તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વિધાનસભા અધ્યક્ષ સાથે ધક્કામુક્કીના આરોપમાં ભાજપના 12 MLA સસ્પેન્ડ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સત્તાધારીઓ અને વિરોધી પક્ષના વિધાનસભ્યોમાં પણ ધક્કામુક્કી

રાજ્ય વિધાનમંડળના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ વિધાનસભાના અધ્યક્ષની ચેમ્બરમાં જોરદાર ધાંધલધમાલ મચી હતી. સત્તાધારીઓ અને વિરોધી પક્ષના વિધાનસભ્યો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. આટલું જ નહીં વિધાનસભાના અધ્યક્ષ ભાસ્કર જાધવને પણ ધક્કામુક્કી અને ગાળાગાળી કરવામાં આવી હોવાનો આરોપ છે. આ ઘટના પછી ભાસ્કર જાધવે પોતાનો મત ગૃહમાં રજૂ કર્યો હતો.

આ પછી સંસદીય કામકાજ મંત્રી અનિલ પરબે ભાજપના વિધાનસભ્યોના સસ્પેન્શનનો ઠરાવ રજૂ કર્યો હતો, જે બહુમતીથી મંજૂર કરવામાં આવ્યો હતો. ભાજપના 12 વિધાનસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઓબીસી અનામત પરના ઠરાવ પર ચર્ચા ચાલતી હતી ત્યારે અધ્યક્ષ પાસેનો રાજદંડ ઉપાડવો, માઈક ખેંચવો અને સભાગૃહમાં અધ્યક્ષને ગાળાગાળી કરવા પ્રકરણે સોમવારે કુલ 12 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સભાગૃહમાં ચોક્કસ શું થયું
રાજ્યના અન્ન અને નાગરી પુરવઠા મંત્રી છગન ભુજબળે સોમવારે વિધાનસભામાં ઓબીસીનો ઈમ્પિરિકલ ડેટા કેન્દ્ર સરકાર પાસેથી મળે તે માટે ઠરાવ રજૂ કર્યો હતો. તેની પર વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે ભાજપની ભૂમિકા રજૂ કરી હતી. આ પછી ભુજબળે બોલવાનું શરૂ કર્યું હતું. આ સમયે ઉજ્જવલા ગેસ માટે ડેટા વાપરવામાં આવે છે તો પછી ઓબીસીની અનામત માટે તે કેમ અપાતો નથી એવો પ્રશ્ન ભુજબળે કર્યો હતો. તેની પર ફડણવીસે વાંધાનો મુદ્દો ઉપાડ્યો હતો. તે સમયે અધ્યક્ષે ફડણવીસનો વાંધાનો મુદ્દો સ્વીકાર્યો નહોતો.

અધ્યક્ષે ભુજબળને બોલવા કહ્યું. આથી ભાજપના વિધાનસભ્યો આક્રમક થઈ ગયા હતા. ભાજપના આક્રમક વિધાનસભ્યો અધ્યક્ષ પાસે ધસી ગયા હતા અને જોરદાર ઘોષણાબાજી કરીને ધાંધલ મચાવી હતી. આ પછી એક વિધાનસભ્યે અધ્યક્ષનું માઈક ખેંચી લીધું હતું. આ ધાંધલધમાલમાં ધક્કામુક્કી થઈ હતી. આ સમયે ભાજપના વિધાનસભ્યોએ અધ્યક્ષને ગાળાગાળી કરી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. આ પછી સભાગૃહમાં વાતાવરણ એકદમ તંગ થઈ ગયું હતું.

કોને સસ્પેન્ડ કરાયા
ભાજપના વિધાનસભ્યો આશિષ શેલાર, યોગેશ સાગર, અભિમન્યુ પવાર, સંજય કુટે, અતુલ ભાતખલકર, પરાગ અળવણી, ગિરીશ મહાજન, રામ સાતપુતે, હરીશ પિંપળે, નારાયણ કુચે, જયકુમાર રાવત, કીર્તિકુમાર બાગડિયાને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ એક વર્ષમાં તેઓ મુંબઈ અને નાગપુર ખાતેનાં સત્રોમાં પ્રવેશ નહીં કરી શકશે. સંસદીય કામકાજ મંત્રી અનિલ પરબે આ માહિતી વિધાનસભામાં આપી હતી.

અન્ય સમાચારો પણ છે...