વાલોડ ગ્રામ પંચાયતમાં શેઢી ફળિયાની રહીશો પાણીનાં પ્રશ્ને રજૂઆતો કરવા આવ્યા હતા. જેમાં ખાસ કરીને ત્રીસ બોર શેઢી ફળિયા વિસ્તારમાં કર્યા છે, જેમાં તમામ બોરમાં પાણી છે તે પૈકી 17 બોરમાં મોટર સાથે પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે, પરંતુ કાવાદાવા કરવા લોકોને પાણી ન આપતા હોવાની રાવ પંચાયતમાં થઇ છે.
વાલોડ શેઢી ફળિયામાં શેઢી ફળિયાની રહીશો પાણીનાં પ્રશ્ને રજૂઆતો કરવા ગ્રામ પંચાયત કચેરી આવ્યા હતા. ઉનાળો હોવાથી પાણીનો પ્રશ્ન હોય એ સ્વાભાવિક છે અને પાણીના પ્રશ્ને માંગણીઓ કરે તે પણ વ્યાજબી છે, પરંતુ મળતી માહિતી મુજબ અને સ્થાનિક ગ્રામ પંચાયતના સભ્યના જણાવ્યા મુજબ શેઢી ફળિયા વિસ્તારમાં કુલ ત્રીસ બોર સરકારી સહાયથી કરવામાં આવ્યા છે. જેમાંથી તમામ ત્રીસે ત્રીસ બોરમાં પાણી પુરતા પ્રમાણમાં નીકળે છે. તે પૈકી 17 બોરમાં ગ્રામ પંચાયતના ખર્ચે અને સરકારી સહાયમાંથી વીજ જોડાણો છે અને તે બોરમાં પાઈપો સાથે મોટર પણ છે.
મોટર દ્વારા પાણી રહીશો માટે કાઢવામાં આવી રહ્યું છે, પરંતુ કેટલાક બોર પર રાજકીય કાવાદાવાઓના કારણે દાદાગીરી કરી લોકોને પાણી ન આપવાનો કારસો રચાયો હોવાનું પણ સ્થાનિક રહીશો અને ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા દાવો કરાયો છે.
રહીશોની રજૂઆતમાં માત્ર એક બોર ઉપર કે જે બોર માજી મહિલા સભ્યનાં બારણામાં કરવામાં આવેલ છે તે જ બોરનો ઉલ્લેખ કરી રજૂઆતો થઇ હતી, જે પણ રાજકારણનો ભાગ હોવાનું ફલિત થઇ રહ્યું છે, અન્ય બોરમાંથી પાણી નીકળી જ રહ્યું છે છતાં ભોગ બનીને ગ્રામ પંચાયત કચેરીમાં પાણી બાબતે હલ્લો બોલાવવો કેટલો યોગ્ય છે તે તપાસનો વિષય છે. વાલોડમાં પાણીની પાઇપ લાઇન નાખી પાણીનો પ્રશ્ન બાબતે નિરાકરણ આવે તે માટે મંગણી ઊભી થઈ છે.
પ્રશ્ન ટૂંક સમયમાં હલ થઇ જશે
સરપંચ વિજયાબેન નાઇકના જણાવ્યા મુજબ 30 બોર હોવા છતાં પાણીનો મુદ્દો આવ્યો છે. ટૂંક સમયમાં વાસ્મો દ્વારા પુરા નગરમાં પાણીની પાઈપલાઈન નાખવામાં આવવાની હોય હાલ તેની રાહ જોવાઇ રહી છે, જેથી પાણીનો પ્રશ્ન ટૂંક સમયમાં હલ થઈ જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.