તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાવો:વાલોડ કોર્ટ સામે આરોગ્ય વિભાગના સબ સેન્ટર -2 નું બાંધકામ અટક્યું

માયપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્લિન્થ સુધીની કામગીરી બાદ માર્ગ મકાન વિભાગે પોતાની મિલકત હોવાનો દાવો કર્યો
  • હેલ્થ વર્કરો પોતાના ખર્ચે ભાડાના મકાનમાં આરોગ્ય સેન્ટર ચલાવે છે

વાલોડ ખાતે કણજોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંચાલિત સબ સેન્ટર બાંધકામની કામગીરી વાલોડ કોર્ટની સામેના વિસ્તારમાં શરૂ કરવામાં આવી હતી. જે જમીન આરએન્ડબી વિભાગ દ્વારા પોતાની માલિકીની હોવાનું જણાવી બાંધકામ અટકાવતા હાલ કોન્ટ્રાક્ટર દ્વારા પ્લિન્થ લેવલ સુધીની કામગીરી બંધ કરી પ્લિન્થ લેવલના ઉપરના સળીયાઓ કાપી જઈ બાંધકામ અટકાવ્યું.

વાલોડ ખાતે છેલ્લા ચાર વર્ષથી આરોગ્ય વિભાગના સબ સેન્ટર તોડી પાડવામાં આવતા કર્મચારીઓ પોતાના ખર્ચે સબ સેન્ટર ભાડાના મકાનમાં ચલાવી રહ્યા હતા. આજ દિન સુધી સ્ટાફ નર્સ, ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટી પર્પસ હેલ્થ વર્કરો દ્વારા પોતાના ખર્ચે ભાડાના મકાન રાખી સબ સેન્ટર ચલાવવામાં આવી રહ્યા હતા, ત્યારબાદ ચાર વર્ષના વ્હાણા વીતી ગયા બાદ વાલોડ કોઠી ફળિયા વિસ્તારમાં કોર્ટની સામે આવેલા વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંચાલિત સબસેન્ટર 2 વાલોડનું બાંધકામ અંગેનો ખાતમુહુર્ત ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું, મકાન બાંધકામની શરૂઆત કોર્ટ બિલ્ડિંગની સામે કરવામાં આવતા કોન્ટ્રાક્ટર દ્વારા પ્લિન્થ લેવલ સુધીની કામગીરી કરવામાં આવી હતી.

ગ્રામ પંચાયતે ઠરાવ કરી બાંધકામ માટેની મંજૂરી આપી હતી. તત્કાલીન સરપંચ જ્યોતિબેન નાયકા દ્વારા આરોગ્યની સેવાઓ લોકોને મળી રહે તે માટે સબ સેન્ટર ચાલુ કરવા માટે ગ્રામ પંચાયતની જમીન હોવાનું જાણમાં હોય બાંધકામ અંગેના ઠરાવો સભામાં સભ્યોના સર્વાનુમતે વિકાસના કામને મંજૂરી આપી હતી, પરંતુ કોરોના કાળ દરમિયાન કામગીરી શરૂ કરવામાં આવતા કેટલાક રાજકીય વ્યક્તિઓ દ્વારા આ કામગીરી અટકાવવા કાવાદાવા શરૂ કરવામાં આવ્યા હતા.વાલોડ શેઢીફળિયા અને સાત વલ્લા વિસ્તારના સબ સેન્ટરના મકાનો બની ગયા છે, જ્યારે વાલોડ -2 સબ સેન્ટરને રાજકીય ગ્રહણ લાગતાં આજે માર્ગ મકાન વિભાગ તરફથી પોતાની જમીન હોવાનું જણાવી બાંધકામ અટકાવવામાં આવ્યું છે. પ્લિન્થ લેવલ સુધીનું બાંધકામ થયું ત્યાં સુધી માર્ગ મકાન વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં હતાં.

મકાનના કોલમના સળિયાઓ પણ કાપીને લઇ જવાયા
સરપંચ જ્યોતિબેન નાયકા દ્વારા નમુના નંબર 7 તથા ઠરાવ કરી જમીન સબસેન્ટર ફાળવી હતી, જેમાં ગ્રામ પંચાયતના સભ્યોની સંમતિથી કામગીરી શરૂ કરાવવા લીલી ઝંડી આપી હતી. કોન્ટ્રાકટરે પ્લિન્થ લેવલ સુધી કામગીરી કરી કોલમ માટેના સળિયાઓ લગાવ્યા હતા તે સળિયાઓ ઇજારદાર દ્વારા કાપીને લઇ જવાયા છે. ચાર - ચાર વર્ષના વ્હાણા વિતી જવા છતાં સબ સેન્ટર ખોલવા માટે કોઈ રાજકારણી આગળ આવ્યો ન હતો અને જ્યારે કામગીરી શરૂ કરવામાં આવી તો તેમાં રોડા નાખવાનું કામ આજે થઈ રહ્યું છે.

આરોગ્ય માટે આશાનું કિરણ અંધકારમય થઇ ગયું
સબ સેન્ટરનું ખાતે મુહૂર્ત હમારા વિસ્તારમાં થતાં સ્થાનિકોને એક આશાનું કિરણ દેખાયું હતું, પરંતુ અચાનક કામ અટકાવી દેવામાં આવ્યું અને કોન્ટ્રાકટર સળિયા કાપી જતા અમો આદિવાસીઓ માટે એક આશાનું કિરણ દેખાયું હતું તે આજે અંધકારમય થઇ ગયું છે.> રાકેશભાઈ હળપતિ , સ્થાનિક રહીશ

વિવાદ હોવાથી કામગીરી અટકાવી
માર્ગ મકાન પી.આઈ.યુ. વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર સંદીપભાઈ ચૌધરી સાથે ટેલિફોનિક ચર્ચા કરતા જણાવ્યું હતું કે કામગીરી અટકાવા પાછળ જમીન વિવાદનો કારણ હોવાથી કામગીરી અટકાવવામાં આવી છે.​​​​​​​

અન્ય સમાચારો પણ છે...