પ્રવાસીઓની સંખ્યા વધી:ઘાટકોપર અને વર્સોવા મેટ્રોના પ્રવાસીઓમાં 2 લાખનો વધારો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોના પહેલાંની સંખ્યાના અડધા સુધી પ્રવાસીઓની સંખ્યા વધી ગઈ

ઘાટકોપરથી વર્સોવા દોડતી મુંબઈ મેટ્રો વનના દરરોજના પ્રવાસીઓમાં 2 લાખનો વધારો થયો છે. લોકડાઉન પહેલાં આ રૂટ પર દરરોજ લગભગ સાડા ચાર લાખ પ્રવાસીઓ પ્રવાસ કરતા હતા. હવે આ સંખ્યા લગભગ પચાસ ટકા સુધી પહોંચી છે. મુંબઈમાં સ્કૂલ અને કોલેજ શરૂ થઈ હોવાથી મેટ્રોના પ્રવાસીઓમાં ફરીથી વધારો થવાની શક્યતા છે. કોરોનાના રોગચાળાના સમયમાં રેલવે સહિત અન્ય પરિવહન સેવા પ્રમાણે મુંબઈ મેટ્રો વન 22 માર્ચ 2020થી 18 ઓકટોબર 2020 એમ કુલ 211 દિવસ બંધ હતી.

કોરોના લોકડાઉન પછી મુંબઈ મેટ્રો વન શરૂ થઈ ત્યારે પહેલા જ દિવસે 12 હજાર 378 પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો. વીકએન્ડમાં ફેબ્રુઆરી અને માર્ચ 2021માં દરરોજની પ્રવાસી સંખ્યા એક લાખ સુધી પહોંચી. કોરોનાની બીજી લહેર (એપ્રિલ અને મે 2021)માં વીકએન્ડમાં દરરોજની પ્રવાસી સંખ્યા 50 હજાર સુધી ઓછી થઈ હતી. એ પછી પ્રતિબંધો હળવા થતા જુલાઈ 2021ના મધ્ય પછી પ્રવાસીઓની સંખ્યામાં ફરીથી વધારો થઈને ઓગસ્ટમાં વીકએન્ડમાં દરરોજ પ્રવાસીઓ મેટ્રોમાં પ્રવાસ કરવા માંડ્યા.

ડિસેમ્બરની શરૂઆતમાં મેટ્રોના પ્રવાસીઓની સંખ્યા દરરોજ વધી અને 14 ડિસેમ્બરના 2 લાખ 5 હજાર 334 પ્રવાસીઓએ પ્રવાસ કર્યાનું મેટ્રો પ્રશાસને જણાવ્યું હતું. કોરોના પહેલાં મુંબઈ મેટ્રો વનના ઘાટકોપરના દરરોજના પ્રવાસીઓ 1 લાખ 18 હજાર 500 હતા. તે 14 ડિસેમ્બરના 53 હજાર 911 થયા હતા. એ પછી પ્રવાસીઓની વધુ સંખ્યાવાળા અંધેરી સ્ટેશનમાં દરરોજના પ્રવાસી પહેલાં 97 હજાર 500 હતા અને 14 ડિસેમ્બરના 41 હજાર 580 થયા હતા.

ડિસેમ્બરના અંતમાં પ્રવાસીઓ વધશે
મુંબઈમાં સ્કૂલ અને કોલેજ શરૂ કરવામાં આવી હોવાથી મેટ્રોના દરરોજના પ્રવાસીઓની સંખ્યા ડિસેમ્બરના અંત સુધી 2 લાખ 25 હજાર સુધી પહોંચશે એવી આશા છે. અત્યારે મેટ્રો સવારના 6.30 થી રાત્રે 11.15 સુધી દોડે છે અને દરરોજ 298 ફેરીઓ થાય છે.

અન્ય સમાચારો પણ છે...