તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પરમવીર તપાસ પંચ સામે હાજર ન થતાં 25,000 દંડ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમન્સ છતાં હાજર નહીં રહેતાં ત્રીજી વાર દંડ

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહને ચોથી વખત ચાંદીવાલ તપાસ પંચ સમક્ષ હાજર થવા માટે બુધવારે સમન્સ જારી કરવામાં આવ્યા હતા. પંચ સમક્ષ હાજર નહીં થતાં 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્રીજી વખત તેમને ગેરહાજર રહેવા માટે દંડ ફટકારવામાં આવ્યો છે. રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે પરમવીર દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે મહારાષ્ટ્ર સરકારે ન્યાયમૂર્તિ (નિવૃત્ત) કૈલાશ ઉત્તમચંદ ચાંદીવાલનું એક સભ્યનું પંચ નીમ્યું હતું.

પરમવીરે મુંબઈ હાઈ કોર્ટ સમક્ષ સમિતિના અસ્તિત્વ અને સમન્સને પડકાર્યા હતા. જોકે કોર્ટે તેમની અરજીના આધારે કોઈ નિર્દેશ જારી કર્યા નથી. અગાઉ 19 ઓગસ્ટના રોજ પંચે તેમને સખત તાકીદ સાથે 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અગાઉ જૂનમાં પરમવીરને પંચ સમક્ષ હાજર ન થવાના કારણે દંડ તરીકે 25,000 રૂપિયા ચૂકવવા કહેવામાં આવ્યું હતું અને આ રકમ મુખ્ય મંત્રી કોવિડ -19 રાહત ફંડમાં જમા કરાવવાની હતી.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશને (સીબીઆઈ) અગાઉ પરમવીર દ્વારા 100 કરોડ રૂપિયાની લાંચનો આરોપ લગાવતાં ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો હતો અને ત્યાર બાદ ઈડીએ કેસ નોંધ્યો હતો. માર્ચમાં હોમગાર્ડ્સમાં ટ્રાન્સફર થયાના થોડા દિવસો પછી, પરમવીરે આરોપ લગાવ્યો હતો કે દેશમુખે મુંબઈ પોલીસ દળમાંથી હવે બરતરફ સચિન વાઝેને શહેરના બાર અને રેસ્ટોરાંમાંથી મહિને 100 કરોડ રૂપિયાની ઉઘરાણી કરવાનું કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...