તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:BSNL મોબાઈલ ટાવર નિયમિત ચાલતા ન હોય મુશ્કેલી

સોનગઢ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંડળ ગામનો ટાવર જ્યાં આવ્યો છે એ ટેલિફોન કચેરીના દરવાજે તાળા

સોનગઢ તાલુકાના ઊંડાણના વિસ્તાર એવા જામખડી, ચિમેર તથા માંડળ ગામે સરકારી કંપની એવી બીએસએનએલના મોબાઈલ ટાવરો નિયમિત ચાલતા ન હોય લોકોમાં આક્રોશની લાગણી ઉભી થઇ છે. આ બાબતે કંપની દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા પોતાના ટાવરો હંમેશા કાર્યરત રહે તેવા પ્રયાસ કરવામાં આવે એ જરૂરી છે.

સોનગઢ તાલુકાની ગણના રાજ્યના સૌથી મોટા તાલુકા તરીકેની થાય છે. દક્ષિણે અંદાજિત 55 કિમી દૂર મલંગદેવ ઓટા વગેરે ગામો છે, જયારે ઉત્તરે પણ 50 કિ.મી. દૂર બોરદા પંથકના ઉકાઈ ડેમ બનવાથી ડૂબાણમાં ગયેલા ગામો આવેલા છે. આ બંને વિસ્તારો જંગલ સંપત્તિ ધરાવતા વિસ્તાર છે. અહીંના લોકોને પ્રાથમિક સુવિધા બાબતે અનેક પ્રકારની ફરિયાદ છે. આ ગામડાઓમાં સરકારી દુરસંચાર કંપની બીએસએનએલ દ્વારા લોકોને મોબાઈલ સેવા પુરી પાડવા ટાવરોતો ઉભા કરી દેવામાં આવ્યા છે, પરંતુ આ ટાવરોની યોગ્ય જાળવણી કરવામાં આવતી ન હોય એ મોટે ભાગનો સમય બંધ રહેતા હોય છે અથવા ક્ષમતાથી ઓછા પ્રમાણમાં ચાલતા હોવાની દાદ ગ્રાહકો કરી રહ્યા છે.

હાલ તાલુકાના ચિમેર, જામખડી તથા માંડળ ગામે તથા બોરદા વિસ્તારમાં આવેલા બીએસએનએલના ટાવરો પોતાની પૂરતી કાર્યક્ષમતા સાથે ચાલતા નથી જેથી ગ્રાહકોને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ખાનગી કંપનીઓ દ્વારા મોબાઈલ ટાવરો ઉભા કરવામાં આવી રહ્યા છે. ત્યારે સરકારી કંપનીના ગ્રાહકો ધડાધડ કંપની છોડી અન્ય ખાનગી કંપની સાથે જોડાઈ રહ્યા છે અને મોંઘા ભાવના પ્લાન સાથે જોડાવવા માટે મજબૂર બની રહ્યા છે.

માંડળ ટેલિફોન ઓફિસ પર ખંભાતી તાળા
ગ્રામજનોની ટાવર બાબતે ઉભી થયેલી ફરિયાદ સંદર્ભે માંડળ ગામે જ્યાં બીએસએનએલનો મોબાઈલ ટાવર ઉભો કરવામાં આવ્યો છે. એવા ગામની ટેલિફોન કચેરી ખાતે ગુરુવારે બપોરે મુલાકાત લેવામાં આવી હતી. જો કે આ એક્ષચેંજના દરવાજા પર તાળા મારેલા જોવા મળ્યા હતા અને ત્યાં જવાબ આપવા વાળું કોઈ ઉપસ્થિત ન હતું. આવા બીએસએનએલના ગેરવહીવટનો ભોગ ગ્રાહકો બની રહ્યા છે એમ કહેવાય તો ખોટું નથી.

અન્ય સમાચારો પણ છે...