વાલોડ નગરમાં ગેસ લાઇનની કામગીરીને કારણે નગરના રસ્તાઓની બાજુમાં બે ત્રણ માસથી માટીના ઢગ પડ્યા છે. માટીના ઢગ અને બ્લોક ફરી તે સ્થળે ન નંખાતા કેટલાક રહીશોને અગવડ પડી રહી છે. આજે ત્રણ ચાર માસ વીતી જવા છતાં આ કામગીરી ગેસ કંપની કરશે કે પછી ગ્રામ પંચાયતે કરવાની તે અંગે હાલ કોયડો બની રહ્યો છે. ગામના વિકાસ માટે થયેલ કામગીરી બાદ આવનાર ચોમાસા પહેલા કામગીરી તાત્કાલિક ધોરણે કરાવે તેવી માગ ઉઠી છે.
વાલોડ નગરમાં ગુજરાત ગેસ દ્વારા ગેસ લાઇન નાંખવાની કામગીરી છેલ્લા ત્રણ ચાર માસ અગાઉથી કાર્યરત હતી. મહદંશે ખોદકામ કરી ગેસની પાઈપલાઈન સંપૂર્ણ થઈ છે. વિકાસના કામમાં લોકોએ પોતે તકલીફો વેઠી કામગીરી થાય તે માટે સહયોગ આપી રહ્યા હતા. કામગીરી પૂર્ણ થઇ ગયા બાદ જે સ્થળ ઉપરથી બ્લોક કાઢવામાં આવ્યા હતા. તે બ્લોક કેટલીક જગ્યાએથી લોકો રફેદફે કરી રહ્યા છે અથવા બ્લોક પગ કરી ગયા છે અને કેટલાક સ્થળો પર મોટેભાગે ગામમાં જે ગેસ લાઇન ખોદાઈ છે ત્યાં માટી પુરાણ કરી ગેસ કંપનીએ પોતાની કામગીરી પૂર્ણ કરી જતા રહ્યા છે.
હવે ગામમાં રસ્તાની બંને તરફ પાઈપ લાઈન ખોદવાને કારણે માટીના ઢગ પડ્યા છે. જે માટી પર પાણીનો છંટકાવ કરી ત્યારબાદ બ્લોક બેસાડવાની કામગીરી કરવામાં આવે એવી લોક માગ ઊભી થઈ છે. ગેસ પાઇપલાઇન નગરમાં આવવી એ વિકાસની કામગીરી છે પરતું આ ખોદકામ બાદ ફરી બ્લોક વ્યવસ્થિત બેસાડવાની જવાબદારી કોની તે હાલ કોયડો સમાન છે.
રહીશો અવઢવમાં છે કે આ કામગીરી માટે કોને ફરિયાદ કરવી, કોણ કામગીરી કરશે, કે કરાવશે, આવનારા ચોમાસા અગાઉ પાણીનો છંટકાવ કરી બ્લોક બેસાડવાની કામગીરી કરવામાં આવે તેવી એકલ દોકલ માંગો ઉઠી રહી છે. કેટલાક લોકો સરપંચ, તલાટી કે ગ્રામ પંચાયતના સભ્યોને આ બાબતે પૂછપરછ કરી રહ્યા છે. હાલ જવાબદારી કોની તે લોકોની માંગ પ્રચંડ વિરોધ બની સામે આવે તે પહેલાં કામગીરી કરવા યોગ્ય નિર્ણય લેવાય તે તરફ ગ્રામજનો મીટ મંડાઇ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.