત્યુની સમસ્યા છે છતાં અતિ તીવ્ર કુપોષિત બાળકો અને તીવ્ર કુપોષિત બાળકોના વધતા આંકડાથી આ સમસ્યા વધુ જટીલ થઈ રહી છે. પાલઘર જિલ્લામાં એપ્રિલ મહિનામાં 146 અતિ તીવ્ર કુપોષિત બાળકો અને 1609 તીવ્ર કુપોષિત બાળકો મળ્યા હતા. મે મહિનામાં એમાં વધારો થઈને 139 અતિ તીવ્ર કુપોષિત અને 1679 તીવ્ર કુપોષિત બાળકો મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...