મુંબઈના વર્સોવા વેટલેન્ડમાં ગેરકાયદેસર બાંધકામના કેસમાં મહાપાલિકાના ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જયારે વધુ ભ્રષ્ટ અધિકારીઓ તપાસ હેઠળ છે. આ મામલામાં મોટા પાયે કાળા કારોબારનો પર્દાફાશ થયો હોવાનું એલર્ટ મુંબઇકર સંસ્થાની આરટીઆઈ દ્વારા ખુલાસો થયો છે. સંસ્થા દ્વારા છેલ્લા ઘણા મહિનાથી ફરિયાદ કરવામાં આવતી હતી, પરંતુ કોઈ પગલાં લેવાતાં નહોતાં. જોકે આ ગેરકાયદે બાંધકામનો વિડિયો બહાર આવ્યા પછી ત્રણ અધિકારી અને કોન્ટ્રાક્ટરે મિલીભગતથી આ જમીન પર ગેરકાયદેસર ઇમારતો કઈ રીતે બનાવી તે સામે આવ્યું હતું.
આ પછી કમિશનર ઇકબાલ સિંહ ચહલે તપાસના આદેશ આપ્યા હતા. ત્યાર બાદ ત્રણ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉપરાંત વર્સોવા જેટીની વેટલેડ જમીન પર સેંકડો ગેરકાયદેસર બાંધકામ કોઈ સત્તાવાર મંજૂરી વગર બાંધવામાં આવી રહ્યાં હતાં તેની પર હથોડા, બુલડોઝર ફેરવીને તે તોડવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. સંસ્થાના ઇફ્તિખાર શાહે જણાવ્યું હતું કે, મુંબઈ શહેરની આજુબાજુ વેટલેન્ડ જમીન છે. આ જમીન સરકાર દ્વારા સ્થાનિક કોળી સમુદાયને માછલી સૂકવવા માટે અને માછલીઓ અને જાળીઓ અને માછીમારી બોટ રાખવા માટે અનામત રાખવામાં આવી છે.
જોકે ભ્રષ્ટ સરકારી અધિકારીઓની મિલીભગતથી ઘણા બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોએ સરકારી મંજૂરી વિના, નિયોજન વિના, આઇઓડી અથવા એલઓઆઈ વગર અહીં 3 થી 4 માળની ઇમારતો બાંધવાનું શરૂ કર્યું છે. આ ઇમારતોમાં 300થી 500 ફૂટ કાર્પેટ ફ્લેટ બનાવવામાં આવે છે અને 30 થી 40 લાખમાં વેચવામાં આવે છે. આ ફ્લેટ ન તો રજિસ્ટર્ડ છે અને ન તો સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવે છે એટલે કે કરોડોમાં સરકારની મહેસૂલી આવકની ચોરી ખુલ્લેઆમ થાય છે. આ ગેરકાયદેસર ઈમારતોની મજબૂતાઈના કોઈ માપદંડ નથી અને તે કોઈ પણ સમયે પડી શકે છે.
વેટલેન્ડ જમીન હોવાને કારણે, આ ઈમારતોનો પાયો મજબૂત નથી કે તેમને બાંધવા માટે કોઈ પાયો નથી, એટલે કે તેમાં રહેનારા લોકોનું જીવન જોખમમાં મુકાઈ શકે છે. સસ્પેન્ડ અધિકારીઓમાં મુકાદમ કાંબલે, સબ એન્જિનિયર યેલે અને જુનિયર એન્જિનિયર ટાંકેનો સમાવેશ થાય છે. ચહલના આદેશ બાદ કે - વેસ્ટના વોર્ડ ઓફિસર પૃથ્વીરાજ ચવ્હાણે ગેરકાયદેસર ઇમારતોને તોડી પાડવાનું કામ શરૂ કર્યું છે, પરંતુ કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો દ્વારા બનાવવામાં આવેલી ઇમારતોને તોડી પાડવામાં આવી રહી નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.