માથેરાનની મિની ટ્રેનનું પર્યટકોને ઘણું આકર્ષણ હોય છે. આ ટ્રેનને માથેરાનની રાણી તરીકે ઓળખવામાં આવે છે. ગયા વર્ષથી પર્યટકો અને સ્થાનિક લોકોનો પ્રતિસાદ મોટા પ્રમાણમાં મળી રહ્યો છે. આ બાબત ધ્યાનમાં રાખીને મધ્ય રેલવેએ માથેરાનની મિની ટ્રેનની ફેરીઓમાં સોમવારથી શુક્રવાર સુધી દરરોજ ચાર ફેરી વધારવાનો નિર્ણય લીધો હતો.
.આ ચાર નવી ફેરીઓ શુક્રવાર 19 મેથી શરૂ કરવામાં આવી છે અને 31 મે સુધી આ સેવા ચાલુ રહેશે. અમન લોજથી માથેરાન માટે સવારના 8.40 કલાકે અને સાંજે 5.35 કલાકે બે ફેરી થઈ રહી છે. માથેરાનથી અમન લોજ માટે સવારે 8.15 કલાકે અને સાંજે 5.28 કલાકે બે ફેરી થઈ રહી છે. માથેરાનમાં દેશના ખૂણેખાંચરેથી અને વિદેશથી પણ પર્યટકો આવે છે. માથેરાનની મિની ટ્રેન હંમેશા પર્યટકોને આકર્ષિત કરે છે. આ મિની ટ્રેનનો વિસ્ટાડોમ ડબ્બો પણ જોડવામાં આવ્યો છે.
સ્થાનિક નાગરિકો માટે પણ આ ટ્રેન આશીર્વાદ સમાન છે. લોકડાઉનના સમયમાં મિની ટ્રેન બંધ હતી. લોકડાઉન હળવો થતા ફરવા જવા માટે પર્યટકોની ગિરદી વધતી ગઈ. પણ મિની ટ્રેન બંધ હોવાથી નિરાશ થયા હતા. સ્થાનિક નાગરિકોએ પણ નેરળ-માથેરાન પ્રવાસ માટે અમન લોજ સુધી પગપાળા અને પછી ટેક્સીનો ખર્ચ કરીને હાલાકી ભોગવવી પડતી હતી. આખરે નવેમ્બર 2020થી માથેરાનથી અમન લોજ સુધી શટલ સેવા શરૂ કરવામાં આવી.
વધતા પ્રતિસાદના કારણે મિની ટ્રેનની ફેરીઓમાં વધારો કરવાનો નિર્ણય લીધો હોવાની માહિતી મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે આપી હતી. અત્યારે અમન લોજ અને માથેરાન વચ્ચે મિની ટ્રેનની સોમવારથી શુક્રવાર અપ અને ડાઉન કુલ 16 ફેરી તથા શનિવાર અને રવિવારે કુલ 20 ફેરી થાય છે. સોમવારથી શુક્રવાર સુધી પણ ગિરદી થતી હોવાથી આ દિવસો માટે પણ 4 ફેરી વધારવામાં આવી છે. માથેરાનની દિશામાં 2 અને અમન લોજની દિશામાં 2 એમ કુલ 4 ફેરી વધારવામાં આવી છે. તેથી સોમવારથી શુક્રવાર પણ કુલ 20 ફેરી થઈ છે.
પ્રવાસીઓનો બહોળો પ્રતિસાદ
મિની ટ્રેનને એપ્રિલ 2021થી માર્ચ 2022 સુધીના સમયગાળામાં મોટા પ્રમાણમાં પ્રતિસાદ મળ્યો હતો. 2021-22માં 3 લાખ 6 હજાર પર્યટકો અને સ્થાનિકોએ આ મિની ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો. 42 હજારથી વધારે માલસામાનનું પરિવહન પણ કરવામાં આવ્યું હતું. એના લીધે 1 કરોડ 78 લાખ રૂપિયાનું મહેસૂલ મળ્યું હતું.
નેરળથી માથેરાન સુધી ટ્રેન માટે હજી પ્રતિક્ષા
પર્યટકોના આકર્ષણનું કેન્દ્રબિંદુ એવી આ મિની ટ્રેન અત્યારે માથેરાનથી અમન લોજ સુધી જ દોડે છે. માથેરાનથી નેરળ સુધી ટ્રેન ચાલુ થવા માટે પર્યટકોએ હજી સાતઆઠ મહિના રાહ જોવી પડશે. પાટા બદલવા સહિત બીજા કામ મોટા પ્રમાણમાં કરવામાં આવી રહ્યા છે. ડિસેમ્બર 2022 પછી જ માથેરાનથી નેરળ સુધી મિની ટ્રેન ચાલુ કરી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.