નાગરી નોંધણી 2020:રાજ્યમાં 2020માં મૃત્યુના પ્રમાણમાં 16.5 % નો વધારો

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈમાં સૌથી વધારે 1 લાખ 12 હજાર વ્યક્તિના મૃત્યુ

રાજ્યમાં 2020માં મૃતકોની સંખ્યામાં પાછલા વર્ષની સરખામણીએ લગભગ 16.5 ટકાનો વધારો થયો હોવાનું નાગરી નોંધણીના અહેવાલ અનુસાર જણાયું છે. દેશમાં આ વધારો લગભગ 6.2 ટકા છે. મૃત્યુના પ્રમાણમાં વધારા બાબતે બિહાર પછી મહારાષ્ટ્ર બીજા ક્રમે છે. નાગરી નોંધણી 2020નો અહેવાલ તાજેતરમાં પ્રકાશિત થયો છે. એ અનુસાર રાજ્યમાં 2019માં 6 લાખ 93 હજાર 800 જણના મૃત્યુ થયા હતા અને 2020માં આ આંકડો 8 લાખ 8 હજાર 783 પર પહોંચ્યો છે.

2019ની સરખામણીએ 2020માં મૃતકોની સંખ્યા 1 લાખ 14 હજાર 983 વધી છે. 2020માં કોરોનાના કારણે થયેલા મૃત્યુનો આંકડો 54 હજાર 547 છે. રાજ્યમાં સૌથી વધારે મૃત્યુ મુંબઈમાં થયા હતા. 2020માં મુંબઈમાં 1 લાખ 11 હજાર 942 મૃત્યુની નોંધ થઈ છે. એમાંથી લગભગ 11 હજાર 927 મૃત્યુ કોરોનાના કારણે થયા છે. એ પછીના ક્રમે પુણે, થાણે અને નાગપુર જિલ્લાનો સમાવેશ છે. રાજ્યમાં લગભગ 61 ટકા મૃત્યુ શહેરી ભાગોમાં અને બાકીના 39 ટકા મૃત્યુ ગ્રામીણ ભાગમાં થયા છે. મહિલાઓની સરખામણીએ પુરુષોના મૃત્યુનું પ્રમાણ વધારે છે.

કેન્દ્ર સરકારે જાહેર કરેલા કોરોનાના મૃત્યુના આંકડા કરતા 10 ગણા વધારે મૃત્યુ થયા હોવાનો દાવો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કર્યો હોવાથી મૃત્યુના આંકડા બાબતે વિવાદ ફરી ચર્ચમાં છે. કોરોનાગ્રસ્ત પણ બીજા રોગના કારણે મૃત્યુ પામનારા દર્દીઓના મૃત્યુની નોંધ કોરોના તરીકે કરવા બાબતે પણ આ પહેલાં અનેક વખત વિવાદ થયા છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગે.ના દાવામાં તથ્ય નથી
મૃતકોની સંખ્યામાં 2020માં ચોક્કસપણે મોટા પ્રમાણમાં વધારો થયો છે. એમાં કેટલાક મૃત્યુ કોરોનાગ્રસ્તોના હોવાની શક્યતાને નકારી શકાતું નથી. આ પ્રમાણ અત્યારે જાહેર કરેલા આંકડાઓ કરતા 20 થી 30 ટકા વધારે હોઈ શકે છે.

આ સમયગાળામાં બીજા કારણોસર મૃત્યુ થયા હોવાની શક્યતા છે. તેથી આ અતિરિક્ત મૃત્યુ કોરોનાના કારણે જ થયા એમ જણાવી શકાતું નથી. કોરોના મૃતકોના આંકડા કરતા 10 ગણા વધારે મૃત્યુ ભારતમાં થયા હોવાના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના દાવામાં કોઈ તથ્ય નથી એવો મત મૃત્યુ વિશ્લેષણ સમિતિના પ્રમુખ ડો. અવિનાશ સુપેએ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...