અનલોક:મહારાષ્ટ્રના 10 જિલ્લા અનલોકઃ અન્ય જિલ્લામાં નિયંત્રણો હળવાં

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ- થાણે થર્ડ સ્ટેજમાં
  • અનલોક જિલ્લાને લગ્નમાં 100 % હાજરી, સાંસ્કૃતિક કાર્યક્રમો, થિયેટરોને પરવાનગી
  • પાંચ ટકા પોઝિટિવિટી રેટ અને ઓક્સિજન બેડ ઓછા ઓક્યુપાઈડ હોય ત્યાં અનલોક

રાજ્યમાં 10 જિલ્લામાં સોમવાર, 7 જૂનથી સંપૂર્ણ અનલોકની ઘોષણા કરવામાં આવી છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં ત્યાંની સ્થિતિ અનુસાર નિયંત્રણો હળવાં કરવામાં આવશે. આ અંગેનો આદેશ શુક્રવારે રાત્રે બહાર પાડવામાં આવ્યો હતો. જોકે તેમાં મુંબઈ- થાણે થર્ડ સ્ટેજ હોવાથી તેને હજુ વાટ જોવી પડશે. પાંચ તબક્કામાં અનલોક કરવામાં આવશે.

આ માટે રાજ્યના બધા જિલ્લા અને મહાનગરપાલિકા મળીને 43 ભાગ કરવામાં આવ્યા છે. અનલોક થનાર જિલ્લામાં લગભગ બધું જ પૂર્વવત ચાલુ કરી શકાશે. રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટેનો આ આદેશ જારી કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારે મહારાષ્ટ્રમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં અનલોક સંબંધમાં આ મહત્ત્વપૂર્ણ ઘોષણા કરી છે. તેમાં પાંચ તબક્કા અનુસાર રાજ્યમાં અનલોક કરવામાં આવશે. આ માટે સંબંધિત જિલ્લામાં પોઝિટિવિટી દરની શરત રાખવામાં આવી છે. હાલમાં પરિસ્થિતિમાં પાંચ તબક્કામાં અનલોક કરવામાં આવશે.

આ પાંચ તબક્કામાંથી પ્રથમ શ્રેણી અનુસાર જે જિલ્લામાં પાંચ ટકા પોઝિટિવિટી રેડ હોય અને ઓક્સિજન બેડ 25 ટકાથી ઓછા ઓક્યુપાઈડ હોય ત્યાં સંપૂર્ણ અનલોક થશે. તેમાં રેસ્ટોરાં, મોલ, નિયમિત દુકાનો અથવા ટ્રેન પણ શરૂ થશે. જિલ્લા અને મહાનગરપાલિકાના મળીને 43 ભાગ કરવામાં આવ્યા છે. આ સર્વ નિયમોની સોમવારથી અમલબજાવણી કરવામાં આવશે, એમ આદેશમાં જણાવાયું છે.

સંપૂર્ણ અનલોક થનારા જિલ્લામાં સાર્વજનિક ઠેકાણાં, ઉદ્યાન, સાઈકલિંગ ટ્રેક, વોકિંગ ટ્રેક, ખાનગી કાર્યાલયો, સરકારી કાર્યાલયોને 100 ટકા છૂટ, મેદાનો અને થિયેટરોને પરવાનગી આપવામાં આવશે. શૂટિંગને પણ પરવાનગી આપવામાં આવશે. સાંસ્કૃતિક કાર્યક્રમોને પરવાનગી અપાશે. લગ્ન સમારંભમાં પણ 100 ટકા હાજરીની પરવાનગી અપાશે, આદેશમાં જણાવાયું છે.

કયા જિલ્લા લોક અને અનલોક : પ્રથમ તબક્કામાં અહમદનગર, ચંદ્રપુર, ધુળે, ગોંદિયા, જલગામ, જાલના, લાતુર, નાગપુર, નાંદેડ, યવતમાળ સોમવારથી સંપૂર્ણ અનલોક થશે. નંદુરબાર અને હિંગોલી બીજા સ્ટેજમાં છે, ત્રીજા સ્ટેજમાં મુંબઈ, થાણે, નાશિક, અકોલા, અમરાવતી, ઔરંગાબાદ, બીડ, ભંડારા, ગડચિરોલી, નાશિક, ઉસ્માનાબાદ, પાલઘર, પરભણી, સોલાપુર, વર્ધા વાશિમ છે. ચોથા સ્ટેજમાં બુલઢાણા, કોલ્હાપુર, પુણે, રાયગડ, રત્નાગિરિ, સાંગલી, સાતારા, સિંધુદુર્ગ છે, જ્યારે સ્ટેજ 5માં કોઈ જિલ્લો નથી.

