આંતરડું, હૃદય અને ફેફસાં સહિતનાં આંતરિક અવયવો વિસ્થાપિત થયેલા જન્મજાત દુર્લભ વિકાર સાથે જન્મેલા એક દિવસના નવજાત પર નાણાવટી મેક્સ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સાડાત્રણ કલાકની જીવનદાયી સર્જરી પાર પાડવામાં આવી. સાત દિવસ વેન્ટિલેટરનો આધાર અને 23 દિવસ સુધી અહોરાત્ર નિયોનેટલ કેર પછી નવજાત શિવાંશ હવે સ્વસ્થ છે અને સાજો થઈ રહ્યો છે.
શિવાંશ અત્યંત મોટા કોન્જેનિટલ ડાયાફ્રેગ્મેટિક હર્નિયા સાથે જન્મ્યો હતો, જે દુર્લભ સ્થિતિમાં ગર્ભના પેટ (પેટથી છાતીને અલગ કરતો પાતળો સ્નાયુનો સ્તર)માં તેના પ્રસૂતિ-પૂર્વ વિકાસ દરમિયાન અંતર વિકસ્યું હતું. પ્રાથમિક નર્સિંગ હોમમાં ગર્ભાવસ્થાના 24મા સપ્તાહમાં સોનોગ્રાફીમાં તે જાણવા મળ્યું હતું.
આ દુર્લભ સ્થિતિ છે અને તેમાં મરણાધીનતાનું પ્રમાણ ઉચ્ચ છે. 10,000 નવજાતમાં આશરે 2.6ને તે થાય છે અને મરણાધીનતા પ્રમાણ 30-40 ટકા છે. આવી સ્થિતિમાં નવજાતને નાણાવટીમાં લાવવામાં આવ્યું હતું, જ્યાં ગાયનેકોલોજી અને ઓબ્સ્ટેટ્રિક્સના સિનિયર કન્સલ્ટન્ટ ડો. સુરુચિ દેસાઈએ માતા અને બાળકનો ઉપચાર કર્યો હતો.
ડો. દેસાઈ કહે છે, આ સ્થિતિમાં ફેફસાં બરોબર વિકસતાં નથી અને હૃદય, લિવર અને આંતરડાની કામગીરીને અસર કરે છે. ઉપરાંત ભૂતકાળમાં માતાએ બે વાર સીઝેરિયન કરાવ્યું હોવાથી તે પણ પડકાર હતો. આ પછી કન્સલ્ટન્ટ નિયોનેટાલોજિસ્ટ અને પેડિયાટ્રિશિયન ડો. તેજલ શેટ્ટી અને કન્સલ્ટન્ટ પેડિયાટ્રિક સર્જન ડો. કાંત શાહ સાથે સતત દેખરેખ રાખવામાં આવી હતી અને આખરે ડો. દેસાઈની ટીમે સફળતાથી ડિલિવરી કરી હતી. 38મા સપ્તાહમાં સીઝેરિયન થકી જન્મેલું નવજાત 3.1 કિલો વજનનું હતું.
જન્મતાંજ તેના હૃદય અને ફેફસાં સાથે બાંધછોડ થયેલી હોવાથી યાંત્રિક વેન્ટિલેશનનો ઉપયોગ કરાયો હતો. 24 કલાકમાં નવજાતનાં સ્વાસ્થ્યનાં પરિમાણો સ્થિર થતાં સર્જરી કરવામાં આવી હતી.સાડાત્રણ કલાક, ઓછામાં ઓછા વાઢકાપ સાથે ગૂંચભરી થોરેકોસ્કોપિક રિપેર ઓફ ડાયાફ્રેગ્મેટિક હર્નિયા સર્જરી કરવામાં આવી હતી. ફક્ત 3 મીમીના ત્રણ નાના કાપા થકી કામ પાર પડાયું હતું, એમ ડો. શાહે જણાવ્યું હતું.
23 દિવસ એકધાર્યું મોનિટરિંગ
સર્જરી પછી 23 દિવસ એકધાર્યું મોનિટરિંગ કરાયું હતું. નવજાતનો શ્વાસોશ્વાસ, હૃદયના ધબકાર, પાચનતંત્ર અને અન્ય બધી મહત્ત્વપૂર્ણ કામગીરીઓ સામાન્ય બની ચૂકી છે અને તે ડિસ્ચાર્જ માટે તંદુરસ્ત છે, એમ તેમણે જણાવ્યું હતું. માતા- પિતા જુહી અને કૃષ્ણાની ખુશીનો કોઈ પાર નથી. તબીબી સેવાના ડાયરેક્ટર ડો. દીપક પાટકરે જણાવ્યું કે નાણાવટીમાં અમે પહેલી જ વાર આ પ્રકારની સર્જરી પાર પાડી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.