રાજ્યમાં મુંબઈ, થાણે, પુણે, નાગપુર, અમરાવતી, નવી મુંબઈ, વસઈ વિરાર, ઉલ્હાસનગર, કોલ્હાપુર, અકોલા, સોલાપુર, નાશિક, પિંપરી ચિંચવડ, કલ્યાણ- ડોંબિવલી સહિત 14 મહાપાલિકાઓના કમિશનરને રાજ્ય ચૂંટણી પંચે પત્ર મોકલીને આગામી 17 મેના રોજ અંતિમ વોર્ડ રચના જાહેર કરવાનો આદેશ આપ્યો છે.
4 મેના રોજ સુપ્રીમ કોર્ટે 10 માર્ચે જે તબક્કા પર ચૂંટણીની પ્રક્રિયા સ્થગિતકરી હતી ત્યાંથી આગળ શરૂઆત કરીને ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવાના નિર્દેશ આપ્યા હતા. આ પછી હવે રાજ્ય ચૂંટણી પંચે મહાપાલિકા ચૂંટણી સંબંધમાં કમિશનરોને મહત્ત્વના આદેશ આપ્યા છે.
મુંબઈ મહાપાલિકા સહિત નવી મુંબઈ, થાણે, કલ્યાણ- ડોંબિવલી, ઉલ્હાસનગર, વસઈ- વિરાર, પુણે, પિંપરી ચિંચવડ, કોલ્હાપુર, અમરાવતી, નાગપુર, અકોલા, સોલાપુર અને નાશિક મળી 14 મહાપાલિકાની મુદત આ પૂર્વે જ પૂરી થઈ હોઈ તેમની સાર્વત્રિક ચૂંટણી ફક્ત અન્ય પછાત વર્ગનું અનામત સુપ્રીમ કોર્ટે રદ કરવાથી પાછળ ઠેલવામાં આવી છે. જોકે સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણય પછી અન્ય પછાત વર્ગને રાજકીય અનામત નહીં મળે એવું સ્પષ્ટ થયું છે. આ સાથે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવા બાબતે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા છે. આથી રાજ્ય ચૂંટણી પંચે પણ આ પ્રક્રિયા શરૂ કરી છે.
વોર્ડ રચનાને રાજ્ય ચૂંટણી પંચે 28 જાન્યુઆરીના રોજ માન્યતા આપ્યા પછી 1લી ફેબ્રુઆરીથી 14મી ફેબ્રુઆરી દરમિયાન તેની પર વાંધા અને સૂચનો મગાવવામાં આવ્યાં હતાં. આ વાંધા અને સૂચનો પર 16 ફેબ્રુઆરી દરમિયાન સુનાવણી લઈને તે અંતિમ કરવામાં આવી છે. જોકે તે પછી 4 માર્ચે સુપ્રીમ કોર્ટે આ ચૂંટણી પ્રક્રિયાને સ્થગિતી આપવાથી અંતિમ વોર્ડ રચના જાહેર કરાઈ નહોતી. 11 મે સુધી અંતિમ વોર્ડ રચના પૂર્ણ કરવા તેમ જ 12 મે સુધી વોર્ડ રચનાનો અંતિમ પ્રસ્તાવ રાજ્ય ચૂંટણી પંચ પાસે માન્યતા માટે મોકલીને 17 મેના રોજ અંતિમ વોર્ડ રચના પ્રસિદ્ધ કરવાના નિર્દેશ રાજ્ય ચૂંટણી પંચે આપ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.