લાકડા ચોરી:રાનવેરીમાં એક જ ખેતરમાંથી બે વાર કુલ 11 ખેરના ઝાડ ચોરટાઓ કાપી ગયા

વાલોડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વાલોડનાં રાનવેરી ખાતે એક જ ખેતરમાંથી બે વખત કુલ 11  ખેરના ઝાડો ચોરટાઓ કાપી ગયા. - Divya Bhaskar
વાલોડનાં રાનવેરી ખાતે એક જ ખેતરમાંથી બે વખત કુલ 11  ખેરના ઝાડો ચોરટાઓ કાપી ગયા.
  • વાલોડ તાલુકામાં લાકડા ચોરીના બનાવો વધ્યા
  • રાત્રિના ખેરના ઝાડ કાપી જવાની ઘટના અવારનવાર બની રહી છે

વાલોડ તાલુકાના રાનવેરી ગામે એક જ માલિકના ખેતરમાંથી તા. 12 મી ના રોજ 6 ખેર તથા તા. 17 મીના રોજ રાત્રીના સમયે 5 એમ કુલ 11 મહાકાય ખેરના ઝાડો ચોરટાઓ બેખોફ બની ચોરી કરી ગયા હોવા છતાં તંત્રની ઢીલી તપાસને કારણે ચોરટાઓ વાલોડ તાલુકાના ખેડૂતોના ખેતરોમાંથી સમયાંતરે ચોરી કરી તંત્રને પડકાર ફેંકી રહ્યા છે. વાલોડ તાલુકાના વાલોડ, નનસાડ, બુટવાડા જેવા ગામોમાંથી છેલ્લા કેટલાક સમયથી ખેરનાં ઝાડોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. રાત્રિના સમયે પોતાનું વાહન તથા આધુનિક સાધનો લઈ રાત્રિના સમયે ખેરના વૃક્ષો કાપી જવાના ચોરીનાં બનાવો સમયાંતરે બન્યા કરે છે. આ અગાઉ પણ ખેર ચોરીના પ્રકરણમાં તાપી જિલ્લામાં કેટલાક ખેરનાં ચોરટાઓ ખેર ચોરી પ્રકરણમાં પકડાયા હતા. આ ચોરટાઓ સામે તંત્ર દ્વારા તપાસના નામે પંચકયાસ કરી તપાસ થઇ હોવાનો દેખાડો કરતા ચોરટાઓ બેફામ, બેખોફ બની ખેડૂતોમાં ભય ઉપજાવનારી ઘટના ઘટે છે.

ખેર અને સાગ જેવા કિંમતી ઝાડો 30 થી 40 વર્ષ સુધી જતન કરી ખેડૂતે ખેર તથા સાગના વૃક્ષોનું જતન કરી વિશાળ ઘટાદાર વૃક્ષોને નિશાન બનાવી રાતોરાત ચોરી જવાની ઘટનાઓને લીધે એકલ દોકલ ઘટનાઓ બની રહી હોવાથી ખેડૂતો પોલીસ સ્ટેશન કે વનવિભાગમાં અરજીઓ કરી શકતા નથી, અને જો આ અરજીઓ કરવામાં આવે તો પંચ ક્યાસ કરી કામગીરી પૂર્ણ થયાનો સંતોષ માની લેવામાં આવે છે.

ગતરોજ તા. 12મીના રોજ રાનવેરી ખાતે સર્વે નંબર બ્લોક નંબર 74 વાળી ખેતીના જમીનમાલિક હેમંતભાઈ બલ્લુભાઈ શાહના રહે. વાલોડના ખેતરમાંથી તા.12 ના રોજ રાત્રીના સમયે કેટલાક ચોરટાઓ આવી 6 જેટલા મહાકાય ખેરના ઝાડ કાપી ગયા હોવાનું ખેડૂતને ધ્યાને આવતા બુહારી આઉટ પોસ્ટમાં ફરિયાદ અરજ કરવામાં આવી છે, આ ફરિયાદ આપવામાં આવી ત્યારબાદ હજી કોઈક કાર્યવાહી થાય ત્યાં આ જ ખેતર માલિકના ખેતરમાં ફરી ખેરના માફિયાઓ તા. 17 મીના રોજ ફરી આવ્યા હતા અને કુલ 5 જેટલા મોટા ખેરના ઝાડો કાપી ગયા હતા, ચોરોની હિંમત એટલી વધી ગઈ છે કે એક જ જગ્યાએથી 5 દિવસના ગાળામાં ફરી એ જ ખેતરના માલિકના ખેતરમાં એજ સ્થળેથી ખેર ચોરી કરી ગયા હતા, ખેતર માલિક દ્વારા વન વિભાગ તથા પોલીસ એમ બે જગ્યાઓ પર ખેર ચોરાયા હોવા અંગે ફરિયાદ કરવામાં આવી હતી, શું આ અંગે કોઈ નક્કર કાર્યવાહી કરી ખેડૂતોને રંઝાડનારા ખેર અને સાગના માફિયાઓને પકડવામાં આવશે કે કેમ ?

સીસીટીવી ફૂટેજની તપાસ કરવા માગ
આ રીતે અગાઉ પણ નનસાડ, વાલોડ ખાતે પણ ખેરનાં ઝાડો કાપ્યા હોવાની પણ બેથી ત્રણ ફરિયાદો વન વિભાગ તથા પોલીસ સ્ટેશનોમાં કરવામાં આવી છે, પરંતુ નક્કર કાર્યવાહી ન થતા આવા વિરપ્પનોને મોકળું મેદાન મળી રહ્યું છે, ખેરના લાકડાઓ કોઈ મોટા વાહનોમાં જ વહન કરવામાં આવતા હશે, જે અંગે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરવામાં આવે તો આવી ચોરીઓ અટકશે.

અન્ય સમાચારો પણ છે...