ધરપકડ:ત્રિપુરામાં હિંસાચાર બાદ નાંદેડમાં તોફાન અંગે 35 જણની ધરપકડ

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ત્રિપુરામાં હિંસાચાર બાદ મહારાષ્ટ્રના નાંદેડમાં ફાટી નીકળેલી હિંસા બાદ રવિવારે તણાવપૂર્ણ શાંતિ પ્રસ્થાપિત કરવામાં પોલીસને સફળતા મળી હતી. હિંસા અંગે પોલીસે 35 જણની ધરપકડ કરી હતી.તોફાનીઓએ શુક્રવારે પોલીસો પર પથ્થરમારો કર્યો હતો, જેમાં બે પોલીસ ઘાયલ થયા હતા. પોલીસ વાહનની ભાંગફોડ પણ કરી હતી. નાંદેડ શહેરના વઝીરાબાદ વિસ્તાર અને દેગલૂર નાકા ખાતે હિંસા ફાટી નીકળી હતી. હિંસામાં અંદાજે રૂ. 1 લાખની માલમતાને નુકસાન કરવામાં આવ્યું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.

હિંસા અંગે ચાર ગુના દાખલ કરાયા છે, જેમાં 35 જણની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં સ્થિતિ કાબૂમાં છે. જાહેર માલમતાને નુકસાન સહિત વિવિધ ગુના દાખલ કરવામાં આવ્યા છે, એમ એસપી પ્રમોદ કુમાર શેવાળેએ જણાવ્યું હતું.નોંધનીય છે કે ત્રિપુરામાં કહેવાતી રીતે કોમી હિંસા સામે મુસ્લિમ સંગઠનોએ રેલીઓ કાઢી હતી, જેમાં શુક્રવારે અમરાવતી, નાંદેડ, માલેગાવ (નાશિક), વાશીમ અને યવતમાળમાં વિવિધ સ્થળે પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

લઘુમતી કોમના સભ્યો દ્વારા કાઢવામાં આવેલી રેલી સામે વિરોધ કરવા ભાજપે અમરાવતી શહેરમાં બંધનું આયોજન કર્યું હતું, જે સમયે દુકાનો પર પથ્થરમારો કરાતાં કરફ્યુ લાદવામાં આવ્યો છે. શનિવારે સવારે રાજકમલ ચોકમાં અનેક લોકો કેસરિયા ધ્વજ હાથોમાં લઈને રસ્તા પર ઊતરી આવ્યા હતા. પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.અમરાવતીમાં તબીબી કટોકટી સિવાય લોકોને ઘરની બહાર નીકળવા પર મનાઈ ફરમાવવામાં આવી હતી. ઉપરાંત જમાવબંધી પણ લાદવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...