રાહત:એપીએમસી યાર્ડમાં આવક વધી જતાં શાકભાજીના ભાવમાં 15-20% ઘટાડો

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાકભાજી ઉત્પાદનમાં પોષણ વાતાવરણ હોવાથી આવક વધી

મુંબઈ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી)માં શાકભાજીઓની આવક વધવાથી ભાવોમાં ઘટાડો થવાનું શરૂ થયું છે. શાકભાજીઓના ભાવોમાં 15થા 20 ટકાનો ઘટાડો થયો છે, જેને કારણે સામાન્ય નાગરિકોને થોડો દિલાસો મળશે.ગયા મહિનાથી શાકભાજીઓમાં દરમાં વધારો થતો હતો. આથી સામાન્ય નાગરિકોનાં ખિસ્સાં પર કાતર લાગી હતી. ઓક્ટોબરમાં થયેલા અકાળે વરસાદને કારણે આવક ઘટવાથી શાકભાજીનાદરમાં વધારો થયો હતો. છૂટક બજારમાં અમુક શાકભાજીઓએ રૂ. 100નો આંક પાર કર્યો હતો. હવે શાકભાજીના ઉત્પાદન માટે પોષક વાતાવરણ હોવાથી આવક વધવાને કારણે જથ્થાબંધ દરમાં ઘટાડો થયો છે. જોકે ઈંધણના ભાવમાં વધારાને લીધે છૂટક બજારમાં વધુ ભાવે જ શાકભાજીઓ વેચવામાં આવી રહી છે.

પંદર દિવસ પૂર્વે કોથમીરની ઝૂડી જથ્થાબંધ બજારમાં રૂ. 35થી 45માં મળતી હતી, જ્યારે છૂટક બજારમાં તેના ભાવ રૂ. 70થી 80 બોલાતા હતા. આથી અનેક લોકોની શાકભાજીની યાદીમાંથી કોથમીર ગાયબ થઈ ગઈ હતી. જોકે હવે ભાવમાં ઘટાડો થવાથી કોથમીર ઝૂડીના રૂ. 14થી 20 બોલાય છે. શેપુ, મેથીના દરમા પણ ઘટાડો થયો છે. પંદર દિવસ પૂર્વે છૂટક બજારમાં પ્રતિ કિલો રૂ. 100માં મળતી ગુવારફળી હવે રૂ. 40-50માં મળે છે. મરચાં, કારેલાં, ઘેવડા, ભીંડાના દરમાં પણ ઘટાડો થયો છે. વટાણાના દર જોકે રૂ. 100થી 140 પર સ્થિર છે, એમ એક શાકભાજી વિક્રેતાએ જણાવ્યું હતું.

ગ્રાહકોને ઈરાની કાંદામાં રસ નથી
દેશી કાંદાની જથ્થાબંધ બજારમાં આવક વધીને ભાવ રૂ. 5 ઓછા થવાથી આયાત કરેલા ઈરાનના કાંદાની ખરીદી તરફ ગ્રાહકોએ પીઠ ફેરવી છે. આથી આ કાંદો એપીએમસી ગોદામમાંથી પરસ્પર અન્ય રાજ્યમાં મોકલવામાં આવી રહ્યો છે. એપીએમસી બજારમાં દેશી કાંદા રૂ. 50નો ભાવ પાર કરશે એવી શક્યતા છે. આથી સસ્તા ઈરાનના કાંદા આયાત કરાયા હતા. ગયા અઠવાડિયે આ કાંદા બજારમાં આવ્યા. તે સમયે દેશી કાંદા રૂ. 30 બોલાતા હતા, જ્યારે ઈરાનના કાંદા રૂ. 20 બોલાતા હતા.

જોકે દેશી કાંદાની આવક વધવાથી દર રૂ. 5 ઓછા થઈને તે હવે રૂ. 28થી 29માં મળે છે, જ્યારે ઈરાની કાંદો રૂ. 20થી 25માં વેચાય છે. ઈરાનમાંથી મગાવવામાં આવેલા કાંદાની માગણી નથી અને ભાવ મળતા નહીં હોવાથી આ કાંદો હવે દિલ્હી, ગુજરાત, ઉત્તર પ્રદેશમાં મોકલવામાં આવી રહ્યો છે. ગોદામમાં 29 કન્ટેઈનર કાંદો દાખલ થયો હતો, એમ એક વેપારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...