નિર્ણય:પેંગ્વિનની દેખભાળ માટે 3 વર્ષમાં 15 કરોડ ખર્ચાશે

મુંબઈ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં વિધાન પરિષદની ચૂંટણીની આચારસંહિતા લાગુ હોવાથી મહાપાલિકા દ્વારા લેવાયેલો નિર્ણય અમલી નહીં થાય

ભાયખલાના રાણીબાગ સ્થિત પેંગ્વિનના દેખભાળ પર ખર્ચનો મુદ્દો નવેસરથી ચર્ચામાં છે. પેંગ્વિનની દેખભાળ માટે મુંબઈ મહાપાલિકા આગામી ત્રણ વર્ષમાં 15 કરોડ 24 લાખ રૂપિયાનો ખર્ચ કરશે. આ ટેંડર પ્રક્રિયામાં અત્યારના એકમાત્ર કોન્ટ્રેક્ટરે ટેંડર રજૂ કર્યું છે. એના પર સ્થાયી સમિતિમાં વિધાન પરિષદની ચૂંટણીના કારણે આચારસંહિતા લાગુ હોવાથી નિર્ણય થઈ શક્યો નહોતો.

પેંગ્વિનની દેખભાળ માટે ત્રણ વર્ષમાં 15 કરોડ 24 લાખનો ખર્ચ એટલે દરરોજ લગભગ 1 લાખ 41 હજાર રૂપિયા ખર્ચ કરવામાં આવશે. મહાપાલિકાએ એના માટે મગાવેલ ટેંડર પ્રક્રિયામાં અત્યારનો જ કોન્ટ્રેક્ટર સહભાગી થયો હતો. પહેલી વખત બે કોન્ટેક્ટરે ટેંડર રજૂ કર્યા હતા જેમાં એક કોન્ટ્રેક્ટરનું ટેંડર પ્રતિસાદાત્મક હોવાથી પ્રક્રિયા રદ કરવામાં આવી હતી.

મહાપાલિકાએ પેંગ્વિનની દેખભાળના ઉદ્દેશથી થોડા મહિના પહેલાં ટેંડર મગાવ્યા હતા. એના ખર્ચ પરથી વિવાદ ઊભો થવાથી મહાપાલિકાએ ટેંડર પ્રક્રિયામાં સુધારો કરીને એમાંથી કેટલાક કામ ઓછા કર્યા હતા. એ પછી મહાપાલિકાએ બે વખત મગાવેલ ટેંડરમાં ફક્ત એક જ કોન્ટ્રેક્ટરે પ્રતિસાદ આપ્યો હતો. તેથી આ કંપનીને કોન્ટ્રેકટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બાબતનો પ્રસ્તાવ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જોકે વિધાન પરિષદની ચૂંટણીની આચારસંહિતાના કારણે એના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો.

...તો અતિરિક્ત ખર્ચની માગણી નહીં
અત્યારે રાણીબાગમાં 9 પેંગ્વિન છે. ત્રણ વર્ષના સમયમાં નવા પેંગ્વિનનો જન્મ થાય તો કોન્ટ્રેક્ટર દ્વારા એની દેખભાળ માટે કોઈ વધુ ખર્ચ માગવામાં નહીં આવે એવું મહાપાલિકાના પ્રસ્તાવમાં નોંધેલ છે. બીજા કામમાં લાઈફસેવિંગ સિસ્ટમ, વેટરનરી સેવા, ખાદ્ય, વિદ્યુત યંત્રણા, એસીના કામ વગેરેનો સમાવેશ છે.

અન્ય સમાચારો પણ છે...