ગણેશવિસર્જન:ગણેશવિસર્જન માટે મહાપાલિકાના 23,000 કર્મચારીઓ તહેનાત કરાશે

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 445 વિસર્જન સ્થળ તૈયાર કરાયાઃ પોલીસ દળ પણ સક્રિયઃ સરઘસને પરવાનગી નહીં

કોવિડ-19ને લઈને મંગળવારે થનારું ગણેશવિસર્જન એકદમ સાદગીપૂર્ણ રીતે થશે. મહાપાલિકા અને પોલીસ વિસર્જન નિર્વિઘ્ને પાર પડે તે માટે સુસજ્જ બની છે. કુલ 445 વિસર્જન સ્થળ નિશ્ચિત કરાયાં છે. આ માટે મહાપાલિકાના 23,000 કર્મચારી તહેનાત રહેશે. ઉપરાંત પોલીસનો પણ સજ્જડ બંદોબસ્ત રહેશે. 168 કૃત્રિમ તળાવ, 170 મૂર્તિ સંકલન કેન્દ્ર, 37 ફરતાં વિસર્જન સ્થળ, 70 નૈસર્ગિક સ્થળ સહતિ 445 સ્થળ વિસર્જન માટે રખાશે. વિસર્જન સ્થળે 896 સ્ટીલ પ્લેટ, 78 કંટ્રોલ રૂમ, 636 લાઈફગાર્ડ, 65 મોટરબોટ, 69 પ્રાથમિક ઉપચાર કેન્દ્ર, 65 એમ્બ્યુલન્સ અને 81 સ્વાગત કક્ષ, 84 હંગામી શૌચાલય, પુજાપો ભેગો કરવા માટે 368 કળશ રખાશે, જેનો નિકાલ કરવા માટે 469 વાહન રહેશે. 2717 ફ્લડ લાઈટ, 83 સર્ચલાઈટ, વિદ્યુત વ્યવસ્થા, સંરક્ષણ દીવાલો, 42 ઓબ્ઝર્વેશન ટાવરો, 45 જર્મન તરાપા તહેનાત રખાશે.19,503 કર્મચારી અને 3969 અધિકારી મળીને 23,472 શરૂઆતથી અંત સુધી વ્યવસ્થાપન પર ધ્ચાન રાખશે. ખાસ કરીને કોરોનાનો ફેલાવો રોકવા માટે આ વખતે ત્રણ ગણા વધુ કર્મચારીઓને કામે લગાવવામાં આવ્યા છે.

લોકોને શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ અથવા સોસાયટીમાં વિસર્જન કરવા માટે મહાપાલિકાએ અનુરોધ કર્યો છે. નાગરિકો જાતે વિસર્જન નહીં કરી શકશે. મૂર્તિ મહાપાલિકાના કર્મચારીઓને સુપરત કરવાની રહેશે. સરઘસને પરવાનગી નહીં રહેશે.દરમિયાન મુંબઈ પોલીસ પણ સજ્જડ બંદોબસ્ત ગોઠવશે. રેપિડ એકશન ફોર્સ, એસઆરપીએફની ત્રણ ટુકડી, લોકલ આર્મ્સ, હુલ્લડ નિયંત્રણ પોલીસ, ક્વિક રિસ્પોન્સ ટીમો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, એન્ટી ટેરરીઝમ સેલ પણ તહેનાત રહેશે. લાલબાગચા રાજા પંડાલ ખાતે 30 પોલીસ કર્મચારી તહેનાત રહેશે. ઉપરાંત શહેરમાં 5000 સીસીટીવી કેમારા નજર રાખશે, જ્યારે હવાઈ સર્વેક્ષણ માટે ડ્રોનનો ઉપયોગ કરાશે.

અન્ય સમાચારો પણ છે...