મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેના પ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે. હવે મધ્ય અને પશ્ચિમ રેલવેમાં 20 નવી એસી લોકલ દોડાવવામાં આવશે. અત્યારે મધ્ય રેલવેમાં 44 એસી લોકલ ટ્રેન દોડી રહી છે. ટિકિટના દરમાં 50 ટકાનો ઘટાડો થયા પછી એસી લોકલને પ્રવાસીઓનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
હાર્બર લાઈનમાં એસી લોકલને તદ્દન નબળો પ્રતિસાદ હોવાથી રેલવે પ્રશાસને હાર્બર લાઈનની એસી લોકલને મધ્ય અને પશ્ચિમ રેલવેમાં સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. મધ્ય રલવેમાં 1 થી 8 મે દરમિયાન દરરોજ 28 હજાર 141 પ્રવાસીઓએ એસી લોકલમાં પ્રવાસ કર્યો. પશ્ચિમ રેલવેમાં દરરોજ 24 હજાર 842 પ્રવાસીઓએ પ્રવાસ કર્યો. હાર્બર લાઈનમાં 3 હજાર 299 પ્રવાસીઓએ એસી લોકલમાં પ્રવાસ કર્યો.
એપ્રિલ મહિનામાં દરરોજ લગભગ 19 હજાર 761 પ્રવાસીઓએ એસી લોકલમાં પ્રવાસ કર્યો. એમાં 17 હજાર 473 પ્રવાસીઓએ મધ્ય રેલવેમાં અને 2 હજાર 288 પ્રવાસીઓએ હાર્બર લાઈનમાં પ્રવાસ કર્યો. એસી લોકલને હાર્બર લાઈનમાં નબળો પ્રતિસાદ મળતો હોવાથી એસી લોકલની સેવા બંધ કરવાનો નિર્ણય પ્રશાસને લીધો છે એવી માહિતી રેલવે અધિકારીઓએ આપી હતી. હાર્બર લાઈનની એસી લોકલને બંધ કરીને એને મધ્ય રેલવેની મેઈન લાઈનમાં ચલાવવામાં આવશે.
પશ્ચિમ રેલવેમાં ફેરીઓ વધશે
દરમિયાન વિભાગીય રેલવેને નવી એસી લોકલ ટ્રેન મળવાની છે એટલે પશ્ચિમ રેલવેમાં નવી એસી લોકલ સેવા ઉમેરવામાં આવશે. પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું કે અત્યારે પશ્ચિમ રેલવેમાં 3 એસી લોકલની ફેરીઓ ચલાવવામાં આવે છે. એક ટ્રેન સમયાંતરે રિપેરીંગ માટે જાય છે. એસી ટ્રેનની ફેરીઓની સંખ્યા વધારવા માટે ચર્ચા ચાલુ છે. નવી ટ્રેન આવશે ત્યારે અત્યારની ટ્રેન બદલવામાં આવશે.
રજાના દિવસે મર્યાદિત સેવા
રવિવાર અને સાર્વજનિક રજાના દિવસે પણ પ્રવાસીઓ માટે મર્યાદિત એસી લોકલ ટ્રેન સેવા ઉપલબ્ધ હશે. રેલવે પ્રશાસને 5 મેથી ટિકિટના દરમાં 50 ટકાનો ઘટાડો કર્યા પછી એસી લોકલમાં પ્રવાસીઓની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.