તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:‘તારે મારી ફોઈની છોકરી સાથે સંબંધ રાખવો નહીં’ કહી યુવકને મારમાર્યો

સોનગઢ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકને સારવાર અર્થે વ્યારા ખસેડાયો,આરોપી સામે ફરિયાદ

ઉચ્છલ તાલુકાના આમોદા ગામે છોકરી સાથે ફરવાના મુદ્દે એક યુવકને ઢીકમુક્કીનો માર માર્યા બાદ માથામાં કાચનો ગ્લાસ મારી દેવામાં આવતા યુવક સ્થળ પર લોહીલુહાણ થઇ ગયો હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે વ્યારા ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ સંદર્ભે ઉચ્છલ પોલીસ મથકે આરોપી યુવક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આમોદા ગામે રહેતા રવિન્દ્રભાઈ નરસિંહભાઈ વળવી ખેતી કરી જીવન ગુજરાન ચલાવે છે. એઓ સોમવારે સવારે પત્ની સાથે ખેતરે ગયા હતા અને એમનો પુત્ર એવો હરીશ રવિન્દ્રભાઈ વળવી(22) ઘરે હતો. હરીશ બપોરના સમયે ગામમાં આવેલા સુદામભાઇ વળવીના ઘર પાસે બેઠેલા મિત્રોને મળવા માટે ગયો હતો.

આ સમયે ગામમાં જ રહેતા જયદાસ જગદીશભાઈ વસાવા ત્યાં આવ્યો હતો એણે હરીશને ઉદ્દેશીને કહ્યું કે તું મારી ફોઈની છોકરી સાથે કેમ ફરે છે અને હવેથી તારે એની સાથે કોઈ સંબંધ રાખવાનો નથી એમ કહી ગાળો આપી હતી. આ સમયે હરીશે ગાળો આપવાની ના કહેતા આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને હરીશને માર મારવો શરૂ કર્યો હતો. આ ઝઘડો આગળ વધતા જયદાસ વસાવા એ નજીક પડેલ કાચનો ગ્લાસ ઊંચકી હરીશના માથામાં મારી દેતા તે લોહીલુહાણ થઇ ગયો હતો. બાદમાં આરોપી હરીશને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો.

સાંજે ખેતરેથી પાછા આવેલા રવિન્દ્રભાઈને બનાવની જાણ થતા પોતાના પુત્ર એવા ઈજાગ્રસ્ત હરીશને સારવાર માટે ઉચ્છલ સરકારી દવાખાને લઇ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે વ્યારાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ઉચ્છલ પોલીસ મથકે જયદાસ જગદીશભાઈ વસાવા (રહે. આમોદા તા. ઉચ્છલ) સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...