તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:જમીન પર કબજો કરતા રોકવાવાળી તું કોણ? કહી રાઉન્ડ ફોરેસ્ટર પર હુમલો

સોનગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શેરૂલા ગામ નજીક ગેરકાયદે છાપરું પાડનાર ઈસમને અટકાવતાં બનાવ

સોનગઢ તાલુકાના શેરૂલા ગામ નજીક આવેલા જંગલ વિસ્તારમાં ગેરકાયદે જંગલની જમીન ખેડી તેના પર છાપરું બાંધનાર ઈસમને વન વિભાગના મહિલા ફોરેસ્ટરે અટકાવતાં આરોપી ઈસમે તેમની સાથે જીભાજોડી કરી ગાલ પર ચાર પાંચ થપ્પડ મારી હતી. એ પછી આ ઈસમે ફરિયાદી બહેન અને તેમના અન્ય સાથી કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. આ બનાવ સંદર્ભે ઉકાઈ પોલીસ મથકે ફરજમાં રુકાવટ સહિતનો ગુનો દાખલ કર્યો હતો.

મહુવા તાલુકાના વતની અને હાલ સોનગઢ શેરૂલા ગામે આવેલ ફોરેસ્ટ કોલોનીમાં રહેતા કલ્યાણીબહેન રાજુભાઈ ચૌધરીએ ઉકાઈ પોલીસ મથકમાં લખાવેલ ફરિયાદ પ્રમાણે તેઓ છેલ્લા આઠેક વર્ષથી વન વિભાગમાં રાઉન્ડ ફોરેસ્ટર તરીકે નોકરી કરતા આવ્યા છે. ગત પાંચમી જુલાઈએ બપોરે તેઓ વન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે સાથી કર્મચારી એ તેમને જણાવ્યું કે શેરૂલાથી પીપળ ગામ તરફ રસ્તા પાસે આવેલી જંગલની જમીનમાં કોઈ અજાણ્યા ઇસમોએ ગેરકાયદે નવું ખેડાણ કર્યું છે અને તેની પર છાપરું પણ પાડી દીધું છે.

આ અંગે કલ્યાણીબહેન સ્થળ પર પહોંચી તપાસ કરતા હતા ત્યારે એક ઈસમ ત્યાં દોડી આવ્યો હતો. તેણે પોતાનું નામ સોમયેલ સુરેશ વસાવા જણાવ્યું હતું અને પોતે નજીક મુનકીયા ગામે રહેતો હોવાનું જણાવ્યું હતું. મહિલા ફોરેસ્ટરે જંગલની જમીન હોય તેમાં પાડવામાં આવેલ છાપરું ખસેડી લેવા સુરેશ વસાવાને જણાવતા તેણે ફોરેસ્ટર સાથે જીભાજોડી કરી ગાલીગલોચ શરૂ કરી દીધા હતા.

આ સમયે આરોપીએ કલ્યાણીબહેનને કહ્યું કે જમીન હું દસ વર્ષથી ખેડુ છું અને આ જમીન પર કબ્જો કરતા રોકવા વાળી તું કોણ એમ કહી ફોરેસ્ટરના ડાબા ગાલ પર ચાર પાંચ થપ્પડ મારી દીધા હતા અને ધક્કો મારી પાડી દેતા એમને આંખ નજીક ઇજા થઇ હતી. એ સાથે ત્યાં ઉપસ્થિત અન્ય કર્મચારી એવાં વૈશાખી હેન ચૌધરી અને અમૃતાબહેન પગી સાથે પણ ઝપાઝપી કરી હવે પછી તમે ફરી દેખાયા તો ગામવાળાને કહી માર મરાવીશ અને તમને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. આ બનાવના સમયે આરોપીની બાઈક પર કુહાડો પણ બાંધેલો હોવાથી મહિલા કર્મચારીઓ ત્યાંથી ચાલી આવ્યા હતા.

મહિલા ફોરેસ્ટરને આંખ પાસે ઇજા
કલ્યાણી બહેને સોનગઢ સરકારી દવાખાને આંખ નજીક ઇજા થઇ હતી તેની સારવાર કરાવ્યા બાદ ઉકાઈ પોલીસ મથકે આરોપી સોમયેલ વસાવા સામે ફરજમાં રૂકાવટ સહિત આઈપીસીની અન્ય કલમો હેઠળ ગુનો નોંધાવતા પોલીસે આગળની તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...