વાળનું દાન કરવાની અનોખી પહેલ:ખડકા ચીખલીની યુવતીએ પોતાના એક ફૂટ વાળ કપાવી કેન્સરના દર્દીની વિગ બનાવવા મોકલ્યા

સોનગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોનગઢના ખડકા ચીખલી ગામની યુવતીએ પોતાના વાળનું દાન કર્યું હતું. - Divya Bhaskar
સોનગઢના ખડકા ચીખલી ગામની યુવતીએ પોતાના વાળનું દાન કર્યું હતું.
  • બેંગ્લોરની સંસ્થા વાળનો ઉપયોગ કરી કેન્સરના દર્દીઓ માટે વિગ બનાવી વિનામૂલ્યે આપે છે

સોનગઢ તાલુકાના ખડકા ચીખલી ગામે રહેતી 22 વર્ષીય આદિવાસી સમાજની યુવતી એ કેન્સરના ભયાનક રોગ સામે ઝઝૂમતાં દર્દીઓને વિગની સુવિધા મળે એવાં આશય સાથે પોતાના એક ફૂટ જેટલા વાળ કપાવી કુરિયર દ્વારા બેંગ્લોર ખાતે કેન્સર ગ્રસ્ત દર્દીઓની સેવા કરતી સામાજિક સંસ્થાને મોકલી આપ્યા હતા. ગામની યુવતીની આ અનોખી પહેલ અને સ્તુત્ય પ્રયાસને ગ્રામજનો દ્વારા બિરદાવવામાં આવ્યો હતો.

સોનગઢ તાલુકાના ખડકા ચીખલી ગામે રહેતા અંકિતભાઇ ગામીત હ્યુમન અલાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી સેવાકીય કાર્યો કરતા આવ્યા છે. આ ટ્રસ્ટના ફાઉન્ડર અંકિતભાઇ ગામીત કોલકાતાના પ્રસિદ્ધ આર જે પ્રવીણ સાથે ફેસબુક જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયેલા છે.

આર જે પ્રવીણની સોશિયલ મીડિયાની પોસ્ટ થકી અંકિતભાઇને જાણવા મળ્યું કે કર્ણાટક રાજ્યના બેંગ્લોર ખાતે સામાજિક કાર્ય કરતી બેંગ્લોર હેર ડોનેશન નામની સંસ્થા લોકો પાસે વાળનું દાન મેળવી એના વડે કેન્સર ગ્રસ્ત દર્દીઓ માટે સ્થાનિક લેવલે કારીગરો પાસે વિગ બનડાવવાનું કામ કરે છે અને આવી વિગ કેન્સર ગ્રસ્ત દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવે છે.

આ સદ્કાર્ય બાબતે અંકિતભાઇએ હાલમાં લેબ ટેક્નિશિયનનો અભ્યાસ કરતા એવાં પોતાની બહેન વૈશાલીબહેન ગામીત (22)ને વાત કરતા તેઓ તરત જ વાળનું દાન કરવા તૈયાર થઇ ગયા હતા અને એ પ્રમાણે તેમણે અંદાજિત છેલ્લા છ માસથી પોતાના વાળ વધાર્યા હતા. સોમવારે વૈશાલીબહેન વ્યારા ખાતે ગયા હતા અને પોતાના એક ફુટ થી લાંબા માથાના વાળ કપાવી એને બોક્સમાં પેક કરી કુરિયર કંપની દ્વારા સ્વ ખર્ચે બેંગ્લોર મોકલી આપ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે અંકિત ગામીત પોતે પણ હાલમાં વાળ વધારી રહ્યાં છે. એમની સાથોસાથ પરિવારના અન્ય મહિલા સદ્સ્યો પણ પોતાના વાળ વધારી રહ્યાં છે. જે આગામી સમયમાં બેંગ્લોર મોકલવામાં આવનાર છે. આમ સોનગઢ જેવાં આદિવાસી વિસ્તારમાંથી એક શિક્ષિત યુવતીએ કેન્સર ગ્રસ્ત દર્દીઓ માટે વિગ બનાવવા માટે પોતાના વાળનું દાન કર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...