તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોન્ટ્રાક્ટરનું કારસ્તાન:ચીમેર રોડના વળાંકમાં સુરક્ષા એંગલ કોન્ટ્રાક્ટરે જેસીબીથી તોડાવી નાખી

સોનગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓટા રોડ પર ચીમેર ગામની પાસે રસ્તાના વળાંક પર આવેલ સુરક્ષા એંગલ જેસીબીથી તોડી નખાઈ હતી. - Divya Bhaskar
ઓટા રોડ પર ચીમેર ગામની પાસે રસ્તાના વળાંક પર આવેલ સુરક્ષા એંગલ જેસીબીથી તોડી નખાઈ હતી.
  • સોનગઢ તાલુકાના ઓટા રોડ પર ટેલિકોમ કંપનીના કોન્ટ્રાક્ટરનું કારસ્તાન
  • કેબલનું કામ કરતા નડતરરુપ બનતા એંગલ તોડી સાઈડ પર નાખી દેવાઈ

સોનગઢ તાલુકાના ઓટા રોડ પર આવેલ ચીમેરથી દાબધર ગામ તરફ રસ્તાના વળાંક પર વાહન ધારકો ની સુરક્ષા અર્થે લોખંડની એંગલ ગોઠવવામાં આવી હતી.આ એંગલને કેબલ પાથરવાનું કામ કરતા એક કોન્ટ્રાક્ટરે જેસીબી મશીનથી તોડાવી નાખી રસ્તાની સાઈડ પર નાખી દીધી છે.આ કારણોસર એંગલ લગાવવા પાછળનો હેતુ બર નથી આવ્યો અને વાહન ધારકો ડર સાથે રસ્તાનો વળાંક પસાર કરી રહ્યા છે.

સોનગઢથી ઓટા વાયા ટોકરવા થઇ જતો હાઈવે આગળ ડાંગ જિલ્લાને અને મહારાષ્ટ્ર રાજ્ય સાથે જોડાઈ છે અને રોજિંદા આ રસ્તે થઈ મોટા પ્રમાણમાં વાહનવ્યવહાર ધમધમે છે. જો કે આ રસ્તો જંગલ અને પહાડી વિસ્તાર માંથી પસાર થતો હોવાને કારણે વાહનચાલકોએ અકસ્માત બાબતે ઘણા સાવચેત રહેવું પડે છે. આ રસ્તા પર ઘણે ઠેકાણે એસ આકારના અને ભયજનક વળાંક આવેલ છે જેથી અહીંથી પસાર થતા વાહનચાલકોની સુરક્ષા અર્થે રોડની સાઈડ પર જ્યાં જરૂર હોય ત્યાં લોખંડની એંગલ લગાવવામાં આવી છે અને એ વાહન ચાલકો માટે ઉપયોગી પણ છે અને અકસ્માત ટાળી પણ શકાય છે.

ગત થોડા દિવસ પહેલા એક ટેલિકોમ કંપની દ્વારા રસ્તાના કિનારે ઓપ્ટિકલ ફાઇબર કેબલ પાથરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને આ કામ દરમિયાન રસ્તાના કિનારે જેસીબી મશીનથી ખાડા ખોદવામાં આવ્યા હતા.આ સમયે વળાંક પર ગોઠવવામાં આવેલ સુરક્ષા એંગલ નડતરરુપ બનતી હોય કોન્ટ્રાકટરના માણસોએ આવી એંગલ ઉખાડીને રસ્તાના કિનારે ફેંકી દીધી હતી અને પોતાનું કામ પૂર્ણ કરી ચાલ્યા ગયા હતા.

માર્ગ મકાન વિભાગ આ સુરક્ષા એંગલ તોડનાર એજન્સી પાસે દંડ વસૂલ કરે અને તાકીદે ચીમેર ગામ પાસેની અન્ય સ્થળે તોડી નાખવામાં આવેલ એંગલ નવેસરથી નાખી દે જેથી વાહન ચાલકોને સુરક્ષા મળી શકે.

અન્ય સ્થળે પણ આવી એંગલ તોડી નંખાઈ છે
આ સ્થળ સિવાય અન્ય જગ્યાએ પણ આવી એંગલ તોડી નાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. એ સાથે જ જ મોટેભાગ ના રસ્તાની સાઈડ સોલ્ડર પણ તોડી નાખવામાં આવી છે જેથી રસ્તેથી પસાર થતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હોવાનું સ્થાનિક યુવા નૈતિક ભાઈ ગામિતે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...