અકસ્માત બાદ બબાલ:ટેમ્પો અડફેટે યુવકના મોત બાદ મૃતદેહ વાલોડ પોલીસ મથકે મુકી રાત સુધી ગ્રામજનોનો વિરોધ

માયપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટેમ્પો અડફેટે યુવકના મોત બાદ તેનો મૃતદેહ લઇ વાલોડ પોલીસ મથકના પટાંગણમાં મુકી વિરોધ નોંધાવતા ભીમપોરના ગ્રામજનો. - Divya Bhaskar
ટેમ્પો અડફેટે યુવકના મોત બાદ તેનો મૃતદેહ લઇ વાલોડ પોલીસ મથકના પટાંગણમાં મુકી વિરોધ નોંધાવતા ભીમપોરના ગ્રામજનો.
  • બાઇક પર જઇ રહેલા ભીમપોર ગામના યુવકને રાનવેરીની સીમમાં અકસ્માત નડ્યો
  • પોલીસ ફરિયાદ અકસ્માત વેળા નહીં પણ યુવકના​​​​​​​ મોત બાદ મોડે મોડે લેવાતા રોષ

વાલોડ તાલુકાના ભીમપોરમાં રહેતા યુવાનને શુક્રવારે રાનવેરી ગામની સીમમાં સામેથી પુરપાટ ઝડપે આવતા ટેમ્પોએ ટક્કર મારતા યુવાનનું સારવાર દરમિયાન સુરત ખાતે મોત નીપજ્યું હતું, જે બાદ શનિવારે સુરતથી પોસ્ટમોર્ટમ કરી ડેડ બોડી વાલોડ પોલીસ સ્ટેશનમાં લાવી ગ્રામજનોએ ઉગ્ર રોષ સાથે ટેમ્પો ચાલક સામે કાર્યવાહીની માંગ સાથે આક્રોશ ઠાલવ્યો હતો.

વાલોડ તાલુકાના ભીમપોર ગામના રાહુલભાઇ ભંગિયાભાઈ ગામીત બાઇક (નંબર GJ 26 AA 6507) પર બેસી માછલા પકડી ઘરે પરત આવી રહ્યો હતો ત્યારે રાનવેરી ગામની સીમમાં આઈસર ટેમ્પો (GJ 05 BV 6479)નાં ચાલક પોતાનું વાહન પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રાહુલભાઇને અડફેટે લેતા યુવાન હવામાં ફંગોળાઇ ગયો હતો, અને રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ થઈ હોય અકસ્માતની જાણ થતા નજીકમાં જ ભીમપોર ગામ હોવાથી લોકો ભેગા થઈ તાત્કાલિક વાલોડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, વાલોડ ખાતે પ્રાથમિક સારવાર કરી ઇજાઓ ગંભીર હોવાથી વ્યારા ખાતે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, વધુ સારવાર અર્થે સુરત સિવિલ ખાતે રાહુલભાઈ ભંગિયાભાઈ ગામીતને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં આજ સવારે 9:30 કલાકે સુરત ખાતે મરણ નિપજ્યું હતું, મરણ જનાર એક જ ઘરનો કમાનાર વ્યક્તિ હોય અને થોડા અરસા પહેલા પિતાનું મરણ થયું હોય, રાહુલનું મરણ થતાં માતાનો આધાર છીનવાઈ ગયો હતો, આજરોજ સવારે રાહુલના મરણના સમાચાર સાંભળી ગ્રામજનો સુરત ખાતે પહોંચ્યા હતા, આ અંગે સુરત પોલીસે પ્રાથમિક ફરિયાદ લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

ગ્રામજનો રાત સુધી એક જ માંગ પર અડગ ‘ટેમ્પોચાલકને હાજર કરો’
યુવકનું સુરત સીવીલમાં મોત થતાં ઝીરો નંબરથી ફરિયાદ નોંધી ત્યાંજ તેનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. ત્યારબાદ ભીમપોર ખાતેથી લોકોના ટોળા વાલોડ પોલીસ સ્ટેશન ભેગા થયા હતા અને અકસ્માતમાં યુવકના મોત બાદ મોડે મોડે ફરિયાદ નોંધવા મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. જેને લઇ ઉચ્ચ પોલીસ અધિકાર તથા રાજકીય આગેવાનોએ તેમને સમજાવવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ મોડીસાત સુધી રોષે ભરાયેલા લોકોનું ટોળું પોલીસ સ્ટેશન પર મૃતકની લાશ સાથે ખડે પગે હાજર હતું. અને અકસ્માત સર્જનારા ટેમ્પો ચાલકને હાજર કરવાની માંગ કરતા જોવા મળ્યા હતા. જોકે, વિરોધના માહોલ દરમિયાન વાલોડ પોલીસ દ્વારા ક્રેન દ્વારા ટેમ્પોને ટોચન કરી પોલીસ સ્ટેશનમાં લાવવાની કવાયત હાથ ધરી હતી.

ડ્રાઇવર હાજર થાય પછી જ મૃતદેહ અહીંથી લઇ જશું
વાલોડ પોલીસે પહેલા FIR ન નોંધવા મુદ્દે અમારો વિરોધ છે, જ્યાં સુધી ટેમ્પો અને ડ્રાયવરને લાવવામાં નહી આવે ત્યાં સુધી લાશ પોલીસ સ્ટેશનમાં જ રહેવા દઇશું. > પ્રવિણભાઇ આર.ગામીત, ભીમપોર

ફરિયાદ નોંધાઇ જ હતી પણ ગ્રામજનોને ગેરસમજ થઇ
ગેરસમજ થતાં ગ્રામજનોને ટોળાં ઉમટ્યાં હતાં. પોલીસ ફરિયાદ સુરત ખાતે ઝીરો નંબરથી નોંધાયા બાદ જ પોસ્ટમોર્ટમ કરવામાં આવે. પોલીસે ટેમ્પો કબજે લીધો છે. > એસ.ટી. દેસલે, ઇન્ચાર્જ, પીએસઆઇ

અન્ય સમાચારો પણ છે...