મુંબઈ અને થાણેમાં કયાં નિયંત્રણો હટશે
મુંબઈ અને થાણે સહિત સ્ટેજ-3નાં જિલ્લાઓમાં સર્વ એસેન્શિયલ ચીજવસ્તુઓની દુકાનો સર્વ દિવસે સાંજે 4 સુધી ખુલ્લી રાખી શકાશે. નોન- એસેન્શિયલ વીકડેઝમાં જ સાંજે 4 સુધી ખુલ્લી રાખી શકાશે. મોર્નિંગ વોક, સાઈકલિંગ પ્રવૃત્તિઓને મંજૂરી, રમતનાં મેદાનો સવારે 5થી 9 સુધી ખુલ્લાં રહેશે. હોટેલો 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લી રહેશે. લગ્નસમારંભમાં 50 જણની હાજરી. બેસ્ટમાં બધા પ્રવાસીને છૂટ, જોકે લોકલ ટ્રેનોમાં પ્રવાસ નહીં કરી શકશે. આ સિવાય ઘણી બધી અન્ય છૂટછાટો આપવામાં આવી છે. જોકે દરેક સપ્તાહમાં પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખશે, જે પછી છૂટછાટ ચાલુ રાખવી કે કેમ તેનો નિર્ણય જાહેર કરાશે.

10 જિલ્લામાં શું છૂટછાટ મળશે
રેસ્ટોરાં, મોલ્સ, ગાર્ડન, વોકિંગ ટ્રેક શરૂ કરાશે. ખાનગી, સરકારી કાર્યાલયો 100 ટકા શરૂ કરાશે. ફિલ્મના શૂટિંગ કરી શકાશે. થિયેટરો શરૂ કરી શકાશે. જાહેર કાર્યક્રમ, લગ્નસમારંભમાં 100 ટકા છૂટ, ઈકોમર્સ ચાલુ રહેશે. જિમ, સલૂન ચાલુ થશે. પ્રથમ તબક્કામાં જમાવબંધી નહીં રહેશે. બસ 100 ટકા ક્ષમતાથી ચાલશે. આંતરજિલ્લા પ્રવાસની છૂટ મળશે. અન્ય રાજ્યમાંથી આવનાર સામે અમુક નિયંત્રણો હશે, જેનો આદેશ પછીથી કાઢવામાં આવશે, એમ આદેશમાં જણાવાયું છે.

અનલોકના 5 સ્તર
પ્રથમ સ્તરમાં પોઝિટિવિટી રેટ 5 ટકા અને ઓક્સિજન બેડ 25 ટકાથી ઓછા ઓક્યુપાઈડ હોય તે જિલ્લો સંપૂર્ણ અનલોક કરાશે. બીજા સ્તરે પોઝિટિવિટી રેટ 5 ટકા અને ઓક્સિજન બેડ 25થી 40 ટકા વચ્ચે ઓક્યુપાઈડ હોય તે જિલ્લો મર્યાદિત સ્વરૂપમાં અનલોક કરાશે. ત્રીજા તબક્કામાં પોઝિટિવિટી રેટ 5થી 10 ટકા અને ઓક્સિજન બેડ 40થી વધુ ટકા ઓક્યુપાઈડ હોય તે જિલ્લામાં નિયંત્રણો સાથે અનલોક લાગુ કરાશે.

ચોથા સ્તરે પોઝિટિવિટી રેટ 10થી20 ટકા અને ઓક્સિજન બેડ 60 ટકાથી વધુ ઓક્યુપાઈડ હોય તે જિલ્લામાં નિયંત્રણો ચાલુ રહેશે. પાંચમા સ્તરે પોઝિટિવિટી રેટ 20 ટકાથી વધુ અને ઓક્સિજન બેડ 75 ટકાથી વધુ ઓક્યુપાઈડ હોય તે જિલ્લો રેડ ઝોન હશે, જ્યાં સંપૂર્ણ લોકડાઉન કરાશે.

અન્ય સમાચારો પણ છે...